‘છોને વેળું વ્યાપ્તિ વર્તમાને,
આશા દેખું હું આવતી પેઢીઓમાં’
અર્થ છે વર્તમાનમાં ભલે ધૂળની ડમરી ચઢે. પૂરું ના દેખાય છતાં આવતીકાલની નવી પેઢીમાં ઊજળી આશા દેખાય છે. આ વાત કદાચ શૈલી પટેલને ભારતીય સંસ્કાર જાળવણીની બાબતમાં પશ્ચિમી જગતમાં, અમેરિકામાં લાગુ પાડી શકાય. આજે લોકો એમ કહે છે. ભારતમાંથી જે અમેરિકા જાય તે ખાવા-પીવા અને વર્તનમાં ભારતીય મટી જાય. પૈસા પાછળ દોડે, બીજાની પરવા ના કરે. શૈલી આ માન્યતા ખોટી ઠરાવે તેવું વ્યક્તિત્વ ધરાવે છે.
બ્રિસ્ટોલ વર્જિનિયામાં શૈલી રહે છે. અમેરિકામાં જન્મેલી શૈલી આજે ૨૦ વર્ષની યુવતી છે. એટલાન્ટાની એમરી યુનિવર્સિટીમાં, કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. શૈલી અભ્યાસમાં તેજસ્વી હોવાથી તેને છેલ્લાં ત્રણ વર્ષથી વર્ષે સત્તાવીસ હજાર ડોલરની સ્કોલરશિપ મળે છે. જે હજી વધુ એક વર્ષ મળશે. જો અભ્યાસમાં ગ્રેડ ના જાળવી રાખે તો સ્કોલરશિપ બંધ થાય. શૈલીને મળતી સ્કોલરશિપ કરતાંય ઘણી ઓછી આવક કમાનાર લાખો કાળા-ગોરા અમેરિકનો છે. શૈલી એની કોલેજના ત્રિમાસિકમાં લેખક તરીકે સ્વીકૃત થઈ છે. આ માસિકમાં ભારતના સંશોધન પ્રોજેક્ટ છપાયા છે. કોલેજની વિવિધ પ્રવૃત્તિઓમાં શૈલી ભાગ લે છે, જેમાં ગરબા, નૃત્ય વગેરેનો સમાવેશ થાય છે.
શૈલી એપાર્ટમેન્ટમાં રહે છે. પોતે શાકાહારી હોવાથી પોતાની રસોઈ જાતે બનાવે છે. શાકાહારી શૈલી વચ્ચે કોલેજના અભ્યાસના ભાગરૂપે કોસ્ટારિકા ગઈ અને ત્યાંના સ્થાનિક પરિવારમાં એક અઠવાડિયું રહી આવી. કોસ્ટારિકામાં આવતા નિકારાગુઆના હિજરતીઓની પ્રગતિમાં આવતા અવરોધોનું સંશોધન કરવાનો તેનો હેતુ હતો.
શાકાહારથી તદ્દન અજાણ્યા પરિવારમાં રહીને પોતાનો સંશોધન પ્રોજેક્ટ કરવાનું ગુજરાતી યુવતી માટે અઘરું કામ શૈલીએ સફળ રીતે કર્યું.
આઠ વર્ષની વયે શૈલીએ ટીવીમાં સુનામીની ભયાનક યાતના જોઈ. ઘરવિહોણાં, મેલાંઘેલાં, ભૂખ્યાં બાળકો જોયાં. તે દ્રવી ઊઠી. એનો જન્મદિવસ આવતાં, તેણે ઊજવણીની ના પાડી અને બચે તે રકમ સુનામી પીડિતોને આપવા કહ્યું. આમ શૈલી બાળપણમાંથી જ બીજાના દુઃખ પ્રત્યે સંવેદનશીલ સ્વભાવ ધરાવે.
હાઈસ્કૂલમાં અગિયારમા ધોરણમાં હતી ત્યારે અમેરિકન હાર્ટ એસોસિએશનના ઉપક્રમે વર્જિનિયાની શાળાઓના ફંડ રેઈઝિંગ કાર્યક્રમમાં એની શાળા પણ જોડાઈ હતી. શૈલીએ એકલે હાથે સગાં-સંબંધી, પરિવારના મિત્રો અને અજાણ્યા લોકો પાસેથી મોલ અને સ્ટોર્સમાં વહેલા મોડા જઈને ૨૩,૦૦૦ ડોલરની રકમ ભેગી કરી. સમગ્ર ફંડ રેઈઝિંગ પ્રવૃત્તિમાં પ્રથમ નંબરે આવતાં એસોસિએશને તેને હાર્ટક્વીનનો તાજ પહેરાવીને સન્માની. શૈલીમાં એના પિતા હેતલની જેમ વિના બોલ્યે, બીજાને મદદ કરવાનો અને પારકાના દુઃખે દુઃખી થવાનો ગુણ છે. સાથે ભણતા વિદ્યાર્થીઓને તે એક કે બીજી રીતે મદદ કરતી રહે છે.
માતા તૃપ્તિ પટેલનો સંગીત અને નૃત્યનો શોખ એને વારસામાં મળ્યો છે. ત્રણ વર્ષની વયે ગુજરાતી સમાજના દિવાળી મિલનમાં તેણે વિના ક્ષોભે નૃત્ય કર્યું હતું અને પછીનાં ઘણાં વર્ષ દર વર્ષ એ નૃત્ય કરી રહી. વખત જતાં કોલેજના ગરબા અને નૃત્યમાં તેણે ભાગ લીધો છેઃ બુગીવુગી નામની રાષ્ટ્રવ્યાપી નૃત્યસ્પર્ધામાં તે વર્જિનિયા રાજ્યમાંથી જીતીને રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થઈ હતી. પિયાનો, બ્યુગલ અને બીજા વાદ્યોમાં તેનો હાથ બેસી ગયો છે.
વોલીબોલ, ટેનિસ અને બેઈઝ બોલમાં શાળામાં ખેલાડી હતી. અંગ્રેજીમાં સ્પેલિંગ બીની સ્પર્ધામાં એ જીતી હતી.
બ્રિસ્ટોલ સિટીની સૌથી મોટી હોસ્પિટલમાં સતત સાત વર્ષનાં બધાં વેકેશનમાં તેણે સ્વયંસેવક તરીકે જઈને દર્દીઓને, ડોક્ટરોને સેવાભાવે મદદરૂપ બની રહી છે. દર્દીઓને વ્હિલચેરમાં લઈ જવા - લાવવાનું કામ, દર્દીઓને એક્ષ-રે રૂમમાં લઈ જવાનું, નવા કેસ કાઢવા માટેનાં ફોર્મ ભરી આપવાનું, દુઃખી દર્દીઓને વાતોથી દિલાસો આપવાનું, પથારીમાંના દર્દીને હલનચલનમાં મદદ કરવાનું વગેરે કામ તે કરતી.
શૈલીને પોતાનું કામ પોતે કરવાનું ગમે છે. વેકેશનમાં ઘેર આવે ત્યારે પણ પોતાનાં કપડાં ધોવાનું, રૂમને ગોઠવવા અને સાફ કરવાનું, પથારી સરખી કરવાનું જાતે કરે છે. રસોઈ અને વાસણ સફાઈમાં મમ્મીને મદદ કરે છે. બધાં સાથે હળીમળીને રહેવાના સ્વભાવથી વિદેશમાંના ભારતીય સમાજમાં શૈલી જેવી યુવતી આવતીકાલ ઊજળી આશા છે.