આંખો આપણા ચહેરાથી સુંદરતામાં વધારો કરે છે. અને આ આંખોની સુંદરતામાં વધારો કરે છે સારી રીતે વિકસિત થયેલી આઇબ્રો. જો આઇબ્રો ગાઢ હોય અને એને સારી રીતે શેપ આપવામાં આવેલો હોય તો ચહેરાનાં સૌદર્યને ચાર ચાંદ લાગી જાય છે. પણ જો આઇબ્રો એકદમ પાતળી અને અવિકસિત હોય તો સુંદરતા ફીકી પડી જાય છે. આઇબ્રોના સારા ગ્રોથ માટે આપણે ઘણી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરીએ છીએ. પરંતુ તેનાથી ઘણી વખત ધાર્યું પરિણામ મળતું નથી. જોકે કેટલાક એવા ઘરગથ્થુ ઉપાયો છે જેને અમલમાં મૂકીને આઇબ્રોનું સૌદર્ય મેળવી શકો છો.
• વિટામિન-ઇઃ વિટામિન-ઇ શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટ છે, તે આપણી ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો નિયમિત ઉપયોગ વાળને નુકસાન પહોંચાડતો ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડે છે. સારા પરિણામો માટે તમે તેને રાત્રે સૂતાં પહેલા આઇબ્રો પર લગાવી શકો છો.
• દિવેલઃ દિવલેમાં રિસિનોલીક એસિડ જોવા મળે છે. જેમા બળતરાવિરોધી અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે. આ સિવાય એમાં અન્ય ઘણાં પોષક તત્ત્વો પણ ભરપૂર માત્રામાં છે. દિવેલને કોપરેલમાં મિકસ કરીને લગાવવાથી ફાયદો થાય છે. આ પ્રયોગને સતત એકથી બે મહિના સુધી અજમાવવો પડે છે.
• ઓલિવ ઓઇલઃ ઓલિવ ઓઇલમાં ફેનોલિક સંયોજકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જે વાળને લાંબા અને જાડા બનાવવામાં મદદ કરે છે. આમ ઓલિવ ઓઇલનો આઇબ્રો પર ઉપયોગ એના ગ્રોથમાં ઘણો વધારો કરે છે.
• એલોવેરા જેલઃ એલોવેરામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. આઇબ્રો પર ફ્રેશ એલોવેરા જેલ લગાવી શકાય છે અથવા તો એના પર દસેક મિનિટ એલોવેરા જેલથી મસાજ કરવાથી આઇબ્રોનો ગ્રોથ વધારી શકાય છે.
• કાચું દૂધઃ કાચા દૂધમાં ઘણાંબધાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ફેટી એસિડ હોય છે, જે આઇબ્રોનો ગ્રોથ તો વધારે જ છે. સાથે સાથે જ આઇબ્રોના વાળને સોફટ પણ બનાવે છે.