કૌટુંબિક પ્રસંગે, વારે કહેવારે, પ્રોફેશનલ ઈવેન્ટમાં કે ઓફિસે પણ જતાં પહેરી શકાય એવી જ્વેલરી એટલે ઇયર કફ. કાનમાં પહેરાતું આ ઘરેણું પરંપરાગત વસ્ત્રો, વેસ્ટર્ન આઉટફિટ કે ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસિસ સાથે પણ પહેરી શકાય છે. ઈયર કફ એટલા ટ્રેન્ડી છે કે જેનાથી તમે ક્યારેય પણ જુદા તરી આવો અને સ્ટાઇલિશ પણ લાગો. સામાન્ય રીતે રોજિંદી જિંદગીમાં કોલેજ જતી યુવતીઓ, ઓફિસે જતી માનુનીઓ કે પછી ઘરમાં રહેતી ગૃહિણીઓ જ્વેલરીમાં માત્ર કાનમાં કોઈ ઘરેણું જ પહેરવાનું પસંદ કરતી હોય છે અને એ ઘરેણું ઊડીને આંખે વળગે તેવું પણ ઇચ્છતી હોય છે તેમના માટે ઈયર કફ શ્રેષ્ઠ વિકલ્પ છે. રોજિંદી જિંદગીમાં પહેરી શકાય એવા લાઈટ વેટ ઇયર કફ માર્કેટમાં મળી પણ રહે છે. આ કાનની જ્વેલરી કોઇ પણ ઉંમરની મહિલા પહેરી શકે છે અને તે કાનને એક અલગ ગ્રેસ આપે છે. જે આખા કાનને કવર પણ કરે છે. કોલેજ જતી યુવતીઓ પ્લાસ્ટિકના કે ફન્કી ઈયર કફનું પણ સિલેક્શન કરતી જોવા મળે છે. આ પ્રકારના સિમ્પલ અને કલરફુલ ઈયર કફ બજારમાં સસ્તામાં સિદ્ધપુરની જાત્રા જેવા પણ સાબિત થાય છે. ગૃહિણી કે ઓફિસ જતી મહિલાઓ રેગ્યુલર લાઈફમાં પહેરવા માટે સોના, ચાંદી કે ઈમિટેશનના ઇયરકફ પસંદ કરી શકે છે.
હેવિ લુક આપે
જો કોઇ અંગત પ્રસંગ, તહેવાર, કોઈ ફંક્શન કે પ્રોફેશનલ ઈવેન્ટ અટેન્ડ કરવાની હોય તો મહિલાઓ હંમેશા હેવિ જ્વેલરી પહેરવાની પસંદ કરતી હોય છે. ખાસ કરીને કાનમાં આ સમયે ઇયર કફ ખૂબ જ સુંદર લાગે છે.
જો કૌટુંબિક પ્રસંગ હોય તો સોના સાથે કુંદન વર્કનાં ઈયર કફ શોભે છે. કાન આકારના હેવિ ઈયર કફ ટ્રેડિશનલ ફંક્શનમાં પહેરી શકાય. સોના, ચાંદી, પંચધાતુ કે ઇમિટેશનમાં ડાયમંડ, પર્લ્સ કે સ્ટોન વર્કના ઈયર કફ બજારમાં ઉપલબ્ધ પણ હોય છે. જો સેર કે ચેઈન વાળા ઈયર કફ તમને પસંદ હોય તો પોલ્કી ગોલ્ડ સાથે ડાયમંડ, સ્ટોન અથવા મોતીની સેર હેવિ અને સુંદર લાગે છે. જો તમારે વધુ હેવિ લુક જોઈતો હોય તો ઈયરકફની સેરમાં વધારો કરી શકાય. જેમકે ત્રણથી પાંચ સેરના ઇયર કફ પહેરી શકાય. આ ઉપરાંત સેરમાં એક કે તેથી વધુ ડાયમંડ કે મોતીનું ઝૂમખું લગાવી શકાય. ઘણા હેવિ ઈયર કફની સેરમાં પણ વિવિધતા જોવા મળે છે. સેરમાં લટકણ લગાવવાની પણ ફેશન છે. કાનની બુટમાં જે પ્રકારની બુટ્ટી કે ઝૂમકાં હોય એવાં જ લટકણ સેરમાં સેટ કરીને ઇયર કફ હેવિ બનાવી શકાય છે. જો તમે કોઇ પાર્ટી અટેન્ડ કરવા જઇ રહ્યા છો તો કાનની બુટમાં ડાયમંડ ટોપ સાથે ડાયમંડ સેરના ઇયર કફ પહેરી શકો છો. ડાયમંડની જગાએ નાના સ્ટોન કે મોતીનો ઉપયોગ પણ કરી શકાય છે. પ્રોફેશનલ પાર્ટીઝમાં તમે ગોલ્ડન, ચાંદી કે ઓક્સડાઈઝ્ડ ફેરી વિંગ્સ ઇયરકફ પણ ટ્રાય કરી શકો છો જેને તમે એક સાઇડના કાન પર પહેરી શકો છો કેમકે સિંગલ સાઇડ ઇયર કફ હાલમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.
વિવિધ ડિઝાઈન
ઇયર કફ્સમાં તમને ઘણી લેટેસ્ટ ડિઝાઇન અને સાઇઝ સરળતાથી મળી જશે. જો તમે ચેન, બ્રોચ અથવા તો કલરફુલ ઇયર કફ પસંદ કરો છો તો તેમાં પિકોક, ફ્લાવર, મેંગો, પેરોટ, રાઉન્ડ, ટ્રાયેંગલ, સ્ક્વેર ડિઝાઈન હાલમાં ઇન ટ્રેન્ડ છે. તમારા પર નિર્ભર કરે છે કે તમારે કેવી ડિઝાઈન પહેરવી છે. કાનમાં અલગ બુટ્ટી અને અલગ નાના ઈયર કફની ફેશન પણ છે. કાનના ઉપરના ભાગને વિંધાવીને અથવા તો કાનમાં ફિટ કરી શકાય તેવા ઇયર કફ મળી પણ રહે છે. આ પ્રકારના ડાયમંડ, સ્ટોન કે મોતીના નાની સાઈઝના ઈયર કફ રોજિંદી લાઈફમાં પણ પહેરી શકાય.
ફેસ પ્રમાણે પહેરવા
ઇયર કફને કારણે તમારો ફેસ એકદમ આકર્ષક તો લાગે છે, પણ તમારા ચહેરાના આકાર અને સાઈઝ પ્રમાણે ઇયર કફની પસંદગી કરવી જોઈએ. તમારા ચહેરાનો આકાર કોઈ પણ હોય, પણ ફેસકટ હેવિ હોય તો હેવિ ઇયર કફ પહેરવા જોઈએ. હેવિ ફેસ ધરાવતી મહિલાઓ કાન આકારના ઇયરકફમાં વધુ જાજરમાન લાગશે. હેવિ ફેસકટ ધરાવતી મહિલાઓ બુટમાં ટોપ અને નીચે ઝૂમખાં આવે તેવા ઇયર કફ પસંદ કરી શકે, પણ જો તમારો ચહેરો નાજુક હોય તો મિડિયમથી નાની સાઈઝના ઇયર કફની પસંદગી કરવી. ઝૂમખાંવાળા ઈયર કફને બદલે કાનની બુટમાં જ ટોપ સેટ થાય એવા પ્લસ સેરના ઇયર કફ વધુ પસંદ કરવા. કાનની સાઈઝ પણ ઇયર કફ માટે મહત્ત્વ ધરાવે છે. જો તમારી કાનની સાઈઝ મોટી કે નાની છે તો મિડિયમ સાઈઝ ઈયર કફ પહેરો જેથી કાન વધુ મોટા કે નાના નહીં લાગે. જો તમારી કાનની બુટ ચહેરા સાથે જોઈન્ટ હોય તો કાન આકારની બુટ્ટી પહેરો જેથી કાનનો શેપ સુંદર દેખાશે. જો કાનની બુટ ચહેરાથી છુટ્ટી હોય તો કોઈ પણ પ્રકારના ઈયર કફ તમને જચશે.