આર્જેન્ટિનાની સંસદમાં ગર્ભપાતને કાયદેસર ઠરાવતો ખરડો ૩૦મી ડિસેમ્બરે પસાર થયો હતો. હવેથી આર્જેન્ટિનામાં ૧૪ અઠવાડિયામાં સ્વૈચ્છિક ગર્ભપાતને મંજૂરી મળશે. ગૃહમાં આ ખરડાની તરફેણમાં ૩૮ અને વિરુદ્ધમાં ૨૯ વોટ પડ્યા હતા. આ સાથે જ આર્જેન્ટિના ગર્ભપાતને કાયદેસર મંજૂરી આપનારો લેટિન અમેરિકાનો પહેલો દેશ બની ગયો છે. આર્જેન્ટિનાની મહિલાઓ આ ખરડા માટે ૧૫ વર્ષથી આંદોલન કરી રહી હતી.
૨૬ દેશોમાં ગર્ભપાતને મંજૂરી નહીં
• ઇરાક, ઇજિપ્ત અને ફિલિપાઇન્સ સહિતના વિશ્વના ૨૬ જેટલા દેશ એવા છે કે જ્યાં કોઇ પણ સંજોગોમાં ગર્ભપાતને મંજૂરી નથી. વિશ્વની ૫% વસતી એટલે કે અંદાજે ૯ કરોડ મહિલાઓ આ દેશોમાં રહે છે.
• બ્રાઝિલ, મેક્સિકો અને ઇરાન સહિત ૩૯ દેશમાં ગર્ભવતી સ્ત્રીને જીવનું જોખમ હોય તો જ ગર્ભપાત કરાવી શકાય છે. તે અંગેનો નિર્ણય ડોક્ટર લે છે, સગર્ભા પોતે નહીં. વિશ્વની ૨૨% વસતી એટલે કે ૩૫ કરોડ મહિલાઓ આવા દેશોમાં રહે છે.
• પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને થાઇલેન્ડ સહિત ૫૬ દેશમાં ગર્ભપાતની મંજૂરી મળી છે, પણ ગર્ભવતી સ્ત્રીએ સાબિત કરવું પડે છે કે ગર્ભાવસ્થા તેના માટે ઠીક નથી. વિશ્વની ૧૪% એટલે કે ૨૪ કરોડ મહિલાઓ આવા દેશોમાં રહે છે.
• ભારત, બ્રિટન અને ફિનલેન્ડ સહિત ૧૪ દેશ સગર્ભાની સ્થિતિ મુજબ તેને એ નક્કી કરવાનો અધિકાર આપે છે કે તે બાળકને જન્મ આપવા માગે છે કે નહીં? ૨૩% એટલે કે ૩૮ કરોડ મહિલાઓ આ દેશોમાં રહે છે.