ફેશન વર્લ્ડમાં રોજ નવો ટ્રેન્ડ જોવા મળતો હોય છે. નવી ફેશનરેન્જના ક્લોથ્સ આવતાં રહે છે. જોકે કેટલાક વસ્ત્રોનો ટ્રેન્ડ ક્યારેય ઓસરતો નથી. આ ફેશનરેન્જમાં શ્રગનો સમાવેશ થાય છે. શ્રગને તમે સિઝનલ ક્લોથ પણ કહી શકો. જેમ કે ઠંડીની સિઝનમાં તો શ્રગની બોલબાલા રહે છે. પહેલાં યુવતીઓ અને મહિલાઓ ગમે તે પરિધાન ઉપર સ્ટોલ, સ્કાર્ફ કે દુપટ્ટા પહેરવાનું પસંદ કરતી હતી, પરંતુ હવે સામાન્ય રીતે એ સ્થાન શ્રગે લઈ લીધું છે. શ્રગથી આઉટફિટનો ગેટઅપ પણ સારો થઈ જાય છે અને પહેરનારને કમ્ફર્ટેબલ પણ રહે છે. દુપટ્ટા કે સ્કાર્ફની જેમ શ્રગને સંભાળવાની ઝંઝટ પણ રહેતી નથી. વળી કેટલાક શ્રગમાં તો ખિસ્સાં પણ હોય છે. તેથી પરચુરણ વસ્તુઓ તેમાં સાચવી શકાય છે. ઓફિસમાં તમે જ્યારે પુરુષ કર્મચારીઓની વચ્ચે કામ કરતા હો ત્યારે શ્રગ સારું રહે છે.
ફેશન એક્સપર્ટ્સના કહેવા મુજબ, કોલેજિયન યુવતીઓથી માંડીને કોર્પોરેટ વુમન સુધી શ્રગનો ક્રેઝ જોવા મળે છે. શ્રગ ટાઈટ ટી શર્ટ કે સ્લીવલેસ આઉટફિટ પર પહેરીને તમે ટ્રેન્ડી લુક મેળવી શકો છો.
વુલન મટિરીયલમાં મળતાં શ્રગ સ્વેટર કે જેકેટની ગરજ સારે છે. શ્રગની સાઈઝ તમે પસંદ કરી શકો છો. વેસ્ટ સુધીના શ્રગથી માંડીને છેક ઘૂંટણ સુધીના શ્રગ બજારમાં ઉપલબ્ધ હોય છે.
ફેશન ડિઝાઈનર મેઘના મિસ્ત્રીના કહે છે કે, તેઓએ હાલમાં કેટલાક ગ્રાહકો માટે સ્પેશ્યલ સ્ટાઈલિશ વસ્ત્રો ડિઝાઈન કર્યા હતા. તેમાંથી કેટલાક વેસ્ટર્ન આઉટફિટ તૈયાર કરતી વખતે ટોપની ઉપર એ જ કાપડના શ્રગ પણ તૈયાર કર્યાં હતાં. તેમના કસ્ટમર્સને તે ખૂબ જ પસંદ આવ્યાં હતાં. સ્ટાઈલિશ દેખાવા માટે જે મટિરીયલનું ટોપ આપ પહેરવાના હોય તેની સાથે એ જ મટિરીયલનું શ્રગ પહેરવાનો હાલમાં ટ્રેન્ડ છે. આ ઉપરાંત શિફોન મટિરીયલમાંથી બનાવેલા પ્લેન અને પ્રિન્ટેડ શ્રગ તમારા આઉટફિટ પર પહેરી શકો છો અને તે તમને નવો લુક પણ આપે છે.
હાલમાં ઇન્ડો વેસ્ટર્ન વેરમાં પણ શ્રગનો સમાવેશ થવા લાગ્યો છે અને નેટ તથા બ્રોકેડ મટિરીયલ પર ઝરીવર્ક ધરાવતા શ્રગ હાલમાં ઈનટ્રેન્ડ છે.
શ્રગ પહેરવા માટેની કેટલીક ટિપ્સ
- સામાન્ય રીતે ક્રીમ, બ્લેક, બ્લૂ કે ગ્રે કલરનાં શ્રગ કોઈ પણ વસ્ત્રો ઉપર સુંદર દેખાય છે. ફોર્મલ ઓફિસવેર સાથે શિયાળામાં પ્લેન વૂલન શ્રગ પહેરી શકાય.
- જો તમે કોર્પોરેટ વુમન હો તો બ્લુ, ગ્રે, બ્લેક અથવા કથ્થઈ રંગના શ્રગ તમને પરફેક્ટ બિઝનેસ વુમન કે કોર્પોરેટ વુમનનો લુક આપશે. સ્લિવલેસ કે કેપ સ્લિવ ટી શર્ટ ઉપર તમે શ્રમ કેરી કરી શકો છો.
- યુવતીઓ જીન્સ, કેપરી, કુલોત્સ, પેલેત્ઝો, શોર્ટ્સની ઉપર ટ્યુનિક્સ, ટીશર્ટ, શોર્ટ ટોપ કે કુર્તી ઉપર મેચિંગ શ્રગ પહેરી શકે છે. મહત્ત્વનું એ પણ છે કે તમે જે ટોપ પહેરો તેનાથી શ્રગની લંબાઈ કમ સે કમ બે ઇંચ ઓછી અથવા બે ઇંચ વધુ હોવી જોઈએ. તો જ શ્રગ તમને સૂટ થશે.
- તમે લંચ કે શોપિંગ માટે જાઓ ત્યારે ટૂંકાં શ્રગ પહેરવાં અને તેની સાથે સાદો ડ્રેસ પહેરવો.
- અનારકલી ડ્રેસ કે લાંબા કુર્તા પર હેવિ એમ્બ્રોઈડરી કરેલું અથવા કટવર્કવાળું લાંબું શ્રગ તમારા વ્યક્તિત્વને ખૂબ આકર્ષક બનાવે છે. પ્રસંગે તે શોભી ઊઠે છે.