અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વાર પ્રમુખપદ માટેની રેસમાં છે પણ હાલમાં તેમના ભાવિનો મોટો આધાર એક હાઇ પ્રોફાઇલ ચૂકાદા પર છે. હકીકતમાં 2020ની પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામોને પલટાવાના આરોપો બદલ આ ભૂતપૂર્વ અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે લીગલ કાર્યવાહી ચાલી રહી છે. અને આ હાઈ-પ્રોફાઇલ કેસની સુનાવણી ગુજરાતી મૂળના ફેડરલ મેજિસ્ટ્રેટ જજ મોક્ષિલા એ. ઉપાધ્યાય દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પ સામે છેતરપિંડી, કાયદાકીય પ્રક્રિયામાં અવરોધ, કાયદાકીય પ્રક્રિયાને રોકવાનું ષડયંત્ર અને નિયમોના ઉલ્લંઘનના આરોપો મૂકવામાં આવી રહ્યા છે. જોકે આ ચારેય આરોપોના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો છે.
હવે ભવિષ્યમાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે કે પછી તેઓ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનતાં પહેલા જ રેસમાંથી બહાર થઈ જશે એ વાતનો મોટો આધાર મોક્ષિલા ઉપાધ્યાયના ચુકાદા પર રહેલો છે.
આ કેસમાં નજીકના દિવસોમાં જ ફરી કોર્ટ કાર્યવાહી હાથ ધરાશે. આમ ટ્રમ્પના ભાવિનો મોટો આધાર આ જજ મોક્ષિલા ઉપાધ્યાયના ચૂકાદા પર રહેલો છે.
જન્મ ગુજરાતમાં, ઉછેર અમેરિકામાં
મોક્ષિલા ઉપાધ્યાયનો જન્મ 1988માં ગુજરાતમાં થયો હતો જ્યારે તેમનો ઉછેર અમેરિકાના કેન્સાસ શહેરમાં થયો છે. અલબત્ત, અમેરિકામાં ઉછેર થયો હોવા છતાં તેઓ અસ્ખલિત ગુજરાતી અને હિન્દી ભાષા બોલી શકે છે. મોક્ષિલાના પતિ એન્જિનિયર છે અને તેઓ પોતાના પતિ તેમજ બાળકો અર્જુન-અંજલિ સાથે મેરિલેન્ડ ખાતે રહે છે.
મોક્ષિલાએ પહેલાં મિસૌરી સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી બેચલર ઓફ જર્નાલિઝમની ડિગ્રી મેળવી હતી અને એ પછી તેમણે મિસૌરી યુનિવર્સિટીમાંથી જ લેટિનમાં ઓનર્સ સાથે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવવાનું પસંદ કર્યું હતું.
આ અભ્યાસ પછી તેમણે કરિયર બનાવવા માટે કાયદાનું ક્ષેત્ર પસંદ કર્યું હતું અને અમેરિકન યુનિવર્સિટીની વોશિંગ્ટન કોલેજ ઓફ લોમાંથી અમેરિકન લોમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી.
જ્વલંત કારકિર્દી
લો સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ મોક્ષિલાએ ડીસી કોર્ટ ઓફ અપીલ્સના ભૂતપૂર્વ ચીફ જજ એરિક ટી. વોશિંગ્ટનના લો ક્લાર્ક તરીકે કામ કર્યું હતું. બાદમાં તેઓ અમેરિકન લો ફર્મ વેનબલ એલએલપીમાં પાર્ટનર તરીકે જોડાયા હતા. તેમની લો પ્રેક્ટિસમાં મુખ્યત્વે જટિલ સિવિલ દાવાઓ કેન્દ્રસ્થાને રહ્યા છે. આ પછી 2021-22થી મોક્ષિલા ઉપાધ્યાયની ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાની ડિસ્ટ્રિક્ટ કોર્ટની ફરિયાદોની કમિટીમાં નિમણૂક કરવામાં આવી હતી. તેઓ ડીસી બાર લિટિગેશન સેક્શન સ્ટીયરિંગ કમિટીના ભૂતપૂર્વ કો-ચેરમેન પણ રહી ચૂક્યા છે.