દરેક વ્યક્તિ વધતાઓછા અંશે મૂડી હોય છે, અને તેમાં પણ સ્ત્રીઓ તો ખાસ. નારીહૃદય બહુ કોમળ અને સંવેદનશીલ હોય છે. મૂડ ‘બગડતાં’ એક ક્ષણ પણ ન લાગે, અને મૂડ ‘સુધરતાં’ કલાકો વીતી જાય. પણ તમારે ચપટી વગાડતાં મૂડ સુધારવો છે? અરોમા થેરપી અજમાવો. આ ઉપાય પળભરમાં તમારો મૂડ સુધારશે.
પરંતુ અરોમા થેરપીને મૂડ સાથે શું લેવાદેવા છે? આપણે સહુ જાણીએ છીએ કે ગંદી વાસ આવતાં તરત જ નાક આગળ રૂમાલ આવી જાય છે અને માનસિક ત્રાસનો અનુભવ થાય છે. તો બુકે શોપ કે સેન્ટ-સ્પ્રેની શોપ પાસેથી પસાર થતાં મન પ્રસન્ન થઈ જાય છે અને ચહેરા પર તાજગીનો અહેસાસ છવાઇ જાય છે. આ બન્ને ઘટના સમયે પળભરમાં જ ચહેરાના હાવભાવ સાથે મૂડમાં બદલાવ જોવા મળે છે.
બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે એક વખત કહ્યું હતું કે તેને ત્વરિત એનર્જી જોઈએ કે મૂડ બદલવો હોય ત્યારે તે અરોમા થેરપીનો ઉપયોગ કરે છે. તમે દીપિકાના ચાહક હો કે ન હો, પણ તેની આ વાતને અનુસરવામાં ફાયદો તો છે જ. માત્ર દીપિકા આ થેરપીનો ઉપયોગ કરે છે એટલે આ થેરપીનો ઉપયોગ કરવાની જરૂર નથી, પરંતુ એના ફાયદા અને અસર વિશે જાણો અને પછી તેનો ફાયદો ઉઠાવો.
અરોમા થેરપીમાં મુખ્યત્વે એસેન્શિયલ ઓઇલ એટલે કે વિવિધ પ્રકારનાં સુગંધી તેલનો ઉપયોગ થાય છે. આ સુગંધી તેલ સુગંધીદાર છોડનાં પાન, કોષો અને ડાળીમાંથી કાઢવામાં આવે છે. જ્યારે કુદરતી પ્રક્રિયાથી છોડમાંથી તેલ કાઢવામાં આવે છે ત્યારે એ વિશેષ બની જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક કિલો લેવેન્ડરનું તેલ બનાવવું હોય તો આ માટે ૧૦૦ કિલો ફૂલ જોઈએ.
અરોમા થેરપી માટેનાં વિવિધ તેલમાં ઓલ સ્પાઇસ બેરી, તુલસી, ચંદન, સૂવા, રોમન ચેમોમાઇલ, જિરાનિયમ, લેવેન્ડર, ટી ટ્રી, લેમન, ચેડરવુડ અને બર્ગામોટનો સમાવેશ થાય છે. અમુક તેલનાં નામ ભલે વિદેશી લાગે, પરંતુ તમે શોપિંગ મોલમાં જશો તો આના કરતાં પણ વધારે વરાઇટી જોવા મળશે.
દરેક ખાસ તેલની સુગંધ જુદી હોય છે અને શરીરમાં જુદી રીતે અસર કરે છે. જાણીએ કે આ તેલ મન, શરીર અને મગજ વચ્ચે કેવી રીતે સંતુલન બનાવે છે. તેલની સુગંધ પ્રત્યક્ષ મગજ પર અસર કરે છે. માનસિક તનાવ કે ચિંતાની સ્થિતિમાં તરત જ બદલાવ લાવે છે. અરોમા થેરપી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે શ્વાસ દ્વારા તેમ જ મસાજ દ્વારા કામ કરે છે. મસાજ દ્વારા તેલ શરીરના સંપર્કમાં આવતાં સ્નાયુઓ ફ્લેક્સિબલ બને છે. પરંતુ જો મસાજ ન કરવો હોય તો માત્ર એની સુગંધથી જ એના લાભ લઈ શકાય છે. તેલનાં સ્પ્રે બજારમાં ઉપલબ્ધ છે.
વિવિધ તેલ, વિવિધ અસર
બજારમાં સેંકડો પ્રકારના તેલ ઉપલબ્ધ છે, પણ તે દરેક વિશે લખવું અશક્ય છે. આથી કેટલાક પસંદગીના તેલની અસરો અહીં રજૂ કરી છે.
• ઓલ સ્પાઇસ બેરી: આ તેલની સુગંધ એકદમ હૂંફાળી, તીખી-મીઠી હોય છે. તેને નારંગી, આદુ, તજ અને લવિંગ જેવા તેલમાં મિક્સ કરવામાં આવે છે. આ તેલની અસર એકદમ હૂંફાળી હોય છે. મન પ્રફુલ્લિત રહે છે અને આરામદાયક અહેસાસ થાય છે.
• ચંદન: ચંદનની સુગંધથી બધા જ વાકેફ છે. એમાં થોડી લાકડા જેવી, મીઠી, બાલ્સેમિક (ઇટાલિયન વિનેગર)ની સુગંધ આવે છે. આ તેલને ચેડરવુડ, મોગરા અને ગુલાબની સુગંધ સાથે મિક્સ કરવામાં આવે છે. આ તેલની અસર હેઠળ તમે મજબૂત બનો છો અને ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.
• સુવા: સુવા અને દગડફૂલના તેલની સુગંધ લગભગ સમાન હોય છે. એને મેક-અપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઓરડાના તાપમાનમાં આ તેલ જામી જાય છે. તેથી આ તેલની બોટલને હૂંફાળા કે ગરમ પાણીમાં નાખવી, જેથી પ્રવાહી સ્વરૂપમાં આવી જશે. આ તેલની અસર મનને પ્રફુલ્લિત કરે છે તેમ જ ખુશીનો અહેસાસ કરાવે છે.
• તુલસી: તુલસી ઘણા પ્રકારની હોય છે. લિનાલુલ તુલસી, એગ્ઝોટિક તુલસી અને મીઠી તુલસીની સુગંધ અલગ હોય છે. આવી તુલસીની સુગંધ મોંઘા પરફ્યુમમાં વાપરવામાં આવે છે. તુલસીની અરોમા તમને ત્વરિત એનર્જેટિક બનાવે છે. તમને તાજગીનો અહેસાસ કરાવે છે.
• લેવેન્ડર: આ તેલનો ઉપયોગ નાહવામાં, રૂમ સ્પ્રેમાં, ટોઇલેટના પાણીમાં, પરફ્યુમમાં, મસાજ તેલમાં, લોશનમાં અને અન્ય ઘણીબધી વસ્તુઓમાં થાય છે. આ તેલને સાઇટ્રસ, લવિંગ, રોઝમેરી, ક્લેરી સેજ અને પાઇનના તેલ સાથે મિક્સ કરવામાં આવે છે. આ તેલથી શરીર અને મન વચ્ચે સમતુલા જળવાય છે. માનસિક શાંતિનો અનુભવ થાય છે, ગરમ મગજ ઠંડું થઈ જાય છે અને આરામદાયક અનુભવ થાય છે.
• બર્ગામોટ: પાકા ફળની છાલમાંથી બનાવવામાં આવતા આ તેલની સુગંધ તાજગીભરી, ફ્રૂટી અને મીઠી હોય છે. આ તેલને ડીઓડરન્ટ તરીકે પણ વાપરી શકાય. આ તેલની સુગંધ તમારા માનસ પર છવાય તો તમારા આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવ કરશો. તમારામાં પ્રેરણાનો સંચાર થયો હોય એવું લાગે છે.
જોકે દરેક તેલની સુગંધ સારી નહીં
ઘરમાં સુગંધી તેલનો ઉપયોગ વધારો, પરંતુ માથું દુખે એવાં સુગંધી તેલ ઘરમાં ન લાવવાં. દરેક તેલની સુગંધથી સારી અસર થતી નથી. કેટલાક સંવેદનશીલ લોકોને તીવ્ર સુગંધથી માથું દુખવા લાગે છે તો કેટલાક એ સુગંધ સહી શકતા નથી. આથી હળવા સુગંધી તેલનો ઉપયોગ કરવો. બાળકોના સ્ટડી-રૂમમાં અરોમા તેલનો ઉપયોગ કરો. એનાથી તેમને અભ્યાસમાં મદદ થશે. વહેલી સવારે કે સાંજે ઘરમાં હળવા તેલની સુગંધ હોય તો ઘરના સભ્યોનું મન પ્રફુલ્લિત રહે છે. માનસિક તનાવથી ક્ષણમાં મુક્તિ આપતી આ થેરપીનો ઉપયોગ માત્ર મહિલાઓ જ નહીં; બાળકો, વૃદ્ધો અને પુરુષોએ પણ કરવો જોઈએ.