મુંબઇ: લાઇટ સ્પોર્ટ એરફ્રાક્ટ (LSA)માં એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ઓળંગવાની સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ મહિલા પાઇલટ આરોહી પંડિત હવે ઇતિહાસની સોનેરી યાદ તાજી કરશે. જે.આર.ડી. ટાટાએ ૧૯૩૨માં ભારતની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટનું ઉડ્ડયન કર્યું હતું તે ઐતિહાસિક ઘટનાનું ૧૫ ઓક્ટોબરે આરોહી પંડિત પુનરાવર્તન કરશે.
ભારતના સિવિલ એવિએશન ક્ષેત્રના પિતામહ ગણાતા જે.આર.ડી. ટાટાએ ૧૫ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ કરાચીથી મુંબઈ સુધી મેઇલ લઈને ટાટા એર સર્વિસિસની પ્રથમ ફ્લાઇટનું પાઇલટ તરીકે ઉડ્ડયન કર્યું હતું. આ ફ્લાઇટ માટે સિંગલ એન્જિનના ડી હેવિલેન્ડ પસ મોથ વિમાનનો ઉપયોગ થયો હતો.
આ વિશેષ ફ્લાઇટનું આયોજન કરનાર ઇન્ડિયન વીમેન પાઇલટ્સ એસોસિયેશન (આઇડબ્લ્યુપીએ)ના જણાવ્યા પ્રમાણે ૧૫ ઓક્ટોબરે આરોહી પંડિત ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે કચ્છના માધાપર ગામની મહિલાઓએ ૭૨ કલાકમાં પુનઃ નિર્માણ કરેલા ભુજ રન-વે પરથી ઉડ્ડયન કરીને અમદાવાદ પહોંચશે. અહીંથી તેઓ મુંબઈના જૂહુ ખાતેના ભારતના પ્રથમ સિવિલ એરપોર્ટમાં ઉતરાણ કરશે. આરોહી પંડિત પરંપરાગત વોટર સેલ્યુટ બાદ વિમાનને જૂહુ એરોડ્રામના ટાટા પાવર હેન્ગર સુધી વિમાનને લઈ જશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં ભારતમાં મહિલા પાઇલટની ટકાવારી સૌથી વધુ છે.
મુંબઇના બોરિવલીની યુવા પાઇલટ આરોહી પંડિતે ૨૦૧૯માં એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલાનું સન્માન મેળવ્યું હતું. આ ફ્લાઇટમાં આરોહી પંડિત સિવાય બીજા કોઇ સભ્ય જોડાયા નહોતા. ૧૯૩૨ની ઐતિહાસિક ફ્લાઇટની ઘટનાને ફરી તાજી કરવા માટે આરોહી આ જ વિમાનનો ઉપયોગ કરશે.
આઇડબ્લ્યુપીએના મહારાષ્ટ્ર યુનિટના જણાવ્યા પ્રમાણે કચ્છથી મુંબઈના રૂટ પર મર્યાદિત ક્ષમતા ધરાવતા વિમાનમાં આરોહી પંડિત માધાપુરની ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધની મહિલા શુરવીરોનો ખાસ સંદેશ મુંબઈના ગ્રામવિસ્તાર સુધી પહોંચડાશે. ઇતિહાસની યાદ તાજી કરાવતી આ ફ્લાઇટમાં આરોહી પંડિત આશરે ૫૦૦ નોટિકલ માઇલનું અંતર પાંચ કલાકના ઉડ્ડયનમાં પૂરું કરશે. આ ઉપરાંત તેઓ ઉડ્ડયન દરમિયાન કોઇ જીપીએસ, ઓટોપાઇલટ કે કમ્પ્યૂટર આધારિત સાધનોનો ઉપયોગ નહીં કરે. સમગ્ર રૂટ પર તેઓ ૫,૦૦૦ ફૂટથી નીચી સપાટીએ ઉડ્ડયન કરશે.
આઇડબ્લ્યુપીએ પ્રેસિડેન્ટ હરપ્રીત એ.ડી. સિંહે જણાવ્યું હતું કે જે.આર.ડી. ટાટાના સન્માનમાં ઉડનારી આ ફ્લાઇટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે થયું છે. ભારતના પ્રથમ એવિયેશન જેન્ટલમેન જે.આર.ડી. ટાટાના સન્માનમાં ઉડનારી ફ્લાઇટ માટે આરોહી પંડિતની પસંદગી થઈ છે તે ગર્વની વાત છે.