વોશિંગ્ટનઃ અમેરિકામાં સરોગસી એક મોટો બિઝનેસ બની ગઇ છે, અને તેના પગલે પગલે સરોગસી સંબંધિત કેસમાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો છે. અમેરિકાનાં દરેક રાજ્યમાં સરોગસીના જુદા-જુદા કાયદા છે, જેના કારણે મહિલાઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. હવે દેશભરમાં સરોગસી મુદ્દે સમાન કાયદો બનાવવાની માગ થઇ રહી છે, કેમ કે મોટા ભાગનાં રાજ્યોમાં પેઇડ સરોગસીના નિયમ છે, જેનું સરળતાથી ઉલ્લંઘન થઇ રહ્યું છે.
અમેરિકાની કેટલીક મહિલાઓએ તો સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખટખટાવવા પડ્યા છે. આવો જ એક કિસ્સો કેલિફોર્નિયાની મેલિસા કૂકનો છે. એક વ્યક્તિએ તેને એક ખાનગી સંસ્થા દ્વારા સરોગસી માટે તૈયારી કરી. થોડા દિવસ બાદ તે વ્યક્તિ ફરી ગઇ અને નાણાકીય સ્થિતિ ખરાબ હોવાનું જણાવી બાળકો ઉછેરવા સમર્થ ન હોવાનું કહ્યું. તેના પગલે મેલિસાએ સંબંધિત સંસ્થા અને તે વ્યક્તિ સામે કેસ કર્યો. મેલિસા હવે ત્રણ સંતાનની માતા છે પણ તે સંતાનોને દત્તક લેવા કોઇ તૈયાર નથી. વર્ષ 1999થી 2013 દરમિયાન અમેરિકામાં 18,400 બાળક સરોગસીથી જન્મ્યાં હતાં. એક સરોગેટ મધરને 22 લાખથી 45 લાખ રૂપિયા સુધી ચુકવણી કરાઇ. તેમાં વિટ્રો પણ સામેલ છે.
એક સમય હતો જ્યારે યૂક્રેન સરોગસી માટે પ્રખ્યાત હતું પણ રશિયા-યૂક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં એડવાન્સ્ડ મેડિકલ ટેક્નોલોજી અને સ્વસ્થ ડોનર્સને પગલે સરોગસીના કેસ વધી ગયા છે. તેથી હવે આનુવંશિક સંબંધ સ્પષ્ટ કરી શકે તેવો નવો કાયદો ઘડવા માગ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે ન્યૂ જર્સીમાં 2018, વોશિંગ્ટનમાં 2019 અને ન્યૂ યોર્કમાં 2021માં સરોગસી અંગેનો કાયદો બન્યો છે.