લખનૌ: ઉત્તર પ્રદેશનાં આતિયા સાબરી ટ્રિપલ તલાક સામેનો જંગ જીતીને ભરણપોષણ મેળવનાર પ્રથમ મુસ્લિમ મહિલા બન્યાં છે. આતિયાની અરજી પર ચૂકાદો આપતાં સહરાનપુર ફેમિલિ કોર્ટે આતિયાના પતિ વાજિદ અલીને તેની બે સગીર વયની પુત્રીઓના ખર્ચ તથા ભરણપોષણ પેટે દર મહિનાની દસમી તારીખે દરેકને સાત-સાત હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.
નોંધપાત્ર બાબત એ છે કે અદાલતે વાજિદ અલીને આ રકમ આતિયાએ જે દિવસથી કોર્ટમાં કેસ દાખલ કર્યો તે દિવસથી ચૂકવવા જણાવ્યું છે. આમ આતિયાને બાકી લેણાં પેટે ૧૩.૪૪ લાખ રૂપિયા તેમજ હવે પછી દર મહિને ૨૧,૦૦૦ રૂપિયા પતિ પાસેથી મળશે.
આતિયા દહેજ ઓછું લાવી હોવાથી અને માત્ર પુત્રીને જન્મ આપ્યો હોવાથી વાજિદ અલીએ બેગમ આતિયાને ટ્રિપલ તલાક આપ્યા હતા. આતિયાએ ૨૪ માર્ચ ૨૦૧૫માં સહરાનપુર કોર્ટમાં તેના તલાકને ગેરકાયદે જાહેર કરવા અને ભરણપોષણ માટે અરજી કરી હતી. આતિયા આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી લડ્યાં હતાં અને કોર્ટે ટ્રિપલ તલાકને ગેરકાયદે જાહેર કર્યા હતા. આતિયાએ ભરણપોષણ માટે સહરાનપુર કોર્ટમાં જંગ જારી રાખ્યો હતો. મોદી સરકારે ત્રિપલ તલાક રદ કર્યા પછી બનાવેલા મુસ્લિમ વિમેન (પ્રોટેકશન ઓફ રાઇટસ ઓન મેરેજ) એક્ટ ૨૦૧૯માં પસાર થયો તે પછી આતિયા ભરણ-પોષણ મેળવનારી પ્રથમ મુસ્લિમ મહિલા છે.