લંડનઃ મોટાભાગે દોડવાની વાત આવે તો લોકો કેટલી સ્પીડમાં દોડે છે એની ગણતરી લગાવે, પણ ઇંગ્લેન્ડના ગ્રેટર મેન્ચેસ્ટરમાં રહેતાં ૩૨ વર્ષીય શેન્ટેલ ગેસ્ટન-હિર્ડને બેકવર્ડ રનિંગનું ઘેલું લાગ્યું છે. તેમને સીધું દોડવું પસંદ નથી. તેઓ કહે છે કે સીધા દોડવાનું બોરિંગ લાગવા માંડ્યું હતું તેથી તે પાછા પગે દોડવાનું શરૂ કર્યું હતું. યુવાનકાળેથી જ શેન્ટેલ વર્કઆઉટ માટે જોગિંગ અને રનિંગ કરતી હતી, પરંતુ ર૦૧૩માં કોર્પોરેટ કંપનીમાં ટીમ બિલ્ડિંગ એકસરસાઇઝ તરીકે તેમને બેકવર્ડ રનિંગ કરાવવામાં આવ્યું અને તેને બહુ મજા પડી ગઈ. એ પછી તો તેમણે ગાર્ડનમાં દોડવા જતી વખતે અને જિમમાં વર્કઆઉટ કરતી વખતે પણ પાછા પગે દોડવાનું શરૂ કરી દીધું. એનાથી તેને ત્રણ ફાયદા થયા. સ્પીડમાં દોડવાની ઘેલછામાં ઘૂંટણ અને પગમાં થતી ઇજાનું પ્રમાણ ઘટી ગયું. બીજું તેને દોડવાની વધુ મજા આવવા લાગી અને ત્રીજું અવળા દોડવાથી તેની ફિઝિકલ અને મેન્ટલ બંને ફિટનેસમાં બહુ ફાયદો થયો. શેન્ટેલનું કહેવું છે કે તે જયારે જિમમાં વર્કઆઉટ કરે કે રનિંગ ટ્રેક પર દોડવા જાય ત્યારે લોકો તેની સામે કુતૂહલથી જોયા કરે છે. હવે તો તેમણે દર શનિવારે રેટ્રો રનર નામની કલબ શરૂ કરી છે. છેલ્લાં ૬ વર્ષમાં તેણે બેકવર્ડ રનિંગમાં એટલી માસ્ટરી કેળવી લીધી છે કે તેને બ્રિટનની ફાસ્ટેસ્ટ બેકવર્ડ રનર કહેવામાં આવે છે. તાજેતરમાં એક મેરથોનમાં પણ તે હાફ-મેરથોન બેકવર્ડ દોડી હતી.