વર્ષ 1984માં એક ફિલ્મ આવી હતી, Where Others Keep Silent. આ ફિલ્મની વાર્તા એક એવી સ્ત્રીના જીવનની સત્યઘટનાઓને દર્શાવતી હતી, જેમના કારણે આજે વિશ્વભરમાં ગર્વભેર મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ફિલ્મનું મુખ્ય પાત્ર એટલે ક્લેરા ઝેટકિન. જર્મનીમાં જન્મેલી અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતી આ સ્ત્રીએ જિંદગી આખી મહિલાઓ, મજૂરો તેમજ રાજકીય ચળવળો લડી. પોતાના જીવની પરવા ના કરતા તેમણે વિશ્વભરમાં સ્ત્રીઓ માટેના સમાન વેતન તેમજ મતાધિકારો જેવા અનેક કાયદાઓ અમલમાં લાવવા માટે ક્રાંતિનો જુવાળ ફેલાવ્યો. ‘આ બધા જમેલામાં પડીને મારે શું?’ તેવું વિચારીને બેસી રહેનારામાંના તેઓ નહોતાં. ક્લેરા ઝેટકિન તો હંમેશા અન્યો માટે કંઇક કરી છૂટવાની ભાવના ધરાવતા લોકોમાંના એક હતાં.
વર્ષ 1857ના જર્મનીના વેઇડેરો પ્રાંતમાં જન્મેલા ક્લેરા ઝેટકિનને ગ્રાન્ડ મધર ઓફ જર્મન કોમ્યુનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસાયે તેઓ શિક્ષિકા હતા અને હાલ જર્મનીમાં સક્રિય બે મુખ્ય રાજકીય પક્ષોમાંના એક સોશ્યલ ડેમોક્રેટિક પાર્ટી (એસડીપી) સાથે સંકળાયેલાં હતાં.
વિચારબીજ યુએસમાં, નિર્ણય જર્મનીમાં
1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધારે પગાર અને મતાધિકારની માગણી સાથે ન્યૂ યોર્ક સિટીમાં કૂચ કરી, ત્યારે આ ખાસ દિવસનું બીજ રોપાયું હતું. એ દિવસને અમેરિકાની સમાજવાદી પાર્ટીએ એક વર્ષ પછી પ્રથમ નેશનલ વિમેન્સ ડે જાહેર કર્યો હતો. આ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો વિચાર ક્લેરા ઝેટકિનનો હતો.
1910માં જર્મનીના કોપનહેગનમાં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ક્લેરાએ આ વિચાર રજૂ કર્યો. ક્લેરાના નેતૃત્વમાં મળેલી આ કોન્ફરન્સમાં બધા એક વાતે સહમત થયા કે મહિલાઓના પ્રદાનને બિરદાવવા કોઇ એક ખાસ દિવસ ચોક્કસ ઉજવવો જ જોઇએ. આ દિવસે મહિલા સમાનતા અને સમાનવેતન, મતાધિકાર વગેરે બાબતોને ઉજાગર કરી શકાય. ક્લેરા સ્પષ્ટપણે માનતા હતા કે સમાજના અલગ અલગ વર્ગોની સ્ત્રીઓ માટે અલગ અલગ નિયમો ના હોવા જોઇએ. તેમનો મુખ્ય ધ્યેય હતો સ્ત્રીઓને ઘરમાંથી બહાર નીકળીને પોતાના માટે કંઇક કરવા માટે પ્રેરણા આપવાનો. અને આમ કોન્ફરસન્માં હાજર 17 દેશોનાં 100 મહિલાઓએ તે વિચારનો સર્વાનુમતે સ્વીકાર કર્યો હતો.
પરંતુ આઠમી માર્ચ જ કેમ?
શ્રમિક ચળવળમાંથી શરૂ થયેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ યુનાઇટેડ નેશન્સ (યુએન) દ્વારા સ્વીકૃત એક એવો વાર્ષિક પ્રસંગ છે, જેની ઉજવણી દર વર્ષે આઠમી માર્ચે થાય છે. પરંતુ આ દિવસ જ કેમ? ક્લેરાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે કોઈ તારીખ નક્કી કરી ન હતી. આથી સૌપ્રથમ 23 ફેબ્રુઆરી, આ પછી 28 ફેબ્રુઆરી અને 19 માર્ચ જેવી તારીખો વિમેન્સ ડે ઉજવવા માટે નક્કી થઇ હતી. એવું માનવામાં આવે છે કે રશિયામાં વર્ષ 1917માં મહિલાઓના મતાધિકાર માટે ચાલી રહેલી ચળવળના ભાગરૂપે આઠમી માર્ચે વિરોધ શરૂ થયો હતો. આથી આ દિવસ વિમેન્સ ડેની ઉજવણી માટે પસંદ થયો. 1917માં યુદ્ધગ્રસ્ત રશિયાની મહિલાઓએ 'ભોજન અને શાંતિ'ની માગ સાથે મતાધિકાર માટે હડતાળના મંડાણ કર્યા હતા. રશિયાની મહિલાઓની ચાર દિવસની હડતાળને કારણે ઝારે પદ ત્યાગવું પડ્યું હતું અને વચગાળાની સરકારે મહિલાઓને મતાધિકાર આપવો પડ્યો હતો.
રશિયામાં તે વેળા જુલિયન કેલેન્ડરનો અમલ થતો હતો. મહિલાઓની હડતાળ શરૂ થઈ ત્યારે જુલિયન કેલેન્ડરમાં 23 ફેબ્રુઆરી અને રવિવાર હતો. ગ્રેગોરિયન કેલેન્ડરમાં એ 8 માર્ચનો દિવસ હતો. આમ નારીશક્તિના વિજયની સ્મૃતિમાં 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌથી પહેલાં 1911માં ઓસ્ટ્રિયા, ડેન્માર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં કરવામાં આવી હતી. આ દિવસની શતાબ્દીની ઉજવણી 2011માં કરવામાં આવી હતી. તેથી આ વર્ષે આઠમી માર્ચે 109મો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો એમ કરી શકાય.
યુનાઇટેડ નેશન્સે 1975માં ઉજવણી શરૂ કરી ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને સત્તાવાર સ્વરૂપ મળ્યું છે. યુનાઇટેડ નેશન્સે 1996માં અપનાવેલી આ દિવસની સૌપ્રથમ થીમ હતીઃ 'અતીતનો ઉત્સવ, ભાવિનું આયોજન.' યુનાટેડ નેશન્સનું આ વર્ષનું સૂત્ર છેઃ 'હું સમાનતાની પેઢી છું: મહિલા અધિકારોને અનુભવું છું.' આમાં સમાનતાની વાત સાથે મહિલા અધિકારો પ્રત્યે સભાનતાની હાકલ લોકોને કરવામાં આવી છે.
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ભલે સમાજમાં, રાજકારણમાં તેમજ અર્થશાસ્ત્રમાં મહિલાઓએ કરેલી પ્રગતિની ઉજવણીનું પ્રતીક બની ગયો હોય, પરંતુ તેનાં રાજકીય મૂળિયાં તો નિરંતર અસમાનતા બાબતે જાગૃતિ વધારવાના હેતુસરની હડતાળો અને વિરોધ પ્રદર્શનોમાં રહેલાં છે.