અશોકચક્ર સન્માન, તમગા-એ-ઈન્સાનિયત પુરસ્કાર, ફ્લાઈટ સેફટી ફાઉન્ડેશન હીરોઈઝમ એવોર્ડ, જસ્ટિસ ફોર ક્રાઈમ અવોર્ડ, સ્પેશિયલ કરેજ એવોર્ડ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય પુરસ્કાર, ભારત ગૌરવ પુરસ્કાર.....પહેલો પુરસ્કાર ભારત સરકારનો છે, બીજો પાકિસ્તાન સરકારનો છે, ત્રીજો, ચોથો અને પાંચમો અમેરિકાનો છે, છઠ્ઠો ભારતનો છે અને સાતમો ઇંગ્લેન્ડનો છે. ચાર ચાર દેશના પુરસ્કારોની કુલ સંખ્યા સાત છે, પણ એને પ્રાપ્ત કરનાર સ્ત્રી એક જ છે....કહો જોઉં, એ કોણ છે ?
જવાબ છે : નીરજા ભનોત... પેન એમ એરલાઈન્સની એરહોસ્ટેસ. માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે એણે અસાધારણ કામ કર્યું. ચારસો જેટલા પ્રવાસીઓને બચાવવા પોતાના પ્રાણોની પરવા કર્યા વિના હવાઈ ચાંચિયાઓ સાથે જીવસટોસટની બાજી ખેલીને શહાદતને વરી. નીરજાની વીરતાને બિરદાવવા એને ચાર ચાર દેશોએ સાત મરણોત્તર સન્માનથી પુરસ્કૃત કરી. નીરજા શૌર્ય માટેનો અશોકચક્ર પુરસ્કાર પ્રાપ્ત કરનાર પહેલી ભારતીય મહિલા બની. ભારત, પાકિસ્તાન અમેરિકા અને ઇંગ્લેન્ડે વીરતા માટે પુરસ્કૃત કરી હોય એવી વિશ્વની એકમાત્ર મહિલા હોવાની સિદ્ધિ પણ નીરજાએ મેળવી.
સાહસિક નીરજાનો જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૬૩ના પંજાબની રાજધાની ચંડીગઢમાં થયો. માતા રમા ભનોત ગૃહિણી હતી. પિતા હરીશ ભનોત હિંદુસ્તાન ટાઈમ્સ અખબારના મુંબઈ ખાતે બ્યુરો ચીફ હતા. નીરજા એર હોસ્ટેસ બની. ૫ સપ્ટેમ્બર ૧૯૮૬....નીરજાના જન્મદિનના બે દિવસ પહેલાં. પેન એમ એરલાઈન્સની ફ્લાઈટ નંબર ૭૩ ઉડાન ભરવા તૈયાર હતી. પેન એમ પહેલી જ વાર મુંબઈથી કરાંચી અને ફ્રેન્કફર્ટ થઈને ન્યૂયોર્ક સુધીનું હવાઈ અંતર કાપવાની હતી. પેન એમની પહેલી ઉડાન નીરજાની છેલ્લી ઉડાન સાબિત થઈ. આ જ ફ્લાઈટમાં નીરજા વિમાન પરિચારિકા હતી. ભારત સહિત ૧૪ દેશોના ત્રણસો એંસી જેટલા પ્રવાસીઓ, બાર ફ્લાઈટ એટેન્ડન્ટ અને અન્ય કર્મચારીઓ સહિત અંદાજે ચારસો લોકો હવાઈજહાજ પર સવાર હતા. વિમાન નિયત સમયે મુંબઈથી ઊડ્યું અને નિર્ધારિત સમયે કરાંચીમાં ઊતર્યું.
એ સમયે સવારના સાડાચાર વાગેલા. ૧૦૯ યાત્રીઓ કરાંચીમાં ઊતર્યા. એ જ સમયે વાયુવેગે એક વાહન એરક્રાફ્ટ પાસે પહોંચ્યું. હવાઈમથકના સુરક્ષા ચોકિયાતોના વાહન જેવી દેખાતી ગાડીમાંથી અબૂ નિદાલ સંગઠનના ચાર આતંકવાદી ઊતર્યા. પાકિસ્તાન એરપોર્ટ સિક્યુરિટીના આસમાની રંગના ગણવેશમાં સજ્જ ચારેય આતંકીઓ વિમાનની સીડીઓ ચડવા લાગ્યા. હથિયારધારી આતંકીઓને જોઈને નીરજાની છઠ્ઠી ઇન્દ્રિય કામે વળી. એણે પ્રવાસીઓને બચાવવાનો નિર્ધાર કર્યો. કર્મચારીઓનો સંપર્ક સાધીને આતંકીઓ અંગે ચેતવણી આપી. પરિણામે આતંકીઓ કોકપીટ સુધી પહોંચે એ પહેલાં પાયલટ અને અન્ય કર્મચારીઓ ઈમરજન્સી દ્વારેથી નાસી છૂટ્યા.
આતંકવાદીઓએ પાકિસ્તાની સરકાર પર પાયલટ મોકલવા દબાણ કર્યું. પણ પાકિસ્તાની સરકારે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આતંકીઓએ કોઈ અમેરિકન પ્રવાસીને મારીને પાકિસ્તાન પર દબાણ આણવાના હેતુથી નીરજાને દરેક યાત્રીના પાસપોર્ટ એકઠા કરવા કહ્યું. નીરજાએ વિમાનમાં સવાર પાંચ અમેરિકન પ્રવાસીના પાસપોર્ટ છુપાવીને અન્ય પાસપોર્ટ આતંકીઓને સોંપી દીધા. આમ ને આમ સોળ કલાક વીતી ગયા. એવામાં અંધારું પણ થવા લાગ્યું. નીરજા આ જ પળની પ્રતીક્ષા કરી રહેલી. એણે તાબડતોબ તમામ આપાતકાલીન દ્વાર ખોલી નાખ્યા. યોજના અનુસાર યાત્રીઓ બારણામાંથી કૂદવા માંડ્યાં. આતંકીઓએ ગુસ્સે ભરાઈને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. કેટલાંક ઘાયલ જરૂર થયેલાં, છતાં જીવિત હતા. હવે ભૂસકો મારવાનો વારો નીરજાનો હતો. ત્યારે એણે બાળકોનું રુદન સાંભળ્યું. એણે ત્રણેયને શોધી કાઢ્યા. ત્રણેયને લઈને આપાતકાલીન દ્વાર તરફ આગળ વધી. આતંકીઓએ બાળકો પર ગોળી છોડી, પણ નીરજા ઢાલ બનીને આડી ઊભી રહી. બાળકો બચી ગયા, પણ નીરજા ગોળીઓથી વીંધાઈ ગયેલી. પછી આતંકીઓ તો પકડાયા, પણ નીરજા શહીદીને વરી ચૂકેલી.
નીરજાનો એક અર્થ દેવી લક્ષ્મી થાય છે. બીજો અર્થ કમળનું ફૂલ થાય છે. એટલે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં કહેવાય કે પેન એમ ૭૩ના પ્રવાસીઓ માટે નીરજાના રૂપમાં ખરેખર તો કમળના ફૂલ પર બિરાજમાન દેવી લક્ષ્મી જ સંકટહાર બનીને આવ્યાં હતાં!