તમે તમારી ભ્રમર ઊંચી ચઢાવીને બોલો છો ત્યારે તમારા શબ્દોનો અર્થ કાંઇક બીજો નીકળતો હોય એવું બની શકે. પરંતુ આ સમયે જો તમારી આઇબ્રો એકદમ ભરાવદાર અને સુંદર આકાર ધરાવતી હોય તો તે તમારા શબ્દોમાં વજન પૂરવાનું કામ પણ કરે છે. આડેધડ વધેલી, કાનખજૂરાના પગ જેવી આઇબ્રો જોનારને તમારું વ્યક્તિત્વ જરા પણ પ્રભાવશાળી નહીં લાગે. સુંદર આઇબ્રોથી આંખોનો પ્રભાવ પણ વધે છે અને ચહેરાને એક નવી જ આભા મળે છે. સારી રીતે કરાયેલી આઇબ્રો તમારા ચહેરા ઉપરથી કેટલાંક વર્ષો પણ ઓછાં કરી નાખે છે. મેકઅપ અને કોસ્મેટીક સર્જરી પહેલાં જ આઇબ્રો તમારી ઘણી મહેનત ઓછી કરી શકે છે.
તમારા ચહેરા પર કઇ આઇબ્રો સારી લાગશે, એ નક્કી કરવાનું કામ તમારું છે. આઇબ્રો માટે પ્લકીંગ (એક એક વાળ ખેંચવા), ટ્વીઝીંગ, વેક્સિંગ, થ્રેડીંગ કે ઘરમાં વપરાતી બ્લેડનો પણ ઉપયોગ કરી શકાય. બધાનો આશય તો આઇબ્રોને આકાર આપવાનો જ છે. તેમાંથી ટ્વીઝીંગ, થ્રેડીંગ અને બ્લેડ ઓછી પીડાદાયક હોય છે. ભારતમાં થ્રેડીંગ સૌથી વધુ પ્રખ્યાત છે. ટ્વીઝીંગ જાતે શીખીને વારંવાર કરતાં રહેવાનું હોય છે, પરંતુ વેક્સિંગથી આઇબ્રો કરવી મુશ્કેલ હોય છે કારણ કે નાનકડી પટ્ટી પર અંકુશ જલદી રહેતો નથી. જો આઇબ્રો સાવ કાઢી નાખવી હોય કે પાતળી રાખવી હોય તો વેક્સિંગ કરી શકાય, પરંતુ તેનાથી ચામડી લાલ થઇ જાય છે અને પસ ભરેલી ફોડકી થવાનો ડર રહે છે.
આઇબ્રોની સ્ટાઇલ પણ એટલી જ અગત્યની છે. જરા સરખી ભૂલ થાય તો આઇબ્રોમાં પેચ દેખાય છે. વળી, તેને સારી રીતે વધતાં પણ છ મહિના લાગી જાય છે. વેક્સિંગ કરતાં થ્રેડીંગ સહેલું હોવા છતાં શિખાઉ લોકોએ અન્ય પર આઇબ્રો કરવાનું જોખમ લેવું જોઇએ નહીં.
તમારા ચહેરા પર કેવો આકાર સારો લાગશે તે નક્કી કરવા એક મોટી પેન્સિલ નાકની ટોચને અડે તે રીતે ઊભી પકડી રાખો અને તેને આઇબ્રોના ગોળાકારમાં ફેરવો. આઇબ્રોનો અંદરનો ભાગ નાકની સીધી લીટીની થોડો અંદરની તરફ હોવો જોઇએ. પેન્સિલ જ્યારે આંખની કીકીની મધ્યમાં હોય તે ભાગ આઇબ્રોનો સૌથી ઊંચો ગોળાકાર ભાગ હોવો જોઇએ. અને જ્યાં પેન્સિલ આંખના ખૂણા તરફ આવે ત્યાં આઇબ્રોનો છેવાડેનો ખેંચાયેલો ભાગ હોવો જોઇએ. આઇબ્રોની શરૂઆતથી માંડીને અંત સુધીનો ભાગ સરખા કદમાં હોવો જોઇએ. પણ એ વાત યાદ રાખો કે હંમેશા વાળ આઇબ્રોની નીચેના ભાગમાંથી દૂર કરવાની શરૂઆત કરવી, ઉપરના ભાગમાંથી નહીં.
• ભારે આઇબ્રોઃ બહુ ભારે આઇબ્રો આંખોને ઢાંકી દે છે. પેન્સિલથી વાળ જ્યાં વધતાં હોય ત્યાં લાઇન કરી નાખો. મૂળ આઇબ્રોના આકાર કે જાડાઇને છંછેડયા વગર આસપાસથી વાળ દૂર કરવા.
• ભરાવદાર આઇબ્રોઃ પહેલાં તો આ આઇબ્રોમાં કુદરતી ગોળાકાર કેવો છે, તે જોવા તેને દાંતિયાથી નીચેની તરફ ઓળો. આઇબ્રોની નીચેના ભાગમાં આવતા વાળ મેનીક્યોર કાતરથી કાપી નાખો. પછી ઉપરના ગોળાકારને યોગ્ય રીતે થ્રેડીંગ કરો.
• આછી આઇબ્રોઃ છૂટીછવાઇ આઇબ્રોનો યોગ્ય આકાર શોધો. તેમાં રહેલા અવકાશને આઇબ્રો પેન્સિલથી ભરી દો, જેમાં વાળ જ્યાં ઉગતા હોય તે દિશામાં આઇબ્રો પેન્સિલથી લાઇનો કરવી. તેના માટે થોડા પ્રમાણમાં આઇશેડો પાઉડરનો પણ ઉપયોગ કરી શકાય, જે આઇબ્રોના દેખાવને કુદરતી દર્શાવે છે.
• નાનકડી આંખોઃ આઇબ્રોના નીચેના ભાગમાંથી વાળ વધારે પ્રમાણમાં કાઢવાથી આંખો મોટી અને ખુલ્લી દેખાય છે.
• નજીક હોય તેવી આંખોઃ આંખોની નીચેના ભાગમાંથી વધુ પ્રમાણમાં વાળ કાઢી લેવાય તો આંખો વચ્ચેનું અંતર વધુ હોય તેવું લાગે છે.
• દૂર દૂર હોય તેવી આંખોઃ આ સમયે આઇબ્રોની શરૂઆત નાકની વધુ અંદરના ભાગ તરફથી થાય અને છેડેના વાળ થોડા કાઢી નાખવામાં આવે તો આંખો નજીક આવી હોય તેવું લાગશે.
આઇબ્રો માટે ભલે તમે ગમેતે પદ્ધતિ અપનાવો, પણ તેના ઉપર વાળ ઉગવાની શરૂઆત થતાં તે ભાગ ‘ગ્રીન શેડો’ જેવો દેખાય છે. આ ઝીણાં ઉગેલા વાળને દૂર કરવાનો થ્રેડીંગ એ જ એક ઉપાય છે કારણ કે થ્રેડીંગથી ઝીણા વાળ પણ ખેંચી શકાય છે.
અમુક વખતે આઇબ્રોના વાળ ઊગે તે ભાગમાં દુઃખાવો થાય છે. જો વાળ ખોટી રીતે ખેંચાયા હોય તો એક જ મૂળમાંથી બે વાળ ઊગતાં પણ જણાય છે. આવું ન થાય તે માટે હંમેશા વાળને તેના મૂળની નજીકથી પકડીને ખેંચો. અને તે ખેંચાણ વાળના ઊગવાની દિશામાં જ હોવું જોઇએ. તમે વાળના મૂળથી જેટલા દૂર રહો છો, તેટલો આઇબ્રો કરાવતી વખતે દુઃખાવો વધુ થાય છે.
આઇબ્રો કરતી વખતે અથવા થઇ ગયા બાદ હળવા હાથે મસાજ કરવાથી પણ વધારાના ઊગતા વાળ ઓછા કરી શકાય છે. નહાયા પછી આઇબ્રો કરાવવાથી ત્વચાના છિદ્રો ખુલ્લા હોય છે અને તેને કારણે દુખાવો પણ ઓછો થાય છે. અથવા આઇબ્રો કરાવતાં પહેલાં તેના ઉપર ગરમ પાણીમાં બોળેલો ટુવાલ દબાવી રાખવો. એ પછી તે જગ્યા અને ત્વચાને એકદમ કોરા કરી પાઉડર લગાડી આઇબ્રો કરવી.
આઇબ્રોના વાળ અકાળે સફેદ થવા કે ખરવાની સમસ્યા પણ ઊભી થતી હોય છે. સફેદ વાળ ઉંમરને કારણે હોય છે, જેને અટકાવી શકાતાં નથી. પણ વાળ ખરવાનું કારણ વધુ પડતા વાળ વારંવાર ખેંચાવ્યા કરવા અથવા આહારમાં યોગ્ય પદાર્થોની ઉણપ હોવી, તે હોઇ શકે છે. ઝીંક અને બી કોમ્પ્લેક્ષ ધરાવતાં પદાર્થો કે ગોળી ખાવાથી આ સમસ્યામાંથી બચી શકાય. ત્વચાના અમુક રોગો ‘એલોપેસીયા ટોટલ’માં આઇબ્રોના વાળ તદ્દન ખરી જાય છે. અચાનક આઇબ્રોના વાળ ખરવા માંડે તો તરત જ ડર્મેટોલોજીસ્ટની મુલાકાત લેવી.
તમે વાળના રંગમાં બહુ મોટો ફેરફાર કરાવ્યો હોય તો આઇબ્રોના વાળના રંગમાં પણ ફેરફાર કરાવવાની જરૂરત પડી શકે. દિવસના ભાગમાં આઇબ્રોનો રંગ નેચરલ દેખાય તેવો અને સાંજના સમયે વધુ રંગીન બનાવી શકાય. પાવડર આઇબ્રો કલર્સ અથવા આઇશેડોનો ઉપયોગ વાળ રંગવા કરી શકાય. આઇબ્રો એક્સ્પર્ટ અને મેકઅપ કલાકારો અમુક શેડને ભેગાં કરી જુદો જ આઇબ્રોનો રંગ શોધી કાઢતાં હોય છે. જો તમે આઇબ્રો પેન્સિલ વાપરતાં હો તો દરેક વખતે તેની અણી કાઢો. બ્રશ પાવડર વાપરતા હો તો બ્રશ દરેક વખતે ધોઇને હેર ડ્રાયરથી સૂકવીને પછી જ બીજી વાર વાપરો નહીં તો આઇબ્રો ઉપર રંગના ગઠ્ઠા લાગી શકે.
સતત આઇબ્રો ખેંચવાથી કે થ્રેડીંગ કરાવવાથી વાળ કાયમ માટે ઊગતા અટકી જાય તેવું બની શકે. તેથી તે પદ્ધતિનો ઉપયોગ યોગ્ય રીતે કરો. જો તમારો આઇબ્રોનો ભાગ વધુ પડતો સંવેદનશીલ હોય તો બરફ ઘસીને પછી આઇબ્રો કરો. ફેશનનો ટ્રેન્ડ ગમે તે હોય, બને ત્યાં સુધી વધારાના વાળ કાપતાં રહો, જેથી થ્રેડીંગમાં ઓછા વાળ દૂર કરવા પડે.