મેક-અપ કરતી વખતે સૌથી વધુ મહત્ત્વ આંખોના મેક-અપ એટલે કે આઈ મેક-અપ પર જ આપવામાં આવે છે. સામાન્ય રીતે આંખોના શેપ પ્રમાણે જ મેક-અપ એક્સપર્ટ્સ મેક-અપ કરે છે સાથે સાથે તેઓ નવા પ્રકારનો આઈ શેડ કે મેક-અપ પણ અજમાવે છે, પણ જો ક્લાયન્ટને ગમે તો. આ ઉપરાંત કેટલીક માનુનીઓ પોતે પોતાની રીતે જ આઈ મેક-અપમાં નીતનવી સ્ટાઈલ અજમાવે છે. તાજેતરમાં અરેબિક આઈ મેક-અપ ખૂબ જ પ્રચલિત છે. અરેબિક મેક-અપનો લુક થોડો હેવિ હોય છે અને તે અત્યંત ડ્રામેટિક પણ લાગે છે. જોકે તે આઈ સાઈઝ પ્રમાણે યોગ્ય રીતે કરવામાં આવે તો ખૂબ જ ગ્લેમરસ લાગે છે. પાર્ટીઝ કે ફંક્શન્સ માટે આ મેક-અપ સ્ટાઈલ ઘણી પ્રચલિત બની રહી છે.
આ આઈ મેક-અપ માટે આંખોને સ્મોકી લુક અપાય છે. ગોરી ત્વચા માટે સિલ્વર શેડ વપરાય છે અને ડાર્ક સ્કિન માટે ગોલ્ડ ટોનનો ઉપયોગ કરાય છે. કેટલાક મેક-અપ આર્ટિસ્ટ અરેબિક મેક-અપ માટે કહે છે કે તેઓ સ્પેશ્યલી ઇન્ટરનેશનલ મેક-અપ આર્ટિસ્ટ પાસેથી આ અંગેની ટ્રેનિંગ મેળવી ચૂક્યા છે કારણ કે આ મેક-અપ સ્ટાઈલ સુંદર લુક આપે છે, પણ ખૂબ જ મહેનત માગી લે છે.
મેક-અપ એક્સપર્ટ રેખાબહેન શાહ કહે છે કે, અરેબિક મેક-અપ આર્ટ શીખવા માટે તેમણે એક પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય મેક-અપ આર્ટિસ્ટ પાસેથી પ્રોફેશનલ ટ્રેનિંગ મેળવી હતી. એ પછી જ ક્લાયન્ટને ગમે તો તેઓ અરેબિક મેક-અપ સ્ટાઈલ કરે છે. તેઓ કહે છે કે અરેબિક આઈ મેક-અપ માટે આખા ચહેરા પર બનાવાતો બેઝ મહત્ત્વનો છે. આ મેક-અપમાં સ્કિન ટોનને એકસરખો કરવા માટે કન્સિલર વપરાય છે. તે ખાસ આંખોને હાઇલાઇટ કરે છે.
અરેબિક આઈ મેક-અપ માટે કાજલ, આઇલાઇનર, મસ્કરા, ફોલ્સ આઈલેશિઝ જેવા આઈ મેક-અપના દરેક સાધનનો ઉપયોગ થાય છે. આ મેક-અપ સ્ટાઈલમાં આઈ શેડોમાં મોટાભાગે ઘેરા કલર વપરાય છે જેમ કે રેડ, ડાર્ક પિંક, કથ્થઈ, પર્પલ, બ્લૂ જેવા શેડ્ઝ આઈ શેડો માટે વપરાય છે. આઈ શેડોમાં વપરાયેલા કલરની બ્રાઇટ લિપસ્ટિકનો શેડ જ હોઠ પર ઉપયોગમાં લેવાય છે. મેક-અપ એક્સપર્ટ કહે છે કે અરેબિક મેક-અપ માનુનીઓ પોતે પણ અજમાવી શકે છે, પણ એના માટે ધ્યાન રાખવું અને સ્ટેપ્સ ફોલો કરવા ખૂબ જ જરૂરી છે.
અરેબિક મેક-અપ માટે વિશેષજ્ઞો દ્વારા જણાવેલા કેટલાક સ્ટેપ્સ અહીં આપ્યાં છે જે આપ ફોલો કરીને અરેબિક મેક-અપ કરી શકો છો.
- તમારા સ્કિન ટોનને મેચ કરે એવા બેઝ માટે સ્કિન ટોન કરતાં થોડા લાઇટ શેડનું ફાઉન્ડેશન પસંદ કરવું. પહેલાં ખૂબ જ હળવાશથી બેઝ ચહેરા પર લગાવો. ડાઘા, કરચલીઓ અને ખાડાને કન્સિલરથી છુપાવી દેવા. ફેસ પર બધે એકસરખો ટોન તૈયાર કરી લેવો.
- કાન, નાક અને ગળા પર પણ એકસરખો જ બેઝ બનાવવો. ચહેરા સાથે ગળા, ગરદન, કાન આંખ, નાકની સ્કિન જુદી ના પડે એવી રીતે બેઝ તૈયાર કરો. હોઠ પર પણ બેઝ લગાવવાથી લિપ્સની ડાર્કનેસ જતી રહેશે અને તમે જે લિપસ્ટિક લગાવશો એનો કલર ઊભરી આવશે.
- ગાલ પર હાઇ લાઇટ લગાવો, પણ તે નેચરલ લાગવું જોઈએ. બ્રશથી હાઇલાઇટ કરો. યોગ્ય શેડ બહુ જ મહત્ત્વનો છે.
- હવે જે અત્યંત મહત્ત્વનો છે તે આઈ મેક-અપની વાત કરીએ તો બંને આંખો પરની કરચલી પર મેટ શેડ લગાવો. એનાથી આંખોને ડેપ્થ મળશે. ડાર્ક ટોન બહુ વાપરવો નહીં. કેમ કે એમ કરવાથી મેક-અપ ખરાબ થશે. કાજળ પણ સ્પ્રેડ ના થાય એવું વાપરવું. આઇઝની અંદરની લીડ પર કાજલની લાઇન કરવી. બંને સાઇડથી ખુણા સુધી લાઇન ખેંચવી. આઈ શેડોને ત્રણ ભાગમાં કરવો. અરેબિક મેક-અપમાં પિન્ક શેડોનો વધારે ઉપયોગ થાય છે. તો પિન્કનો સૌથી ડાર્ક શેડ પહેલાં કરવો, એના ઉપર લાઇટ અને સૌથી ઉપર એકદમ લાઇટ હાઇલાઇટર કરવી. છેલ્લે ગોલ્ડ કે સિલ્વર શેડો લગાવવો.
- હોઠ પર લિપસ્ટિક પિચ અથવા પિન્ક શેડની લગાવાતી હોય છે. અરેબિક આઈ મેક-અપ જચે તે માટે લિપ શેડ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી લિપ લાઇનર માટે પિચ કે પિન્ક શેડ વાપરો. લિપ્સને પાઉટ કે મોટા બતાવવાના બદલે એને પાતળા અને પોઇન્ટેડ બતાવો. ન્યૂડ ગ્લોસ લગાવો. લિપ્સસ્ટિકનો શેડ વધુ ઘેરો કરવો નહીં બાકી અરેબિક લુક નહીં આપતાં તે વધુ બોલ્ડ લાગશે. લિપ્સસ્ટિક વધુ ઘેરી ન થાય તે માટે પહેલેથી જ થોડો લાઈટ શેડ પસંદ કરવો.