આસામના સોનેરીમાં રહેતી પ્રિન્સી ગોગોઈને બંને હાથ નથી. તે પગની આંગળીથી બ્રશ પકડીને પેઇન્ટિંગ બનાવે છે. આ પેઈન્ટિંગના વેચાણથી જે આવક થાય તેનાથી તે દિવ્યાંગ બાળકો માટે આર્ટ્સ સ્કૂલ ખોલવા માગે છે.
પ્રિન્સી કહે છે કે, મુશ્કેલી કોના જીવનમાં નથી આવતી? ભગવાન મારા બંને હાથ બનાવવાનું ભૂલી ગયા, પરંતુ મેં પગથી જીવવાનું શીખી લીધું છે. આત્મવિશ્વાસથી ભરપૂર ૨૧ વર્ષીય પ્રિન્સીનો જન્મ આસામના નાના શહેર સોનારીમાં થયો હતો અને હાલમાં તે ગુવાહાટીની એક ખાનગી હોસ્પિટલમાં ફ્રન્ટડેસ્ક એક્ઝિક્યુટિવની નોકરી કરી ઘરખર્ચ પૂરો કરે છે.
પગથી લખીને પરીક્ષા આપી
પ્રિન્સીએ પગથી લખીને ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કરી છે. પ્રિન્સીને પેઈન્ટિંગ, સિંગિગ અને સ્પોર્ટ્સનો શોખ છે. પગની આંગળીથી બ્રશ પકડી પ્રિન્સીએ તૈયાર કરેલું ગણેશનું પેઈન્ટિંગ ખૂબ જ વખણાયું છે. આ ચિત્ર ૩૦ હજાર રૂપિયામાં વેચાયું છે. પ્રિન્સી કહે છે કે તે આ પ્રકારે ચિત્રો વેચીને સારી એવી રકમ ભેગી કરીને દિવ્યાંગ બાળકો માટે આર્ટ્સ સ્કૂલ શરૂ કરવા માગે છે. જેથી બાળકો સ્કૂલમાં તેમને ગમતી પ્રવૃત્તિ કરી શકે.
શાળામાં પ્રવેશ મળ્યો નહોતો
પ્રિન્સીએ કહ્યું કે, તેને એક સરકારી શાળામાં ધોરણ-૫માં એટલા માટે પ્રવેશ મળ્યો નહોતો કેમકે તેના બંને હાથ નહોતા. એક શિક્ષકે તેની માતાને કહ્યું હતું કે, તેઓ માનસિક રોગી બાળકોને પ્રવેશ આપતા નથી, પરંતુ એક દરવાજો બંધ થાય છે તો ઈશ્વર બીજો ખોલી નાંખે છે. ગામની જ એક વ્યક્તિની મદદથી મારો પ્રવેશ એક ખાનગી શાળામાં થયો. ત્યાંથી મેં ધોરણ-૧૦ પાસ કર્યું.
રોજ પોતાને પૂછો
પ્રિન્સી કહે છે કે મારી સફળતાનો મંત્ર એવો છે કે રોજ પોતાને સવાલ કરતા રહો કે આજે મારે શું સારું કામ કરવું છે? એવું કોઈ કામ નથી કે જે થઈ ના શકે. જ્યારે તમે એવો વિશ્વાસ વ્યક્ત કરો કે તમે કોઈપણ કામ કરી શકો છો તો તમારું મગજ એ પૂરું કરવાની રીત શોધી કાઢે છે. કોઈ કામનો કોઈ રસ્તો તો છે. આવું વિચારવાથી રસ્તો નીકળી આવે છે. આ કામ નહીં થઈ શકે, હું આ નહીં કરી શકું, પ્રયત્ન કરવાથી કોઈ ફાયદો નથી. જેવા વાક્યો જીવનમાંથી કાઢી નાંખો. પોતાની જાતને રોજ પૂછો કે, હું કઈ રીતે વધુ સારી રીતે કામ કરી શકું છું? જ્યારે તમે પોતાની જાતને આ પૂછો છો ત્યારે તેનો સારો જવાબ તમારી સામે આવશે. આમ કરી જુઓ. પોતાના કામની ગુણવત્તા સુધારો જ કરો. રોજ જેટલું કામ કરતા હો તેનાથી વધુ કરો. આ માટે પૂછવાની અને સાંભળવાની ટેવ પાડો. યાદ રાખો મોટા લોકો સતત સાંભળે છે. નાના લોકો સતત બોલે છે.