ન્યૂ યોર્કઃ અમેરિકાના ટેક્સાસમાં રહેતી માયરા રોસાલેસ ઘણા અર્થોમાં લોકો માટે એક ઉદાહરણ તરીકે સામે આવી છે. તેણે પોતાનું વજન ઘટાડ્યું છે અને સાથે જ તેનું એક સંવેદનશીલ પાસું પણ લોકોને દેખાડ્યું છે.
માયરાનું વજન ૪૫૩ કિલોગ્રામ હતું. તે જીવવા માટે નહીં પણ ખાવા માટે જીવતી હતી. રોસાલેસના કહેવા પ્રમાણે હું મરી રહી હતી. મારી જૂની તસવીરોને જુઓ તો સ્પષ્ટ દેખાશે કે હું આશા છોડી ચુકી હતી. હું જીવતી હતી પણ મારા જીવનનો આનંદ માણી શકતી નહોતી. આ પછી મેં નિર્ણય કર્યો હતો કે હું હવે મારી જાતને સારી કરવા માટે મક્કમતાથી પ્રયાસ કરીશ.
માયરાએ ૨૦૦૮માં પોતાના ટ્રાન્સફોર્મેશનની શરૂઆત કરી હતી. તે ખાસ આહાર અને ઘણી સર્જરી બાદ ૩૬૩ કિલોગ્રામ વજન ઘટાડવામાં સફળ રહી છે. ઉલ્લેખનીય છે કે ૩૬૫ કિલો વજન સામાન્ય રીતે એક પોલર બિયરનું હોય છે.
જોકે માયરાના ઘણા અંગો પર હજુ પણ સોજા છે, પણ તેના કહેવા પ્રમાણે તેની ઘણી બીમારી અને તકલીફો હવે દૂર થઇ ગઇ છે. માયરાએ કહે છે કે મને હવે ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર કે કોલેસ્ટ્રોલની તકલીફ નથી. જીવનમાં ધરમૂળ પરિવર્તન માટે તેણે ખાસ આહાર અને સર્જરીનો સહારો લેવો પડ્યો છે. તબીબના કહેવા પ્રમાણે માયરા પોતાનું વજન ઘટાડવા દૃઢ નિશ્ચયી હોવાથી તે સફળ થઈ છે.