દરેક નવરાત્રિએ ગામઠી ભરત, જરીવર્ક કે બાંધણીના ચણિયાચોળી એવરગ્રીન જ હોય છે, પણ એમાંય કંઈક અવનવું કરવાના ખેલૈયાઓનાં કોડ હોય છે. આ નવરાત્રિમાં ડબલ લેયર્ડ ચણિયા સાથે ક્રોપ ટોપ સ્ટાઈલિશ ઓપ્શન બની રહેશે. ભાતીગળ ભરતકામવાળા ચણિયાચોળીને થોડો એથનિક લૂક પણ આપીને ડિઝાઈનર્સ ડબલ લેયર્ડ ઘાઘરા ડિઝાઈન કરે છે. તેની પર ગોટાવર્ક કરી શકાય. જેની સાથે પારંપરિક લુક આપતી જ્વેલરી તમે પહેરી શકો. આ વખતે ભાતીગળ ચણિયાચોળી કરતાં ટ્રાઈબલ પ્રિન્ટેડ મટીરિયલ વધારે પસંદગી પામી રહ્યાં છે. કોટન મટીરિયલને બદલે ફ્લોઈંગ મટીરિયલ ઈનટ્રેન્ડ છે. તે તમને નવરાત્રિ દરમિયાન એક ક્લાસી લૂક આપશે. જેને પેસ્ટલ કલર્સ ગમતા હોય તે એ પ્રમાણેલના ચણિયાચોળી પર પણ પસંદગી ઉતારી શકે છે.
નવરાત્રિમાં યુવતીઓ બ્લાઉઝ માટે નવી નવી પેટર્ન કરાવે છે, પરંતુ જો તમારી પાસે ક્રોપ ટોપ હોય તો તેને સ્ટાઈલિશ બનાવો. ગોટા કે રંગીન કાપડના બટનથી સજાવો.
પરંપરાગત લુક આપતી જ્વેલરી
ખેલૈયાઓ હંમેશાં નવરાત્રિમાં ક્યા ઓર્નામેન્ટ્સ ચણિયા ચોળી સાથે પહેરી શકાય એ માટે કનફ્યુઝ હોય છે. હવે એ જમાનો ગયો કે ફક્ત ઓક્સોડાઈઝ જ્વેલરી પહેરીને યુવતીઓ ગરબે ઘૂમતી હોય. કાપડ કે જે જે મટીરિયલમાંથી ચણિયાચોળી કે કેડિયું બને એ જ કાપડમાંથી ઘરેણા બનાવીને પહેરવાનો ટ્રેન્ડ છે. આ ઉપરાંત યુવક - યુવતીઓ માટે હાથપોંચા, બાજુબંધ, કમરબંધ, હાંસડી, ટીકો, પગનાં કડાં, ઝૂડો જેવા ઘણા બધા ઘરેણાં મલ્ટી કલરમાં ઉપલબ્ધ પણ હોય છે. ફન્કી અને મેસી લૂક આપે તેવા બિડ્સ, મોતી તથા દોરાના નેકલેસ પણ માર્કેટમાં મળે છે. જે તમને હાઈએન્ડ લૂક આપશે. ટેરાકોટામાંથી બનેલા ઘરેણાં અને કોડીનાં ઘરેણાં ઉપરાંત નાકમાં મોટી નથણી અને કાન માટે લાંબી બુટ્ટીઓની ફેશન પણ ઇન ટ્રેન્ડ છે.
પગમાં ગામઠી મોજડી પણ પહેરી શકાય. હાથના પોંચા અને પગના સાંકળા પણ દોરી બનાવટ કે કાથી બનાવટના મળે છે. જે નવરાત્રિમાં પહેરી શકાય. આ એવી જ્વેલરી છે કે જે તમે અન્ય આઉટફિટ્સ સાથે પણ મેચ કરી શકો છો. બેંગલ એટલે કડાંની વાત કરીએ તો મોતીથી માંડીને મેટલ અને તારના તથા કિડિયા મોતીની ઘણી બધી વેરાયટી નવરાત્રિ કલેક્શનમાં ઉપલબ્ધ છે.