લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ગર્ભપાત તથા માતૃત્વ ધારણ કરવા અંગે જાહેર આંકડાકીય માહિતી અનુસાર ગર્ભપાતના વધતા કિસ્સાઓને કારણે માતૃત્વ ધારણ કરતી મહિલાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લાં બે દાયકામાં ૧૮ વર્ષથી ઓછી વયની યુવતીઓમાં સગર્ભા થવાનો દર ૬૦ ટકાથી પણ નીચે ઉતર્યો હતો. ગર્ભ ધારણ કર્યાના ત્રીજા જ મહિને ગર્ભપાત કરાવનારી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ગર્ભાવસ્થા ધારણ કરનારી કુલ મહિલાઓમાંથી ૨૪ ટકા મહિલાઓએ પ્રસૂતિ અગાઉ જ ગર્ભપાત કરાવ્યો હતો. આ પ્રમાણ ૨૦૧૭માં ૨૨.૭ ટકા હતું એટલે કે, તેમાં વધારો નોંધાયો હતો. ૨૦૧૭માં માતૃત્વ ધારણ કરવાનો આંકડો ૮૪૭,૨૦૪થી એક ટકાના ઘટાડા સાથે ૮૩૯,૦૪૩ થયો હતો. ૨૦૧૮માં, ઇંગ્લેન્ડ અને વેલ્સમાં માતૃત્વ ધારણ કરવાનો દર ૨૦૦૪ પછીના સૌથી નીચા સ્તરે ગયો હતો, જ્યારે કાનૂની ગર્ભપાત તરફ દોરી જતું પ્રમાણ, ૧૯૯૦માં રેકોર્ડ-નોંધણી શરૂ થયાના ઉચ્ચતમ તબક્કે પહોંચ્યું હતું.
સંભવિત માતાઓ સંતાનપ્રાપ્તિમાં વિલંબ કરતી હોવાથી સળંગ ત્રીજા વર્ષમાં ફક્ત ૪૦ અને તેથી વધુ વર્ષની વયની મહિલાઓ દ્વારા માતૃત્વ ધારણ કરવામાં વધારો જોવાયો હતો. બીજી તરફ, યુવાન મહિલાઓમાં ગર્ભાવસ્થામાં વિરોધાભાસી ઘટાડો છે. ૧૯૯૯થી ૧૮ વર્ષથી ઓછી વયની મહિલાઓના માતૃત્વ દરમાં ૬૨.૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડાશાસ્ત્રી ડેવિડ કોર્પ્સના જણાવ્યા મુજબ ૧૯૬૯માં રેકોર્ડ શરૂ કરાયા પછી ૧૮ વર્ષથી ઓછી વયની સ્ત્રીઓના માતૃત્વ દરમાં આટલી લાંબો ઘટાડો થયો નથી.