પ્રખ્યાત હિરોઈન અને મોડેલના ડ્રેસિસની હવે ઓનલાઈન હરાજી થતી પણ જોવા મળે છે અને તેની ફર્સ્ટ કોપી પણ માનુનીઓ પહેરતી જોવા મળે છે. રેમ્પ વોક, ફેશન શો કે ફિલ્મોમાં હિરોઈન દ્વારા પહેરાતાં આઉટફિટ હવે આસાનીથી કોઈપણ માનુની અપનાવે છે. સામાન્ય રીતે હાલમાં કેપ સ્ટાઈલના ક્લોથ્સ હિરોઈન અને રેમ્પ શોમાં વધુ જોવા મળે છે આ પ્રકારના ડ્રેસ માર્કેટમાં પણ ઉપલબ્ધ છે. કેપ સ્ટાઈલને આપ વનપીસ ડ્રેસ, ટોપ, શર્ટ, કુર્તી, પાર્ટી ગાઉન, એથનિક ગાઉન, અનારકલી ડ્રેસ, ચણિયાચોળી એમ વિવિધ સ્વરૂપે મળી રહે છે. કેપ વનપીસમાં અલગ-અલગ કટ્સથી ફેશનમાં અને આઉટફિટમાં વૈવિધ્ય મેળવી શકાય છો. એ-લાઈન અને સ્ટ્રેટ કટમાં કેપ સ્ટાઈલ સુંદર લાગે છે.
ઓફિસમાં કેપ શર્ટ
ઓફિસમાં પ્રોફેશનલ લુકમાં જ્યારે જરા જુદા તરી આવવું હોય તો કેપ શર્ટ ટ્રાય કરી શકો છો. કોઈ સામાજિક પ્રસંગે ટ્રેન્ડી દેખાવા માટે એથનિક વેરમાં પણ કેપ સ્ટાઈલ અપવાની શકો છો.
ટ્રેડિશનલ લુક
કેપ સ્ટાઈલના ચણિયાચોળી કે અનારકલી ડ્રેસથી આપ પ્રસંગમાં ટ્રેન્ડી અને ગ્રેસફુલ પણ લાગશો. ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે મૂવી કે આઉટિંગ પર જતી વખતે કેપ્રી કે પેન્ટ સાથે કેપ સ્ટાઈલનું ટોપ પેર કરી પહેરવાથી આપ એકદમ કુલ તેમજ ડિસન્ટ લાગશો. કોઈ પાર્ટીમાં જતી વખતે કેપ સ્ટાઈલની વનપીસ મેક્સી કે ગાઉન પહેરવાથી આપની સુંદરતા અને ગરિમામાં ચાર ચાંદ લાગી જશે.
મેચિંગ જરૂરી
કેપ સ્ટાઈલના અનારકલી ડ્રેસ અથવા કેપ સ્ટાઈલ સ્લિવ ધરાવતા વેસ્ટર્ન આઉટફિટ સાથે હેવિ લોંગ એરિંગ પહેરવાથી કુલ લાગશે. આ સ્ટાઈલની કુર્તીને પેન્ટ અથવા પટિયાલા સાથે પેર કરીને તેની સાથે બને એટલી ઓછી જ્વેલરી પહેરવાથી લુકની ડિસન્સી જળવાઈ રહેશે. ચણિયાચોળીમાં વર્કના પ્રકાર મુજબ જ્વેલરી પસંદ કરી શકો છો. એક જ કલરના પ્લેન વનપીસ સાથે ટ્રેન્ડી બેલ્ટ પહેરીને એકદમ હોટ લુક મેળવી શકો છો. પ્લેન ડ્રેસ સાથે જો બેલ્ટ ના પહેરવો હોય તો લોંગ નેકપીસ અથવા શોર્ટ લેન્થનો સ્ટેટમેન્ટ નેકલેસ આપને હટકે લુક આપશે. કેપ સ્ટાઈલમાં બિલકુલ સિમ્પલ અને સફિસ્ટિકેટ લુક મેળવવા માટે બ્રાઈટ કલરના પ્લેન વનપીસ સાથે કોઈ જ્વેલરી ના પહેરતા ફક્ત સ્ટાઈલિશ ફૂટવેર અને ફૂટવેરનાં કલરની જ નેઇલપોલિશ કરી શકો છો. પ્રસંગની માંગ અને આપના કમ્ફર્ટ મુજબ વિવિધ પેટર્નનાં ક્લોથ્સમાં આપ કેપ સ્ટાઈલ અપનાવીને ટ્રેન્ડી લુક મેળવી શકો છો.