દિવાળી આવી રહી છે ત્યારે સામાન્ય રીતે નવા કપડાંની ખરીદી થઈ જ ગઈ હોય. ક્યારેક એવું બને કે તમે ખરીદેલાં મોંઘાં કપડાંનું પણ તમને જોઈતું હોય તેવું ફિટિંગ ન થયું હોય તો તમે જાતે જ તમારા ફેશન ડિઝાઈનર બની શકો છો. તમે તમારા ટ્રેડિશનલ, વેસ્ટર્ન કે ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસને ડ્રેપ સ્ટાઈલના ડિઝાઈનર આઉટફિટ બનાવી શકો છો. ડ્રેપિંગની ઇફેક્ટ ડ્રેસને ડિઝાઈનર લુક આપે છે અને ફિગરને વધુ નિખારે છે. તમે શોર્ટ ડ્રેસ પર પણ ડ્રેપ પેટર્ન બનાવી શકો છો અને ડ્રેસનું તમને જોઈતું હોય તેવું ફિટિંગ બ્રોચ વડે કે સિલાઈથી કરી શકો છો. શોર્ટ કે લોંગ ફ્રોક, કોઈ પણ પ્રકારના સ્કર્ટ, ઘાઘરા, ડિઝાઈનર ચણિયા, ક્રોપ ટોપ કે અનારકલી સૂટ પર ડ્રેપ સ્ટાઈલ અપનાવી શકાય છે. સામાન્ય રીતે સાડીમાં વ્યવસ્થિત સળ પાડીને, પાટલી પાડીને ડ્રેપ સ્ટાઈલમાં તબદીલ કરી શકાય જે ખૂબ જ સુંદર પણ લાગે છે.
બે લેયર
મિની ડ્રેસિસથી લઈને લાંબા ગાઉન્સમાં ડ્રેપની સ્ટાઇલ અત્યારે ખૂબ શોખથી પહેરવામાં આવે છે. આવા ડ્રેપ ડ્રેસિસ મોટા ભાગે બે લેયરમાં બને છે. જેમાં અંદરનું લેયર બોડી ટાઇટ હોય છે અને બીજા લેયરમાં અંદર જેવા જ સેમ મટીરિયલના ડ્રેપ્સ બનાવેલા હોય છે જે થોડા ફ્રિલવાળા અથવા છૂ્ટ્ટા કે હેન્ગિંગ હોય છે. બોડી પર ફિટ બેસે તેવાં ટ્યૂબ ટોપમાં આ સ્ટાઈલ સારી પણ લાગે છે. ખાસ કરીને ડ્રેપ ટોપ સાથે બોડી ફિટેડ પેન્ટ પહેરી શકાય.
ધોતી પેન્ટ્સ, પ્લાઝો, સ્કર્ટ
આમ જોવા જઈએ તો ધોતી પણ એક પ્રકારનો કપડાંનો ડ્રેપ જ છે. જૂના જમાનાના પુરુષોનો પહેરવેશ એવી આ ધોતી અત્યારે યુવતીઓમાં ખાસ લોકપ્રિય છે. ટ્રેડિશનલ ધોતી પેન્ટ્સ સાથે કુર્તી, શોર્ટ ટોપ કે ક્રોપ ટોપ સુંદર લાગે છે. પહેલાંની સિમ્પલ ધોતી કરતાં અત્યારનું મોડર્ન વર્ઝન જોકે ઘણું સ્ટાઇલિશ પણ છે. તેમાં બટરફ્લાય સ્ટાઈલ ધોતી સાથે કુર્તીનું કોમ્બિનેશન સારું લાગે છે. પહેલાં કોટન, મલમલની ધોતી ઉપરાંત સિલ્ક, ક્રેપ, જ્યોર્જેટ, શાટિન જેવા લાઇટ ફેબ્રિકમાં ધોતી પેન્ટ હવે બને છે અને બજારમાં ઉપલબ્ધ પણ છે. આ ઉપરાંત ઇન્ડિયન પ્રિન્ટ જેમકે બાંધણી, બાટીક, ખાદી કે પટોળામાં પણ ધોતી પેન્ટ મળે છે જે તહેવારે કે પ્રસંગે શોભે છે. તમે ખરીદેલાં પ્લાઝોનું ફિટિંગ જો તમને વ્યવસ્થિત ન લાગે તો સાઈડ ચેઈનથી કે સ્ટીચિંગથી પણ તમે ડ્રેપિંગ સ્ટાઈલ એમાં કરાવી શકો છો. આ ઉપરાંત અમુક કપડાં જો તમને ખૂબ જ ગમતાં હોય અને ટૂંકા પડતા હોય તો તેમાં તમે મેચિંગ મટીરિયલથી સાઈડ ડ્રેપ મુકાવીને તેને લંબાઈ કે પહોળાઈ આપી શકો છો. ખાસ કરીને ટાઈટ સ્કર્ટ કે જીન્સના સ્કર્ટમાં સાઈડ કે ફ્રન્ટ ડ્રેપિંગ કરીને તમે સ્કર્ટનો મનભાવન લુક આપી શકો છો.
કાઉલ નેક
કાઉલ નેકની પેટર્નના ડ્રેસમાં આગળ ગળા પાસે ડ્રેપ હોય છે. પાછળ પીઠ પર પણ આ ટાઇપનો ડ્રેપ કરાવી શકાય. આ પ્રકારની સ્ટાઇલમાં પાછળ વી જેવી પેટર્ન બનશે જે દેખાવમાં પડદાના ડ્રેપ જેવું જ લાગશે. મટીરિયલને લૂઝ છોડી શકાય અથવા સ્કૂલના યુનિર્ફોર્મમાં હોય એ રીતે પાટલી પણ કરાવી શકાય. ડ્રેપની પેટર્નના ડ્રેસ માટે બાંય માટે કોઈ ચોક્કસ લંબાઈ નથી, પણ ફુલ સ્લિવ્ઝ કે સ્લિવ લેસ પેટર્ન ડ્રેપ્સ સાથે સારી લાગશે.
એવરગ્રીન સાડી
ડ્રેપ એટલે એક એવી ફ્રી-ફોર્મ ઇફેક્ટ છે કે ડ્રેસના મટીરિયલમાં તૈયાર જ આવે કે તમે સળ પાડીને બનાવી પણ શકો. બસ નવો ડ્રેસ તૈયાર કરતી વખતે જો તૈયાર મટીરિયલમાં ડ્રેપિંગ ન હોય તો મટીરિયલને તમારે થોડું ફોલ્ડ કરતાં મટીરિયલ જાતે જ ડ્રેપની ઇફેક્ટ આપે. ડ્રેપિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સાડી. સાડીનું કાપડ સીધે પટ્ટે હોવાથી તમે તમારા ફિગર પ્રમાણે એમાં ડ્રેપિંગ ઇફેક્ટ આપી શકો. એમાંય શિફોન, સિલ્ક કે જ્યોર્જેટ મટીરિયલની સાડી હોય તો તમે ચાહો એમ બ્રોચથી તેને ડ્રેપ કરી શકાય કારણ કે આ પ્રકારના મટીરિયલ શરીર પર સરસ રીતે ફ્લો થાય છે જો તમે સહેજ હેવિ બોડી ધરાવતા હોય તો સાડીમાં ઊભી ડ્રેપ્સ પસંદ કરો. કારણ કે ઊભી અને વધારે સળ હોય તો જોનારાનું ધ્યાન લેફ્ટ ટુ રાઇટ જવાને બદલે અપ ટુ ડાઉન વધારે જાય છે. હંમેશાં ડ્રેપ્સ એવા જ સિલેક્ટ કરવા જેમાં તમારા શરીરની ખામીઓ ઢંકાય. જેમકે તમે લાંબા અને પાતળા હોય અને તમારે સપ્રમાણ દેખાવાની ઇચ્છા હોય તો સાડીમાં આડી ડ્રેપ પાડો. સ્ટાઈલિશ ડ્રેપ માટે સાડીના પાલવને પહેલેથી બ્રોચથી કે સાડીપીનથી સ્ટીચ કરીને પછી સાડી પહેરી શકાય. સુંદર સુડોળ ધરાવતી યુવતીઓ કે મહિલાઓને તે જચે પણ છે.