ન્યૂ યોર્ક: ભારતની હરનાઝ સંધુ મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને જગતભરમાંથી પ્રશંસા મેળવી રહી છે. દુનિયાની આ સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધા પ્રત્યે લોકોમાં ભારે આકર્ષણ રહે છે, પણ આ ખિતાબ જીતવા પાછળ આકરી મહેનત પણ કરવી પડે છે તે ભાગ્યે જ કોઇ ધ્યાનમાં લે છે. મિસ યુનિવર્સમાં ભાગ લેનારા સ્પર્ધકોએ આઠ કલાકની બ્યુટી સ્લીપને ગુડ બાય કહેવું પડે છે. સ્પર્ધકોનું શિડ્યુલ અત્યંત વ્યસ્ત રહે છે. દરરોજ ૧૮ કલાકનું રિહર્સલ, વર્કઆઉટ અને સવાલ-જવાબોની તૈયારી કરવી પડે છે. સાથે જ એ પડકાર પણ રહે છે કે ઓછી ઊંઘને કારણે ચહેરા પર થાક દેખાય નહીં.
ખિતાબ જીત્યો એટલે વાત પૂરી થઇ ગઇ એવું પણ નથી. પછીના ૩૬૫ દિવસ વિનર અત્યંત વ્યસ્ત રહે છે. સેંકડો ઈન્ટરવ્યૂ, ગેસ્ટ એપિરિયન્સ, ઈવેન્ટ હોસ્ટ, ટ્રાવેલ અને બ્રાન્ડ મિસ યુનિવર્સના પ્રમોશનલ કામ કરવા પડે છે અને આ બધા કામ ચહેરા પર એક સ્માઈલ સાથે કરવા પડે છે.
સ્પર્ધા દરમિયાન પણ આકરા નિયમોનું પાલન કરવાનું રહે છે. કોઈ પણ સ્પર્ધકને વિવાદિત ટિપ્પણી કરવાની છૂટ નથી હોતી. જે દેશો સાથે સંબંધો સારા નથી એ દેશોની સ્પર્ધકો સાથે ફોટા પણ ન પડાવી શકે. મિસ ઈઝરાયલ અને મિસ જોર્ડનનો એક આવો જ ફોટો વિવાદમાં રહ્યો હતો. કોઈ પણ સ્પર્ધક કોઈ પણ મુદ્દે કટ્ટરપંથી વિચારધારાવાળા જવાબ આપી શકે નહીં. મિસ યુનિવર્સ સ્પર્ધાના તમામ છ રાઉન્ડનું ટીવી પર લાઇવ ટેલિકાસ્ટ થાય છે. એટલે કે કોઈ પણ ભૂલ આખી દુનિયામાં લાઈવ જોવાય છે. એક સ્પર્ધક એક જ વખત મિસ યુનિવર્સમાં ભાગ લઈ શકે છે.
આત્મવિશ્વાસ સૌથી મહત્ત્વપૂર્ણ
આ સ્પર્ધામાં આત્મવિશ્વાસ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે. આત્મવિશ્વાસની સાથે પર્સનાલિટી અને શ્રેષ્ઠ જવાબ આપવાની ક્ષમતા જોવાય છે. ઓનસ્ક્રિન જજ ઘણી વખત સેલિબ્રિટી હોય છે, પણ વિજેતાની જાહેરાત જજોની પેનલ કરે છે. તમામ કસોટી પર ખરા ઊતર્યા બાદ વિનરની જાહેરાત કરાય છે.