ઈરાનમાં મહિલા અધિકારો માટે લડત ચલાવતાં મહિલા કાર્યકર નરગિસ મોહમ્મદીને વર્ષ 2023નો શાંતિ નોબેલ પુરસ્કાર જાહેર થયો છે. હાલ ઈરાનની જેલમાં કેદ નરગિસ મોહમ્મદી દાયકાઓથી મહિલાઓના અધિકારો માટે ચળવળ ચલાવી રહ્યાં છે. ઈરાનના કટ્ટરવાદી શાસકોએ નરગિસ મોહમ્મદીની વિવિધ આરોપ હેઠળ 13 વખત ધરપકડ કરી ચૂક્યા છે અને તેમણે 31 વર્ષ જેલમાં વીતાવ્યા છે. આમ તેઓ અવરિત સંઘર્ષનું જીવંત ઉદાહરણ છે. ઈરાનમાં મહિલાના જીવનમાં સંઘર્ષ ઘટે, મહિલાઓને સમાનતા મળે તે માટે તેમણે દાયકાઓ પહેલાં ઝુંબેશ શરૂ કરી હતી. 2019માં તેમણે દેશવ્યાપી આંદોલન કર્યું હતું. ત્યારથી તેમને જેલમાં બંધ કરાયા છે.
નરગિસ મોહમ્મદી જેલમાં બંધ હોવા છતાં અખબારોના માધ્યમથી મહિલાઓમાં જાગરુકતા ફેલાવતા રહે છે. અખબારોમાં નિયમિત કોલમ લખીને તેમણે મહિલા અધિકારોના અલગ અલગ મુદ્દા ઉઠાવ્યા છે. ખાસ તો હિજાબથી લઈને બુરખા સુધીની બાબતોમાં તેમણે કેમ્પેઈન ચલાવ્યું છે. મહિલાઓને સમાનતા મળે તે માટે તેમણે એકથી વધુ વખત દેશભરમાં આંદોલન કર્યું છે. તેઓને ઇરાનમાં મહિલાઓની સ્થિતિ સુધારવા માટે કરેલા પ્રયત્નો માટે, આ શાંતિ નોબેલ પ્રાઈઝ નોર્વેજિયન નોવેલ કમિટિએ જાહેર કર્યું છે. નોબેલ પુરસ્કારમાં મેડલ, સન્માનપત્ર અને 11 મિલિયન સ્વિડિશ ક્રાઉનનો સમાવેશ થાય છે.
નરગિસ મોહમ્મદી અત્યારે તહેરાનની ખતરનાક મનાતી ઈવીન જેલમાં 10 વર્ષની સજા ભોગવી રહ્યાં છે. તેઓ ઉપર સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાનો આરોપ છે. છેલ્લાં 30 વર્ષમાં નરગિસ મોહમ્મદીને તેમનાં લેખન અને આંદોલન માટે અનેકવાર સજાઓ થઇ ચૂકી છે. તેઓને પાંચ વખત દોષિત ઠરાવવામાં આવ્યા છે, અને 13 વખત ધરપકડ પણ થઇ છે. આ દરમિયાન તેઓને કુલ 31 વર્ષ જેલમાં રહેવું પડ્યું છે. અને કુલ મળી 154 કોરડાની સજા પણ થઇ છે. તેમના પતિએ કહ્યું હતું કે તેમની ઉપર હજી બીજા ત્રણ કેસ પેન્ડિંગ છે. તેમાં તેમને વધુ સમયનો કારાવાસ પણ ભોગવવો પડશે.
તેમના પતિની વય 63 વર્ષ છે. તેમનું નામ તગી રહેમાની છે. તેઓ પણ એક લેખક અને સામાજિક કાર્યકર છે. તેઓ 14 વર્ષ કારાવાસ ભોગવી ચુક્યા છે. અને અત્યારે ફ્રાન્સમાં તેમનાં જોડીયાં બાળકો સાથે દેશવટો ભોગવે છે. વારંવાર થતી સજાઓને લીધે નરગિસ મોહમ્મદીને તેમનાં બાળકો અને કુટુંબીજનોથી દૂર જ રહેવું પડ્યું છે.
નરગિસ મોહમ્મદીનો જન્મ જંજાલી સોટીમાં એક મધ્યમ વર્ગનાં કુટુંબમાં થયો હતો. પિતા ખેડુત હતા. સાથે ભોજન બનાવવાનું કામ કરતા હતા. જોકે માતાનું કુટુંબ રાજકારણ સાથે જોડાયેલું હતું. 1979ની ઇસ્લામિક ક્રાંતિ સમયે તેમના મામા અને બે મામાના પુત્રોને ગિરફ્તાર કરાયા હતા. નરગિસ ન્યુક્લિયર ફિઝિકસનો અભ્યાસ કરતાં હતાં ત્યારે કોલેજમાં જ તેમના પતિ સાથે મેળાપ થયો હતો. તેઓ મહિલા વિદ્યાર્થી સંગઠન સાથે જોડાવા માગતા હતાં, પરંતુ તે ન થઇ શક્યું તેથી તેમણે પોતે જ સંગઠન બનાવ્યું અને એક મહિલા હાઈકીંગ ગ્રૂપ તથા સિવિક એન્ગેજમેન્ટ ગ્રૂપ રચ્યું હતું.