દુનિયાના અનેક દેશોમાં અઠ્ઠાવીસમી સપ્ટેમ્બરે ‘આંતરરાષ્ટ્રીય સુરક્ષિત ગર્ભપાત દિવસ’ મનાવાયો હતો. આ મહિલાઓના શરીર પર તેમના અધિકાર અંગે એક પ્રયાસ છે. આ દિવસે મેક્સિકોમાં હજારો મહિલાઓએ રસ્તા પર ઉતરીને દેખાવો કર્યાં હતાં. તેમનું કહેવું હતું કે, મહિલાઓએ ગર્ભ રાખવો કે નહીં તે નિર્ણય કરવાનો અધિકાર તેમને મળવો જોઈએ. મહિલાઓએ કહ્યું કે, કોઈ મહિલા જ્યારે ગર્ભવતી થાય છે ત્યારે ગર્ભ સંબંધિત બધી તકલીફો તેણે જ વેઠવી પડે છે એટલા માટે આ નિર્ણય મહિલાનો જ હોવો જોઈએ કે મહિલા ગર્ભ રાખવા માગે છે કે નહીં? મહિલાઓએ દેખાવ કર્યાં તેની સામે મહિલાઓને નિયંત્રિત કરવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા અને સુરક્ષા કવચ પણ બનાવ્યું હતું.
મેક્સિકો પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, દેખાવો દરમિયાન મહિલાઓએ લોખંડના સળિયા અને હથોડી વડે સુરક્ષાકર્મીઓ પર સામે હુમલો કર્યો હતો.
મહિલાઓએ હથોડાથી સુરક્ષા કવચને તોડવા પ્રયાસ કર્યો. આ ઘટનામાં અમુક મહિલાઓ અને પોલીસકર્મીઓ પણ ઘવાયા હતા.
આ દિવસને પહેલીવાર અમેરિકા અને કેરેબિયન દેશોમાં ૨૮મી સપ્ટેમ્બર ૧૯૯૦ના રોજ ગર્ભપાતના ઉન્મૂલન માટે કાર્યવાહીના દિવસ તરીકે મનાવાયો હતો.
પણ ૨૦૧૫માં તેનું નામ બદલીને ‘આંતરરાષ્ટ્રીય સુરક્ષિત ગર્ભપાત દિવસ’ કરી દેવાયું. ત્યારે ૪૭ દેશોમાં મોટા કાર્યક્રમ આયોજિત કરાયા હતા. તેના પછી ૨૦૧૬માં દુનિયાભરમાં દેખાવો કરાયા હતા.