નવી દિલ્હી: એક સમયનાં મહાન દોડવીર અને ‘ઉડન પરી’ના જાણીતા પી.ટી. ઉષાને ઇંડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ)ના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ સાથે જ ભારતીય રમત પ્રશાસનમાં એક નવા યુગની શરૂઆત થઈ છે એમ કહી શકાય. તેઓ આ સંગઠનનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા છે. 58 વર્ષીય ઉષાએ એશિયન ગેમ્સમાં બહુવિધ મેડલ જીત્યા હતા અને 1984 લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમમાં 400 મીટર હર્ડલ્સમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. પી.ટી. ઉષાને આ ટોચના હોદ્દા પર બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. આ ચૂંટણી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ નાગેશ્વર રાવની દેખરેખમાં યોજાઇ હતી. પી.ટી. ઉષા પ્રમુખપદે ચૂંટાતાં આઇઓએમાં જૂથબંધી રાજનીતિને કારણે ઊભી થયેલા સંકટનો પણ અંત આવ્યો છે.
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઇઓસી)એ આ મહિને આઇઓએને ચૂંટણી નહીં કરવા બદલ ચેતવણી પણ આપી હતી. આ ચૂંટણીઓ ડિસેમ્બર 2021માં યોજાવાની હતી. ઉષાની ટોચના પદ માટે ગયા મહિને જ નક્કી થઈ ગયા હતા કારણ કે તે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવનાર એક માત્ર ઉમેદવાર હતા. જુલાઈમાં સત્તાધારી ભાજપ દ્વારા રાજ્યસભામાં નામાંકિત કરાયેલા ઉષાનો કોઈએ વિરોધ કર્યો ન હતો. 'પાયોલી એક્સપ્રેસ' અને ‘ઉડન પરી’ તરીકે જાણીતા ઉષાને ભાજપના પ્રતિનિધિ તરીકે જોવામાં આવી રહ્યા હતા.
આઇઓએના 95 વર્ષના ઈતિહાસમાં પ્રમુખ બનનાર તેઓ પ્રથમ ઓલિમ્પિયન અને પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલવિજેતા છે. આ સાથે તેમની સિદ્ધિઓમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. ઉષાએ 2000માં નિવૃત્તિ લેતા પહેલા બે દાયકા સુધી ભારતીય અને એશિયન એથ્લેટિક્સમાં પ્રભુત્વ જમાવ્યું હતું. ઉષા દેશનું પ્રતિનિધિત્વ કરનારાં પ્રથમ ખેલાડી છે. આ સાથે તેઓ મહારાજા યાદવેન્દ્ર સિંહ પછી આઇઓએના પ્રમુખ બનનાર પ્રથમ ખેલાડી પણ છે. યાદવેન્દ્ર સિંહે 1934માં એક ટેસ્ટ મેચ રમી હતી. તેઓ 1938થી 1960 સુધી આઇઓએના પ્રમુખ હતા.