મુંબઈ: અમેરિકામાં રહીને એમબીબીએસનો અભ્યાસ કરતી 21 વર્ષીય યશોધરા શિંદેએ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના વડ્ડી ગામમાં સરપંચ પદની ચૂંટણી જીતી છે. જ્યોર્જિયાની મેડિકલ કોલેજમાં ભણતી આ યુવતી ડોક્ટર બનવા ઈચ્છે છે, પરંતુ તેના નસીબે અત્યારે તો પલટો માર્યો છે. યશોધરાને એક દિવસ અચાનક તેના પિતાએ ફોન કરી પોતાના ગામ વડ્ડીના સરપંચ પદની ચૂંટણી લડવા ઘરે બોલાવી. તે ઘરે પરત ફરી અને ચૂંટણી લડી. વિજેતા બનતાં હવે તે સરપંચપદ શોભાવશે.
યશોધરા હવે વતનના વિકાસ માટે કામ કરવા માંગે છે અને પોતાનું શિક્ષણ ઓનલાઈન પૂરું કરવાની યોજના છે. તે એમબીબીએસના ચોથા વર્ષમાં છે અને હજી દોઢ વર્ષનો અભ્યાસ બાકી છે. તે કહે છે કે, તે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માગે છે. વિદ્યાર્થીઓના ઈ-લર્નિંગ અને અન્ય શિક્ષણના સંસાધનો લાવશે, બાળકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ઉપાયો લાવશે અને યુવાઓ તેમજ ખેડૂતોના કલ્યાણ માટે પણ કંઈક કરવા ઈચ્છે છે.
તેણે વધુમાં કહ્યું કે, જ્યારે ગામમાં ચૂંટણીની ઘોષણા થઈ ત્યારે સ્થાનિક લોકોની ઈચ્છા હતી કે અમારા ઘરમાંથી કોઈ સરપંચપદની ચૂંટણી લડે. મારા પિતાએ મને બોલાવી અને હવે હું ગામના સર્વાંગી વિકાસ માટે કામ કરીશ.