રોપરઃ હરિયાણાના રોપરની માત્ર સાત જ વર્ષની બાલિકા સાન્વી સૂદે આફ્રિકાના સૌથી ઊંચા શિખર (5,895મીટર) માઉન્ટ કીલીમાન્જારોને સર કરીને વિક્રમ સર્જયો છે. આ પૂર્વે તે ગયા જૂન મહિનામાં માઉન્ટ એવરેસ્ટના 5,364 મીટર ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પ સુધી પહોંચી હતી.
પર્વતારોહકો કહે છે કે માઉન્ટ કીલીમાન્જારો ઉપરની ચઢાઈ, હિમાલયના શિખરો ઉપરની ચઢાઈ જેટલી ટેકનિકલી મુશ્કેલ તો નથી જ, પરંતુ આટલી ઊંચાઈ, ઓછું ઉષ્ણતામાન અને વારંવાર આવતા પવનના પ્રચંડ સૂસવાટાના લીધે આ સાહસ મુશ્કેલ બની રહેતું હોય છે. આ સાથે ઋતુ સાથે એકરૂપ થવું (એક્લાઈમેટેશન) પણ અત્યંત જરૂરી છે. અનુભવી અને પીઢ તેમજ શારીરિક રીતે સક્ષમ તેવા પર્વતારોહકોને પણ હાઈ ઓલ્ટીટ્યુડ સિકનેસ (ઊંચાઈની બીમારી) લાગે છે. વળી, કીલીમાન્જારોની ચઢાઈ એટલા માટે પણ કઠિન છે કે તેમાં ઊભી કરાડો ચઢવી પડે છે. જોકે સાન્વીએ આ બધા પડકારોનો સામનો કરીને લક્ષ્ય હાંસલ કર્યું છે.
સાન્વીએ તેના હોટેલિયર પિતા દીપક સૂદ સાથે ચડાઈ શરૂ કરી હતી અને લેમોશો રૂટ દ્વારા તે કીલીમાન્જારોના શિખરે પહોંચી હતી.
રોપર પોતાના માદરે વતન પહોંચ્યા પછી સાન્વીએ પત્રકારોને જણાવ્યું હતું કે ચઢાઈ દરમિયાન તેને કેટલીક વાર ભય પણ લાગ્યો હતો અને ઉબકા પણ આવતા હતા, પરંતુ મારા પિતાએ મને સતત પ્રોત્સાહિત કરે રાખી હતી તેથી જ હું આ કઠીન સિદ્ધિ પ્રાપ્ત કરી શકી છું.
ઉલ્લેખનીય છે કે વિષુવવૃતની નજીક રહેલા માઉન્ટકેન્યા (5200 મીટર) અને માઉન્ટ કીલીમાન્જારો જ તેવા શિખરો છે કે જેની ઉપર હીમમુકુટ હોય છે.