આ વિશ્વની દરેક સ્ત્રીને આભૂષણો પહેરવાનો શોખ વત્તે ઓછે અંશે હોય જ છે. ખાસ કરીને ઘરના ફંક્શનમાં તો સ્ત્રીઓ બને એટલો શણગાર કરવાનું પસંદ કરે છે. એમાં હવે પામ બ્રેસલેટ પહેરવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો છે. આમ તો દરેક બ્રેસલેટ હાથના કાંડે જ પહેરવામાં આવે છે, પણ સામાન્ય રીતે પોંચી કે પોંચાનું આધુનિક સ્વરૂપ એવા પામ બ્રેસલેટ હાલમાં મહિલાઓમાં ખૂબ જ પ્રચલિત છે. અગાઉ પોંચો હથેળી પર પહેરાતો હતો. જે પાંચ આંગળીઓ બનીને પંજો થાય છે અને આ પંજા પર પહેરાતા કોઈ પણ અલંકારને પોંચો કહેવામાં આવે છે. અગાઉ બનતો આ પોંચો સિલ્વર અથવા ગોલ્ડનો રહેતો. જે હથેળીના ઉપલા ભાગમાં, આંગળીનાં પાંચ વેઢા સાથે પૂરું કાંડુ કવર કરી લે તેવું આભૂષણ હતું. જેને આજે તેને પામ એક્સેસરીઝ અથવા પામ બ્રેસલેટ કહેવામાં આવે છે અને ભારતની સાથે સાથે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પણ તેની બોલબોલા છે.
આમ જોવા જઈએ તો અનેક ડિઝાઈનના પામ બ્રેસલેટ મળી રહે છે, પણ ખાસ પ્રસંગે જ તે પહેરાય છે કારણ કે રોજિંદી જિંદગીમાં હાથમાં આ ઘરેણું પહેરીને રોજિંદું કામ કરવું સરળ હોતું નથી. જોકે પામ બ્રેસલેટમાં એના માટે પણ એક ઓપ્શન એ છે કે ડેલિકેટ અને જાણે હાથમાં પહેર્યું ન હોય એવું લાઈટ પામ બ્રેસલેટ બનાવડાવવું અને પહેરવું. આમ જોવા જઈએ તો હાલમાં માર્કેટમાં અનેક જાતભાતના પામ બ્રેસલેટ મળે છે.
મણકા પામ બ્રેસલેટ
આજકાલ મહિલાઓ વિવિધ પ્રકારના મણકાઓની માળાઓ પૂરા કાંડે વિંટાળે છે. આ માળામાંથી જ એક વીંટો ક્રોસ કરીને કોઈ આંગળીમાં વીંટી શકાય એ પ્રકારે બ્રેસલેટ બનતા થયા છે. આ એક વીંટો જે આંગળીમાંથી વીંટાળીને લેવાનો હોય તેના મણકા પણ ખાસ અલગ ડિઝાઈન કરીને અનોખું પામ બ્રેસલેટ બનાવી શકાય છે.
બેંગલ બ્રેસલેટ
બંગડી પામ બ્રેસલેટ પણ હાલમાં ઇનટ્રેન્ડ છે. ગોલ્ડ, સિલ્વર કે વ્હાઈટ મેટલની બંગડીમાં કોઈ પણ સેર અને વીંટી બનાવડાવીને બંગડી પામ બ્રેસલેટ બનાવી શકાય છે. આ બ્રેસલેટ ફોલ્ડિંગ પણ બની શકે છે. બંગડીઓનો જથ્થો હાથમાં પહેરીને એક ચેઈનથી આખા જથ્થાને કાંડામાં બાંધીને બીજા છેડે વીંટી પણ નાવી શકાય છે. તો કોઈ વળી રંગબેરંગી સ્ટોન બ્રેસલેટની જેમ પહેરીને સેટ કાંડે બાંધીને એક છેડો વીંટીમાં બાંધી વીંટી આંગળીમાં પહેરે છે. અમિતાભ બચ્ચન કે સલમાન ખાન જેવું ચાંદીનું નંગવાળા બ્રેસલેટમાં ચેઈન પરોવીને એક ચેઈન એમાં બાંધી એ ચેઈનમાં વીંટી પરોવી એ વીંટી ગમતી આંગળીમાં પહેરી શકાય છે.
બીડ્ઝ પામ બ્રેસલેટ
પામ બ્રેસલેટમાં અત્યારે ફેશનઈન છે બીડ્ઝની સેર કાંડે બાંધવી. ખાસ કરીને કાળા બીડ્સનો ટ્રેન્ડ વધુ જોવા મળે છે. આ બીડ્ઝ બ્રેસલેટ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફિટ બંને ઉપર પહેરી શકાય છે. પાર્ટી, ફંક્શન, લગ્ન અથવા તો કેઝયુઅલ રીતે પણ બીડ્ઝ બ્રેસલેટ પહેરી શકો છો. આજકાલ પહેરાતું બીડ્ઝ બ્રેસલેટ છેલ્લા કેટલાક માસથી ફેશન માર્કેટમાં દેખાય છે, પરંતુ તે અગાઉ જપમાળા ખરીદીને ફેશનેબલ માનુનીઓ પોતાના કાંડે બાંધતી હતી.
આ પામ બીડ્સ બ્રેસલેટ ટુ ઈન વન જ્વેલરી તરીકે ઓળખાય છે. જે ગાઉન, વનપીસ, સ્કર્ટ, પ્લાઝો તથા આજકાલના કોઈ પણ ડ્રેસ સાથે પહેરાય છે. જે તમને સ્માર્ટ લુક આપે છે. આ એક્સેસરીઝને કેટલાંક ફેશનપરસ્ત લોકો ફ્યુઝન જ્વેલરી પણ કહે છે.
દરેક પામ બ્રેસલેટમાં હાર્ટ, ફ્લાવર, ફેધર અને સ્નેકના આકારની પૂરું કાંડુ ભરાઈ જાય તે રીતે રિંગ આકારમાં પણ મળે છે, હવે તેનો ટ્રેન્ડ પણ ચાલુ થયો છે. પામ બ્રેસલેટમાં એન્ટિક લુક આપતાં અનેક બ્રેસલેટ આજની માનુનીઓ પહેરે છે, પણ ઉપર જણાવેલ બીડ્સ અને સ્નેક બ્રેસલેટનું ચલણ વધુ જોવા મળે છે. આમાંના બધા બ્રેસલેટ તમે ગમે ત્યારે પહેરી શકો છો અને સ્માર્ટ લુક મેળવી પણ શકો છો.