આધુનિક જનરેશન માટે વસ્રો એ સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. યુવા હોય કે બાળકો સૌ કોઈ આજે પોતાના વસ્રો માટે ખાસ સજાગ રહે છે. વસ્રો ઉપરાંત એમાંની પ્રિન્ટ માટે પણ ઘણા લોકો સજાગ હોય છે. હાલમાં ફેશન ટ્રેન્ડમાં ડિજિટલ પ્રિન્ટ ખૂબ જ લોકપ્રિય છે. ખાસ વાત તો એ છે કે ડિજિટલ પ્રિન્ટ ધરાવતાં મટીરિયલમાંથી પરંપરાગત અને વેસ્ટર્ન વેર તૈયાર થઈ જ શકે છે. આ પ્રિન્ટ ધરાવતાં મટીરિયલમાંથી હાલમાં પારિવારિક પ્રસંગે પહેરાતાં વસ્રો પણ તૈયાર થાય છે અને પ્રોફેશનલ વેર પણ તૈયાર થાય છે.
ડિજિટલ પ્રિન્ટના પણ અનેક પ્રકાર આજકાલ જોવા મળે છે. સ્ક્રીન પ્રિન્ટ, ડિસ્ચાર્ડ પ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ વગેરે વગેરે. ડ્રેસની ડિઝાઈન પ્રમાણે ડિજિટલ પ્રિન્ટ હોય તેવા કાપડમાંથી વસ્રો બને છે. ડિજિટલ પ્રિન્ટ ડ્રેસિસ માટે તમને ચોઈસ પણ મળી રહે છે. આ પ્રિન્ટમાં ઘણા પ્રકારનું ભરતકામ કરીને આઉટફિટને હેવિ બનાવી શકાય છે કે ખાલી ડિજિટલ પ્રિન્ટ હોય તેવા કાપડમાંથી લાઈટ આઉટફિટ પણ બની શકે છે.
ક્લાસિક લૂક
ડિજિટલ પ્રિન્ટ મટીરિયલમાં જો ક્લાસિકલ લૂક જોઈતો હોય તો ડિજિટલ બ્લોક પ્રિન્ટમાં બ્લેક એન્ડ વ્હાઈટ રંગનો વધુ ઉપયોગ ક્લાસિક લૂક આપે છે. બ્લોક ઉપરાંત માર બ્લેક એન્ડ વ્હાઈટટ લાઈનિંગ પણ સારી લાગે છે. જો ડ્રેસને હેવિ બનાવવો હોય તો બ્લોકમાં ફ્લાવર ડિઝાઈન વર્ક અથવા પોલકાં ડોટ્સ દેખાય એવું વર્ક કરાવી શકાય. આ ઉપરાંત ભૌમિતિક આકારો ધરાવતું વર્ક પણ એમાં શોભશે. ડ્રેસનો રંગ જો બ્લેક એન્ડ વ્હાઈટ હોય તો તેમાં ઓપોઝિટ કલરના દોરાથી કરેલું વર્ક જામશે.
વાયબ્રન્ટ લૂક
વારે તહેવારે કે પ્રસંગે લોકો હંમેશાં રંગબેરંગી કપડાં પહેરવાનું પસંદ કરે છે. વળી કેટલાકને આ ક્લોથ્સ ભડકામણાં કે વધુ પડતાં હેવિ ન હોય એવું પણ પસંદ હોય છે. વારે તહેવારે કે પ્રસંગે જો ડ્રેસનું વજન ન વધે તે જોવાનું હોય છતાં ડ્રેસ રિચ અને હેવિ લૂક આપે તેવું ઇચ્છતા હોય તો મલ્ટીકલર ડિજિટલ પ્રિન્ટનું મટીરિયલ પસંદ કરો. સાડી, ઘાઘરા ચોલી, ચણિયા ચોળી, અનારકલી, સલવાર કુર્તી, પ્લાઝો, લહેંગા ચોલી કે ઇન્ડો વેસ્ટર્ન ડિઝાઈનર આઉટફિટ માટે આ મટીરિયલ બેસ્ટ ઓપ્શન છે.
આજકાલ ડિજિટલ પ્રિન્ટ ધરાવતા સિલ્ક, જ્યોર્જેટ, માર્બલ કે શિફોન મટીરિયલમાંથી લોંગ કે શોર્ટ ટોપ કે ટ્યુનિક સિવડાવીને પહેરવાનો પણ ટ્રેન્ડ છે. આ પ્રકારના વસ્રો માર્કેટમાં તો મળી જ રહે છે, પણ જો તમને મનપસંદ આઉટફિટ તૈયાર કરાવવું હોય તો તે માટે કોઈ ડિઝાઈનર ડિઝાઈન સિલેક્ટ કરીને તે પ્રમાણે પણ વસ્રો તૈયાર કરાવી શકો છો.
એથનિક પરિધાન
સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે ડિજિટલ પ્રિન્ટ એથનિક વસ્રોમાં સૂટ થતી નથી તો આ માન્યતા તદ્દન ખોટી છે. ફેબ્રિકના બેઝનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આ પ્રિન્ટ ધરાવતાં કાપડમાંથી પણ ટ્રેડિશનલ વસ્રો તૈયાર કરીને પ્રસંગે તમારી બ્યૂટીને વધારે નિખારી શકાય છે. જો તમે ફેમિલી ફંક્શન્સ કે વારે તહેવારે પહેરી શકાય તેવા વસ્રો માટે ડિજિટલ પ્રિન્ટ મટીરિયલ સિલેક્ટ કરવાના હોય તો તમારે સિલ્ક કે પેપર સિલ્ક કાપડ પર આ પ્રિન્ટ હોય તેની પસંદગી કરવી. આ પ્રિન્ટ્સમાં ઉપર જણાવ્યું તેમ વાયબ્રન્ટ કલર્સ જચે છે. જેમકે, વાયબ્રન્ટ રેડ, ગુલાબી (રાણી), બ્લુ, પેરટ ગ્રીન જેવા કલર્સનો પ્રિન્ટમાં ઉપયોગ હોય તેવું મટીરિયલ પસંદ કરવું. ફેશન એક્સપર્ટ્સ આ પ્રકારના રંગમાં ફ્લાવર અને પોલકા પ્રિન્ટની ડિજિટલ પ્રિન્ટને વધુ પ્રાધાન્ય આપે છે. આ ઉપરાંત ડિજિટલ પ્રિન્ટ ધરાવાતાં આ પ્રકારના એથનિક વસ્રોમાં જરી વર્ક, ગોટા વર્ક, ટકી વર્ક ડ્રેસને હેવિ બનાવી શકે છે.