અમદાવાદઃ ગુજરાતની દીકરીનું ઈઝરાયલની આર્મીના ઈન્ફર્મેશન વિભાગમાં સિલેક્શન કરાયું છે. જેની આર્મીથી ભલભલા શક્તિશાળી દેશો અને આતંકીઓ પણ ધ્રૂજે છે તેવા ઈઝરાયલના આર્મીમાં ગુજરાતની દીકરીનું સિલેક્શન થતાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. છેલ્લા ત્રીસ વર્ષથી ઈઝરાયલમાં સ્થાયી થયેલા અને માંગરોળના જીવાભાઈએ જણાવ્યું કે, મારી પુત્રી નિશા મુલ્યાશિયા મે મહિનાથી ઈઝરાયલના આર્મીના ઈન્ફર્મેશન વિભાગમાં જોડાશે. કાયદા અનુસાર, દેશના નાગરિકને ૧૮ વર્ષની ઉંમર બાદ આર્મીમાં ચાર વર્ષ સેવા આપવી જરૂરી હોય છે. આર્મીમાં જોડાયાની ખુશી વ્યક્ત કરતાં નિશાએ કહ્યું કે, મારે મેડિકલમાં આગળ વધવાની ઈચ્છા છે પણ આર્મીમાં જોડાવવાની પણ ખુશી છે. આર્મીનું શિસ્ત જીવન ઘણું શીખવાડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલમાં ગુજરાતના ૪૫ પરિવારો વસવાટ કરે છે. મુલ્યાશીયા પરિવારને ઈઝરાયલનું નાગરિકત્વ હોવાથી આર્મીમાં સેવા આપી શકે છે. ઈઝરાયલમાં ૧૬ વર્ષના બાળકોને આર્મીની ટ્રેનિંગ અપાય છે. ઈઝરાયલમાં આર્મીમાં જોડાવવા માટે માનસિક ટેસ્ટ અને ત્યારબાદ શારીરિક ટેસ્ટ આપવો પડે છે.