તહેરાનઃ ઇસ્લામિક દેશ ઇરાનમાં હિજાબની પરંપરાનો જબરજસ્ત વિરોધ કરતાં મહિલાઓ પોતાના નકાબ ઉતારીને વાળ છુટ્ટા કરીને રસ્તાઓ પર દેખાવો કરવા આવી ગઈ છે. સરકારે તેમની સામે લશ્કર ઉતાર્યું છે. આમ તો હિજાબના વિરોધમાં અહીં અવારનવાર દેખાવો થતા રહે છે. પરંતુ આ વખતના દેખાવો દેશવ્યાપી બન્યા છે.
એક તરફ જ્યારે કર્ણાટકની સ્કૂલ-કોલેજોમાં હિજાબને છૂટ આપવાની મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા માગણી ઊઠી રહી છે ત્યારે બીજી તરફ મુસ્લિમ બહુમત ધરાવતા દેશ ઈરાનમાં મહિલાઓ હિજાબથી મુક્તિની માગણી સાથે રસ્તા પર ઉતરી કરી રહી છે. એટલું જ નહીં, હિજાબ ઉતારતાં વીડિયો પણ બનાવી રહી છે. જેના પગલે આ મામલો સમગ્ર દેશમાં અને મુસ્લિમ દેશોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
ઈરાનના રાષ્ટ્રપતિ અને સરકાર દ્વારા હિજાબને ફરજિયાત કરાયો છે જેના પગલે આ મહિલાઓ વીડિયો બનાવીને સરકાર અને રાષ્ટ્રપતિનો જ વિરોધ કરવા લાગી છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી એક મૌલાના પણ છે. સાથે સાથે જ તેમને ઈરાનના મોટાભાગના રૂઢીવાદીઓનું સમર્થન છે. જોકે, દેશની યુવાપેઢી રૂઢીવાદથી બહાર નીકળીને ખુલ્લેઆમ તેનો વિરોધ કરી રહ્યા છે.
યુવાપેઢીનું કહેવું છે કે ઈરાનમાં હિજાબ માટેનો જે કાયદો છે તેનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી રહ્યું છે. મહિલાઓ અને યુવાઓ દ્વારા હિજાબનો વિરોધ થઈ રહ્યો હોવાથી સરકાર આ વિરોધને અટકાવવામાં લાગી ગઈ છે અને અનેક લોકોની અટકાયત થઈ રહી છે. હાલ પ્રશાસન એવા લોકોને શોધી રહ્યું છે કે જે હિજાબનો વિરોધ કરતા હોય, સાથે જ નારાજ મહિલાઓને મનાવવા માટે હવે સરકાર હિજાબ અને પવિત્રતા નામનો ઉત્સવ મનાવી રહી છે.
ઈરાનમાં હાલના નિયમો મુજબ મહિલાઓએ પોતાનું માથું ફરજિયાત ઢાંકવું પડે છે. મહિલાઓ પોતાના વાળને ઢાંક્યા વગર જાહેર સ્થળોએ બહાર આવી નથી શકતી. જોકે, મશાદ અને કૂમ પ્રાંતમાં આ નિયમોનો કડક અમલ થાય છે જ્યારે રાજધાની તહેરાનમાં મહિલાઓ સ્વતંત્ર રીતે ફરતી જોવા મળે છે. ગયા વર્ષે જ હિજાબના આકરા નિયમો બનાવાયા હતા. જેનો ભંગ કરનારી મહિલાઓને સરકારની કેટલીક સુવિધાઓ વંચિત કરી દેવામાં આવે છે. જેના પગલે પણ આ નિયમોનો વિરોધ કરવા માટે મહિલાઓ રસ્તા પર ઉતરી રહી છે.