નવરાત્રી અને દિવાળી નજીક હોય ત્યારે સ્ત્રીઓ અગાઉથી જ કપડાં અને ઘરેણા માટેનું પ્લાનિંગ બનાવતી થઈ જાય છે. ગરીબ-તવંગર, શ્યામ શ્વેતથી માંડીને કોઈપણ ધર્મ જાતિ કે વયની સ્ત્રીઓ કોઈ સારો પ્રસંગ આવે તે પહેલાં જ ઘરેણા અંગે પ્લાનિંગ કરતી જોવા મળે છે. હવે તો દરેક વય જૂથની સ્ત્રીઓ માટે તેને કમ્ફર્ટેબલ જ્વેલરી બજારમાં ઉપલબ્ધ છે.
પહેલાના જમાનામાં તહેવારો અને લગ્નપ્રસંગે સ્ત્રીઓ હેવી જ્વેલરી પહેરતી. ગૃહિણીઓ પાસે સોનાનાં હાર, હીરા તથા મોતીના સેટ, હાથના કંકણ, પાટલા, બંગડીઓ ચૂડાનું એક મોટું કલેક્શન હોય. આ ઉપરાંત ઘરમાં રોજબરોજ પહેરવા માટેનું મંગળસૂત્ર, બુટ્ટી, વીંટી તથા બંગડીઓ પણ હોય, પરંતુ હવે જમાનો બદલાયો છે. પહેલાંની ગૃહિણીનું સ્થાન આજની આધુનિક નારીએ લીધું છે. તે રોજ પોષાકની સાથે મેળ બેસે એવી જ્વેલરી પહેરતી થઈ છે.
હળવી જ્વેલરી
આજની કિશોરીઓ પણ કોલેજમાં પાશ્ચાત્ય ડ્રેસ ઉપર સોનાની ચેન, બ્રેસલેટ તથા નાજૂક બુટ્ટી પહેરે છે. ઓફિસ જતી સ્ત્રી વસ્ત્રો અનુસાર રોજબરોજ ઘરેણા પણ પહેરે છે. ગૃહિણીઓ પણ સાડીના રંગ અનુસાર ઘરેણા પહેરવાનો આગ્રહ રાખે છે. સ્ત્રીઓ અને કિશોરીઓ હળવા છતાં કલાત્મક ઘરેણાં પસંદ કરે છે અને આથી જ જ્વેલરી માર્કેટનો ટ્રેન્ડ બદલાયો છે.
સોનાના ઘરેણા
આપણા વડવાઓ સોનાને મૂડી સ્વરૂપે જોતાં હતાં જ્યારે આજની સ્ત્રીઓ ઈન્વેસ્ટમેન્ટ ઉપરાંત સુંદરતા તથા વસ્ત્રોને અનુરૂપ ઘરેણા ખરીદવાનો આગ્રહ રાખે છે. ઘરેણા પ્રત્યે જાગૃત માનુનીઓને આકર્ષવા તથા તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાડવા નવા જ્વેલરી ડિઝાઈનર્સ તેમની પસંદ મુજબ ઘરેણા બનાવી આપે છે. આભૂષણોની વિવિધતા અને સુંદરતાના ચાહક ગ્રાહકો માટે એક્સપર્ટ જ્વેલરી ડિઝાઈનર્સ પોતાનો મત આપતાં કહે છે કે, આજકાલ સોનના ભારે કરતાં હળવા અને વધુ ઘરેણાનો ટ્રેન્ડ છે. ખાસ કરીને વૈજ્ઞાાનિક ફેરફારોને લીધે સોના ઉપર રાસાયણિક તત્ત્વોનો પ્રયોગ કરીને તેને વિવિધ રંગી બનાવવામાં આવે છે. તેથી હવે પીળા, ગુલાબી, ઓક્સીડાઈઝ્ડ, ગેરુ, ચોકલેટ જેવા રંગમાં પણ સોનાના ઘરેણા ઉપલબ્ધ છે. જેમને ચમકતા સોનાના ઘરેણા ગમતાં નથી તેમને માટે મેટ ફિનિશ તથા સફેદ સોનું પણ મળે છે.
પારંપરિક આભૂષણો
ભારતમાં ઘરેણા બનાવવાની કળા પરાપૂર્વથી ચાલી આવી છે. રાજપૂત અને નિઝામ શૈલીના આભૂષણોની માગ હજી આજે પણ યથાવત્ છે. તે ઉપરાંત ટોચના અનેક ડિઝાઈનરો આગવી ડિઝાઈનનું સર્જન કરે છે. જ્વેલરી એક્સપર્ટ્સ કહે છે કે સસ્તી મોંઘી ધાતુના કોમ્બિનેશન સાથે બુટ્ટી, પેન્ડન્ટ, વીંટી, બંગડી તથા બ્રેસલેટની એક અનોખી શ્રેણી તૈયાર કરીને બજારમાં મૂકવામાં આવે છે. આ શ્રેણીમાં પીળા સોના સાથે વ્હાઈટ ગોલ્ડનો તથા વિવિધ રત્નોનો ઉપયોગ થાય છે. આજનો યુવાવર્ગ સ્વતંત્રપણે ફેશન ટ્રેન્ડ અપનાવે છે. તેમને હળવી પણ સ્ટાઈલિશ જ્વેલરી વધુ પસંદ છે.
વ્યક્તિત્વ પ્રમાણે જ્વેલરી ડિઝાઈન
કેટલાક ડિઝાઈનરો ઊંચાઈ રંગ તથા વ્યક્તિત્વ પ્રમાણે ઘરેણા બનાવે છે. તે ઉપરાંત આ નવા જ્વેલરી ડિઝાઈનરોના કલેક્શનમાં ગ્રીક, ઈજીપ્શીયન અને મોગલ શૈલીના સ્થાપત્યોની ડિઝાઈનની ઝલક પણ જોવા મળે છે. અન્ય એક આભૂષણ શ્રેણીમાં સોનામાં હીરા એવી રીતે જડવામાં આવ્યાં છે જે અરીસા જેવું દેખાય છે. તે ઉપરાંત ચાંદીની અંદર પણ અન્ય ધાતુ ભેળવી પ્લેટિનમ જેવી અસર ઉપજાવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતીય ડિઝાઈન
ભારતીય બઝાર ઉપરાંત પશ્ચિમી બઝારોમાં નવી ભારતીય કલાત્મક ડિઝાઈનો તથા જ્વેલરી ડિઝાઈનરોની ખ્યાતિ વધી છે. મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધાની સ્પર્ધક મિસ ઈન્ડિયા માટે જ્વેલરી ડિઝાઈન કરતી એક ડિઝાઈનરે સોનામાં 'ટીશ્યુ લુક' અને 'ક્રશ્ડ પેપર લુક' જેવી નવી રેન્જ પણ બનાવી છે. આ ટ્રેન્ડને તે નવી નવી રીતે આગળ વધારી રહી છે.