શાસ્ત્રોમાં પણ સ્ત્રીના સોળ શણગારમાં ચાંલ્લાનો સમાવેશ થાય છે. જોકે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓ અને પુરુષો સૌને માટે ચાંલ્લો કરવાની મૌલિક ટ્રેડિશન છે. ચાંલ્લો માત્ર સ્ત્રીઓ જ નથી કરતી, પુરુષો પણ કરતા હોય છે. એક હકીકત એવી પણ છે કે કપાળની વચ્ચે, બે ભૃકુટિની મધ્યમાં આજ્ઞાચક્ર છે. ત્યાં ચાંલ્લો કરવા નિમિત્તે આંગળી કે અંગૂઠા વડે જરાક દબાણ થતાં એ આજ્ઞાચક્ર ચાર્જ થાય છે એવું આપણા યોગશાસ્ત્રો કહે છે. દરરોજ ચાંલ્લો કરવા નિમિત્તે આજ્ઞાચક્રને ચાર્જ કરવાનો મહિમા છે. વિજ્ઞાનની કેડીએ ચાલતાં પશ્ચિમના દેશોમાં આ સત્ય કોઈ નહીં જાણતું હોય, કદાચ એટલે તે લોકો ચાંલ્લો કરવાની પરંપરા ધરાવતા નથી.
કર્મ અને ચાંલ્લો
પ્રાચીન કાળમાં સૈનિક યુદ્ધમાં જાય ત્યારે તેની પત્ની, માતા કે બહેન તેને વિજયતિલક કરીને પ્રસ્થાન કરાવતી હતી. આજે નોકરીના પહેલા દિવસે ઘરેથી પ્રસ્થાન કરતા યુવકને ચાંલ્લો કરીને, ગોળ કે દહીં ખવડાવીને શુભ શુકનના સંતોષ સાથે મોકલવામાં આવે છે. લગ્નવિધિમાં તો ડગલે ને પગલે ચાંલ્લાઓ થતા જ રહે છે. મહેમાનોનું સ્વાગત કરવાનું હોય, કોઈનું બહુમાન કે સન્માન કરવાનું હોય ત્યારે પણ ચાંલ્લો કરવામાં આવે છે.
આપણે વર્ણાશ્રમ-વ્યવસ્થામાં માનનારા હોવાથી વર્ણ પ્રમાણે ચાંલ્લો કરવાની ટ્રેડિશન પણ છે. પ્રાચીન કાળમાં ચાર વર્ણોની વ્યવસ્થા ગોઠવાઈ હતી. આ ચાર વર્ણો એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. વર્ણ પ્રમાણે પણ ચાંલ્લાના રંગ, કદ અને આકારમાં ફેરફાર જોવા મળતા હતા. બ્રાહ્મણોને સામાન્ય રીતે ચંદનનું તિલક કરવામાં આવતું. ક્ષત્રિયો યુદ્ધ-વીર ગણાતા અને યુદ્ધમાં તો લોહી વહે એટલે તેમના માટે લાલ કુમકુમનું તિલક માન્ય હતું. વૈશ્યો વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાતી તેમના માટે કેસરનો ચાંલ્લો કરાતો અને શુદ્રો ચોખ્ખાઈનું, સાફ - સફાઈનું કામ કરતા અને તેમને જમીન સાથે જોડાયેલી પ્રજા ગણાતી તેથી તેઓને ભસ્મ કે કસ્તુરીનું તિલક થતું હતું. જોકે ચાંલ્લો કોઈ પણ હોય પ્રાકૃતિક ચીજવસ્તુનો તેમાં ઉપયોગ થતો તેથી તે સૌને માટે ફાયદાકારક જ રહેતો.
ચાંલ્લાનાં રૂપ
ચાંલ્લા માટે વિવિધ પર્યાયવાચી શબ્દો પ્રયોજાતા રહ્યા છે. ચાંલ્લો, ચાંદલો, ટીકો, ટીકી, ટીલું વગેરે ઉપરાંત તિલક શબ્દ પ્રચલિત છે. હિન્દી ભાષામાં ‘બિંદિયા’ કે ટિપ અને તેલુગુમાં ‘બોટ’ શબ્દ પ્રયોજાય છે. મરાઠી ભાષામાં ‘કુંકું’ દક્ષિણ ભારતમાં ભાષામાં ‘નાનમ્’, તમિલમાં ‘પોટ’ કહેવાય છે. સંસ્કૃતમાં ચાંલ્લા માટે ક્યાંક ‘ગંધ’ શબ્દ પ્રયોજાયેલો જોવા મળે છે. ચાંલ્લો સામાન્ય રીતે ગોળ-ચંદ્રાકાર હોય છે. ચાંદા પરથી ચાંદલો અને ચાંદલાનું અપભ્રંસ થઈને ચાંલ્લો શબ્દ આવ્યો હોવાનું માનવામાં આવે છે. સ્ત્રીઓ માટે ગોળ ચાંલ્લો અને પુરુષો માટે ઊભું તિલક કરવાની પરંપરા સામાન્ય રીતે જોવા મળે છે. રાજસ્થાનીઓમાં તો છેક કપાળથી શરૂ કરીને નાકના ટેરવા સુધીનું લાંબું તિલક કરાતું જોવા મળે છે. કેટલાક પ્રસંગે કંકુનો ચાંદલો કરીને એના પર ચોખા (અક્ષત) ચોંટાડવામાં આવે છે. આજની સ્ત્રીઓ કંકુના ચાંલ્લાને બદલે રેડીમેઇડ સ્ટિકર જેવા ચાંલ્લા કરતી થઈ છે. ચાંલ્લાનું કદ પણ નાનું-મોટું હોઈ શકે છે. જોકે શણગારની દૃષ્ટિએ એ કોઈને પણ શોભી ઊઠે છે.
આકાર દ્વારા ઓળખ
વિવિધ પંથ-સંપ્રદાય માટે ચાંલ્લાના આકારો અલગ-અલગ જોવા મળે છે. માત્ર અલગ ઓળખ ઊભી કરવાના આશય સાથે આ પ્રથા પડી હશે એવી ધારણા બાંધી શકાય. જોકે ચાંલ્લાના આકારમાં કલાત્મકતા જરૂર દેખાય છે. સ્વામિનારાયણ પંથમાં અંગ્રજીમાં યુ જેવું તિલક કરીને એમાં વચ્ચે ગોળ બિંદુ કરવામાં આવે છે. બ્રાહ્મણો માટે ઊર્ધ્વપુંડ અને ક્ષત્રિયો માટે ત્રિપુંડ આકાર દેખાય છે. વૈશ્યો માટે અર્ધચંદ્રાકાર અને શૂદ્રો માટે પૂર્ણ વર્તુળાકાર ચાંલ્લો કરવાની પ્રથા પ્રચલિત હતી. આમાં કેટલાક શાસ્ત્રોના મત જુદા પણ પડે છે. સચ્ચિદાનંદ સંપ્રદાયના સાધુઓ-શિષ્યો લલાટ પર સુખડની આડી લીટી કરે છે. આડી-ઊભી-ત્રાંસી લીટી હોય, ગોળ કે અર્ધગોળાકાર હોય કે ત્રિશૂળ વગેરે આકારો હોય. એમાં ડિઝાઈનની કલા ઉપરાંત મૌલિક ઓળખ ઊભી કરવાનો ઈરાદો હોઈ શકે છે. હનુમાન ભક્તો સિંદૂરનો ચાંલ્લો પણ કરતા દેખાય છે. ભારતમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રોમાં તમામ ક્રિયાકાંડમાં ચાંલ્લો ખાસ જોવા મળે છે. ભલે પછી એ સૌભાગ્યવતી સ્ત્રીના પ્રતીકરૂપે હોય, શુભત્વના સંકેતરૂપે હોય, માંગલ્યના પ્રતીકરૂપે હોય, સંપ્રદાયના સુગંધરૂપે હોય, શુકનના અણસારરૂપે હોય, વર્ણ-જાતિની ઓળખ ચિહ્નરૂપે હોય કે અન્ય રૂપે હોય.