ફ્રીલ એટલે કે ઝૂલ, તે બ્લાઉઝથી માંડીને ફ્રોક, મેક્સી, શર્ટ, સ્કર્ટ, અનારકલી, ક્રોપ ટોપ જેવા તમામ આઉટફિટ્સમાં બનાવડાવી શકાય છે અથવા તો તે પ્રકારના આઉટફિટ્સ ખરીદી શકાય છે.
ફ્રીલની સૌથી મોટી ખાસિયત એ છે કે જ્યારે પણ તમે ફ્રીલવાળા પોશાક પહેરો છો તો તમારી વય હોય છે તેના કરતાં ઘણી નાની દેખાય છે. તમે નોંધ્યું હશે કે નાની બાળકીઓમાં પોશાકમાં મોટા ભાગે મોટી-નાની ઝૂલ લાગેલી હોય છે. જે તેમને ક્યુટ લૂક આપે છે. આ જ કન્સેપ્ટ વયસ્કો માટે પણ એપ્લાય કરવામાં આવે છે. જેમાં ગાઉન, ડ્રેસ કે મેક્સીમાં ગળા કે બોટમના ભાગે ફ્રીલની ડિઝાઈન કરવામાં આવે છે. તમે બંગાળી સ્ટાઈલના બ્લાઉઝમાં ગાળાના ભાગે નાની નાની ઝૂલ જોઈ હશે. તમારા દાદી કે નાનીના જૂના ફોટા જોશો તો એમાં પણ બાંયમાં તથા ગળાના ભાગે આ પ્રકારની ઝૂલ દેખાશે.
શાટિન જ્યોર્જેટ તથા શિફોન મટિરિયલ ફ્લોઈંગ હોવાથી તે પહેરવાની અલગ જ મજા છે. આ મટિરિયલમાંથી તમારા આઉટફિટ્સ પર ફ્રીલ બનાવડાવશો અથવા તો તૈયાર પોશાકમાં પણ ફ્રીલ હોય તેવા પોશાકનું સિલેક્શન કરશો તો એકદમ કૂલ પસંદગી બની રહેશે.
તમે તૈયાર આઉટફિટ્સને બદલે જાતે જ આઉટફિટ્સ તૈયાર કરાવવાના હો અને ફ્રીલવાળા ડ્રેસિસ બનાવવા ઈચ્છતા હો તો તેના માટે કાપડનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે જેટલું તમારું ફેબ્રિક પાતળું અને વજનમાં હળવું હશે તેટલો જ તમારી ઝૂલનો ગેટઅપ સરસ આવશે. વ્યવસ્થિત ધ્યાન રાખવું જરૂરી છે.
વળી, એવું પણ નથી કે તમે ફક્ત સ્લિવમાં જ ફ્રીલ કરાવી શકો. કમરના ભાગે તો ક્યાંક સ્લીવના બેક ભાગમાં તો ક્યાંક ગળાની પેટર્નમાં તો વળી ક્યાંક ધોતિયાની જેમ ઝૂલતી સ્લીવ કરવામાં આવે તેના વસ્ત્રો પણ ઈન-ટ્રેન્ડ છે, જે માનુનીને વધારે આકર્ષક બનાવે છે.