સમયમાં પરિવર્તનની સાથે માનુનીઓ પોતાને કમ્ફર્ટેબલ હોય એ પ્રકારે પહેરવેશ ધારણ કરે છે, પણ સાથે સાથે પોતાની સંસ્કૃતિની વિવિધતા પણ તેને લોભાવે છે. આઉટફિટ્સ, ચંપલ, ઘરેણા કે એસેસરીઝમાં ટ્રાઈબલ પ્રિન્ટ એવો જ ભાગ અત્યારે ભજવે છે. આઉટફિટ્સ, ચંપલ, ઘરેણા કે એક્સેસરીઝ ભલે આધુનિક હોય, પણ પોતાની સંસ્કૃતિને ઝળકાવતી ટ્રાઈબલ પ્રિન્ટ એમાં ચાર ચાંદ લગાવે છે. ટ્રાઈબલ પ્રિન્ટ કોમ્બિનેશન માટે અહીં કેટલીક માહિતી આપી છે જે તમે આસાનીથી કેરી કરી શકશો અને તમને યુનિક લુક પણ આપશે.
પહેરવેશમાં ટ્રાઈબલ પ્રિન્ટ
ટ્રાઈબલ આઉટફિટ ઘાઘરા ચોલી કે ડ્રેસ તો આધુનિક યુગમાં રોજિંદા પહેરવેશમાં પહેરવા શક્ય નથી. કમ્ફર્ટેબલ આઉટફિટ તરીકે યુવતીઓને ડ્રેસ પણ વધુ પડતા કમ્ફ્ટેબલ લાગતા નથી, પણ જો તમને ટ્રાઈબલ પ્રિન્ટ પસંદ હોય તો કુર્તી, ટોપ, શર્ટ, ટ્યૂનિક કે શોર્ટ ટોપમાં ટ્રાઈબલ પ્રિન્ટ ધરાવતું મટીરિયલ પસંદ કરી શકો છો. આ ઉપરાંત આ પ્રકારનાં તૈયાર આઉટફિટ ઓનલાઈન કે શોપમાંથી પણ મળી રહે છે. બોટમ આઉટફિટમાં પણ ટ્રાઈબલ પ્રિન્ટ હાલમાં ઈન ટ્રેન્ડ છે. પ્લાઝો, પેન્ટ, ટ્રાઉઝર કે જીન્સમાં તમે ટ્રાઈબલ પ્રિન્ટ પ્રિન્ટ કરાવી શકો છો. ટોપ્સની જેમ બોટમ વેરમાં પણ ટ્રાઈબલ પ્રિન્ટ ધરાવતાં આઉટફિટ્સ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો અથવા માર્કેટમાંથી લઈ શકો છો. ખાસ કરીને ટ્રેડિશનલ ટ્રાઈબલ લોંગ સ્કર્ટ અને મેક્સીની ભારે ડિમાન્ડ છે.
પગરખામાં ટ્રાઈબલ ડિઝાઈન
જો સંપૂર્ણ ટ્રાઈબલ ટ્રેડિશનલ પખરખાં તમને પસંદ હોય તો ટ્રાઈબલ ચાખડી કે મોજડી માર્કેટમાં મળે જ છે, પણ જો તમને આધુનિક પગરખાંમાં ટ્રાઈબલ લુક જોઈતો હોય તો આજકાલ મોજડી, ચંપલ, સ્લિપર્સ, શૂઝમાં પણ ટ્રાઈબલ ડિઝાઈન માર્કેટમાં મળી રહે છે. આ ઉપરાંત તમે જાતે પણ તમારા ચંપલને ટ્રાઈબલ પ્રિન્ટથી પેઈન્ટ કરી શકો છો.
એક્સેસરીઝ અને ઘરેણા
ટ્રાઈબલ જ્વેલરી સામાન્ય રીતે ડેલિકેટ હોતી નથી અને વધુ ચળકતી પણ હોતી નથી. મોટા મણકા, દોરાથી બનેલી ટ્રાઈબલ જ્વેલરી જોકે કોઈને પણ શોભે છે. મોટા મણકામાં ટ્રાઈબલ પ્રિન્ટ કરીને તમે જાતે પણ ટ્રાઈબલ જ્વેલરી તૈયાર કરી શકો છો. ગળામાં માળા, કાનમાં લટકણિયા કે ટોપ્સ, હાથમાં કડું, બ્રેસલેટ કે બંગળી, પગમાં પાયલમાં ટ્રાઈબલ પ્રિન્ટ સુંદર લાગે છે.
એક્સેસરીમાં પણ ટ્રાઈબલ પ્રિન્ટ આજકાલ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. મણકા પર ટ્રાઈબલ પ્રિન્ટના બેલ્ટ, હાથમાં પહેરવાના આ પ્રકારના બેલ્ટ, માથાના બક્કલ ખૂબ જ લોકપ્રિય છે.
કેટલીક ટિપ્સ
• યુવતીઓ કે મહિલાઓને જો વેસ્ટર્ન કમ્ફર્ટેબલ આઉટફિટ કે એક્સેસરીઝ સાથે ટ્રાઈબલ પ્રિન્ટનું મેચિંગ કરવું હોય તો આજકાલ માર્કેટમાં ટ્રાઈબલ પ્રિન્ટના તૈયાર પેચ કે બ્રોચ મળી રહે છે. જેને માનુનીઓ આઉટફિટ કે એક્સેસરી સાથે મેચ કરીને પિન કે સ્ટીચ કરી શકે છે.
• જો તમને પોતાને કંઈક ઈનોવેટિવ કરવાનો શોખ હોય તો આઉટફિટ, ઘરેણા, ચંપલ કે પર્સ મોબાઈલ કવર જેવી એક્સેસરી પર ફૂમતાં, પેઈન્ટ કે ભરતકામ કરીને તેને ટ્રેડિશનલ ટ્રાઈબલ લુક આપી શકો છો.
• મિક્સ એન્ડ મેચ કરવું હોય તો આઉટફિટ ભલે વેસ્ટર્ન હોય પણ ગળામાં ટ્રાઈબલ પ્રિન્ટ ધરાવતી મોટા મોતી કે મણકાની માળા પહેરી શકાય છે. પગમાં ટ્રાઈબલ મોજડી પણ ધારણ કરી શકાય છે. જેનાથી એથનિક લુક પણ મળી રહેશે. કપડાં મોડર્ન હોય પણ મોજડી, જૂતી, બેંગલ્સ, પર્સ, મોબાઈલ કવર જેવા ઘરેણા કે એક્સેસરી ટ્રાઈબલ ડિઝાઈનવાળી હશે તો ઈન્ડો ટ્રેડિશનલ વેસ્ટર્ન લુક મળશે.