બમાકો (માલી)ઃ વિશ્વમાં સહુને અજાયબીમાં મૂકી દે તેવી ઘટનામાં વેસ્ટ આફ્રિકન દેશ માલીની ૨૫ વર્ષીય માતા હલિમા સિસ્સેએ મોરોક્કોમાં એક સાથે ચાર-પાંચ નહિ, પરંતુ કુલ નવ બાળકો (નોનુપ્લેટ્સ - nonuplets)ને જન્મ આપીને કુદરતના કરિશ્માને ચરિતાર્થ કર્યો છે. નવાઈની વાત તો એ છે કે ડોક્ટરોએ અગાઉ ગર્ભાશયનું અલ્ટ્રાસાઉન્ડ સ્કેનિંગ કર્યું ત્યારે તેમાં સાત બાળક જણાયાં હતાં અને બે બાળક દેખાયાં નહોતા. આમ પ્રસૂતિ વેળા નવ બાળકોનાં જન્મથી તબીબોને પણ આશ્ચર્ય થયું હતું. નવજાત બાળકોમાં પાંચ પુત્રી અને ચાર પુત્રનો સમાવેશ થાય છે.
હલિમા સિસ્સે એક સાથે સાત બાળકને જન્મ આપશે તે સંભાવનાથી માલીના લોકો પણ રોમાંચિત હતા. માલીના પ્રેસિડન્ટ બાહ એન‘ડોએ તો આ મહિલાની યોગ્ય સારવાર થાય તે માટે તેને મોરોક્કો મોકલી હતી.
માલીની રાજધાની બમાકોની પોઈન્ટ જી હોસ્પિટલમાં બે સપ્તાહ સુધી રહ્યાં પછી હલિમાને ૨૦ માર્ચે મોરોક્કોની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં તે છ સપ્તાહ સુધી રહી હતી. હલિમાનું સફળતાપૂર્વક સિઝેરિયન કરવામાં આવ્યું હતું અને ૪ મે - મંગળવારના રોજ તેણે નવ બાળકોને જન્મ આપ્યો હોવાનું કહેવાય છે.
જોકે, મોરોક્કોના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા રાચિડ કોઉધારીએ જણાવ્યું હતું કે દેશની કોઈ હોસ્પિટલમાં આટલી મોટી સંખ્યામાં મહિલાએ બાળકોને જન્મ આપ્યો હોવાની ઘટનાની તેમને કોઈ જાણકારી નથી.
દરમિયાન, એક અન્ય અહેવાલ અનુસાર કાસાબ્લાન્કાની એઈન બોર્જા ક્લિનિકમાં આ પ્રસુતિ કરાઈ હતી. તેના મેડિકલ ડાયરેક્ટર યોસેફ અલાઉઈએ જણાવ્યું હતું કે આ બાળકો હજુ પ્રીમેચ્યોર અવસ્થામાં છે. માત્ર ૩૦ સપ્તાહની સગર્ભાવસ્થા પછી જન્મેલાં બાળકોનું વજન ૧.૧થી ૨.૪ પાઉન્ડની વચ્ચે છે. હજુ ઘણી સમસ્યા છે. તેમને ધાવણ આપવાનું છે, વજન વધારવાનું છે. આ બાળકોની પ્રસુતિ કરાવવાં હોસ્પિટલના ૩૦થી વધુ ડોક્ટર્સ અને પેરામેડિક્સ કામે લાગ્યા હતા. પાંચ બાળકોને જન્મ પછી તુરત જ વેન્ટિલેટર્સની સાથે જોડવામાં આવ્યાં હતાં.
માતા અને તમામ નવ બાળકોની તબિયત એકદમ સારી છે. એક પ્રસુતિમાં તમામ બાળકો સુરક્ષિત હોવાનો વિશ્વવિક્રમ બની શકે છે. હલિમાએ એક સાથે નવ બાળકોને જન્મ આપ્યો છે જે કદાચ નવો વર્લ્ડ રેકોર્ડ થઈ શકે છે. અગાઉ ૨૦૦૯માં ‘ઓક્ટોમમ’ નાદિયા સુલેમાને એક સાથે આઠ બાળકોને જન્મ આપ્યો હતો. આઠેય બાળકો તંદુરસ્ત હતા. જોકે, હવે આ રેકોર્ડ હલિમાના નામે થઈ શકે છે.
નોનુપ્લેટ્સ અતિશય દુર્લભ હોવાં સાથે તેમાં તબીબી કોમ્પિલકેશન્સ સંકળાયેલાં હોય છે. વધુ સંખ્યામાં બાળજન્મ થાય ત્યારે ગર્ભ અધૂરા માસના હોવાથી કેટલાંક બાળકો મૃત અવસ્થામાં જન્મે અથવા જન્મીને મરી જાય તેવું જોખમ રહે છે.
એક મહિલાએ એક સાથે નવ બાળકોને જન્મ આપ્યો હોવાની પ્રથમ ઘટના ૧૯૭૦ના દાયકામાં સિડનીમાં બની હતી. જોકે, તેના નવમાંથી બે બાળકો મૃત અવસ્થામાં જન્મ્યાં હતાં અને બાકીનાં સાત બાળકોના એક સપ્તાહ પછી મૃત્યુ થયા હતાં. આ ઉપરાંત, ૨૬ માર્ચ ૧૯૯૯માં મલેશિયાની ઝુરિના મેટ સાદે પણ એક સાથે નવ બાળકોને જન્મ આપ્યો હતો. જોકે, જન્મ પછી તમામ બાળકોનું મોત થયું હતું.