તેજતર્રાર સ્ક્વોડ્રન લીડર મોહના સિંહ ભારતનાં હવાઇ સીમાડાનું રક્ષણ કરતી ઇંડિયન એરફોર્સની તેજસ ફાઇટર સ્ક્વોડ્રનનો ભાગ બનનાર દેશનાં પ્રથમ મહિલા પાઇલટ બન્યાં છે. તેઓ જૂન 2016માં ભારતીય વાયુસેનામાં કમિશન કરાયેલી પ્રથમ ત્રણ મહિલા ફાઇટર પાઇલટમાંના એક છે. ગુજરાત અને કચ્છ માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે પાઇલટ મોહના સિંહને નલિયાસ્થિત નંબર 18 ફ્લાઇંગ બુલેટ સ્ક્વોડ્રન સોંપવામાં આવી છે.
સ્ક્વોડ્રન લીડર મોહના સિંહે તાજેતરમાં પૂર્ણ થયેલી ‘તરંગ શક્તિ’ મલ્ટીકોમ્બેટ હવાઈ યુદ્ધ કવાયતમાં ભાગ લીધો હતો. તેઓ અગાઉ રાજસ્થાનના નાલ ખાતે આવેલી નંબર-3 ફાઇટર સ્ક્વોડ્રનમાં કાર્યરત હતાં. જ્યાં તેઓ મિગ-21 બાઇસન ઉડાવી રહ્યા હતાં.
ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે પ્રાયોગિક ધોરણે મહિલાઓ માટે ફાઇટર જેટ સ્ટ્રીમ ખોલવાનું નક્કી કર્યાના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં, તેઓને 2016માં ભારતીય વાયુસેનામાં કમિશન કરવામાં આવ્યા છે.
વર્ષ 2022માં, સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે IAFમાં મહિલા ફાઇટર પાઇલટ્સને સામેલ કરવા માટેની પ્રાયોગિક યોજનાને હવે કાયમી ધોરણે લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે 2019માં 30 મેના રોજ હોક એરક્રાફ્ટમાં ઉડાન ભરીને મોહના સિંહ હોક એરક્રાફ્ટ પર ઉડાન ભરનાર ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા પાઈલટ બન્યાં હતાં. વર્ષ 2020માં ‘નારી શક્તિ એવોર્ડ’થી સન્માનિત ત્રણ ફ્લાઈટ લેફ્ટનન્ટમાં મોહના સિંહ પણ એક હતાં