અમદાવાદઃ ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (આઈએનએસએ)ના પ્રમુખ તરીકે ડો. ચંદ્રિમા સાહાની પસંદગી કરાઇ છે. તેઓ અત્યારે આઈઆઈટી-ગાંધીનગરની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય છે. સાથે સાથે અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાઓમાં વિવિધ હોદ્દા પર કાર્યરત છે. એકેડમીના ૮૫ વર્ષના ઈતિહાસમાં તેઓ પ્રથમ મહિલા પ્રમુખ બનશે. તેમનો કાર્યકાળ ૨૦૨૦થી શરૂ થઈ ૨૦૨૨ સુધીનો રહેશે. અત્યારે તેઓ આઈએનએસએના ઉપપ્રમુખ છે. તેમનું મૂળ સંશોધન બાયોલોજીમાં છે.
ડો. સાહાના સંશોધનનો મુખ્ય વિષય કોષોના મૃત્યુ અંગે છે. ઉલ્લેખનીય છે કે તમામ સજીવના શરીર કોષના બનેલા હોય છે. કોષ સતત મૃત્યુ પામતા રહે અને નવાં જન્મતા રહે છે. વિજ્ઞાનીઓ કોષને હજુ સુધી પૂરેપૂરા ઓળખી શક્યા નથી. બહુમુખી પ્રતિભા ધરાવતા ડો. ચંદ્રિમા ફૂલટાઈમ બાયોલોજિસ્ટ બન્યા એ પહેલાં ક્રિકેટર પણ હતા. ઓલ ઈન્ડિયા રેડિયોમાં ક્રિકેટ કોમેન્ટેટર તરીકે કામ કરી ચૂક્યા છે. ૧૯૮૪માં તેઓ દિલ્હીસ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈમ્યુનોલોજી સાથે પણ જોડાયેલા હતા.
ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે સંશોધનની ઘણી ઉણપ છે. મૂળ બંગાળી એવા ડો. સાહાએ કહ્યું હતું કે તેઓ દેશના વિવિધ રાજ્યોની સ્થાનિક ભાષાઓમાં વૈજ્ઞાનિક સંશોધન થાય એ માટે પ્રયત્ન કરશે. એ ઉપરાંત વિજ્ઞાન સાથે વિવિધ ક્ષેત્રો જોડાય એવી પણ તેમની ઇચ્છા છે.
ઈન્ડિયન સાયન્સ એકેડમીની સ્થાપના ૧૯૩૫માં અંગ્રેજી વિજ્ઞાની લેવિસ લી ફેર્મોરે કરી હતી. આ સંસ્થાનું કામ ભારતમાં વિવિધ ક્ષેત્રના વૈજ્ઞાનિક સંશોધનો વધે એ જોવાનું છે.
સાયન્સ એકેડમીના અત્યારના પ્રમુખ અજય કે સૂદ છે. આ સંસ્થાના પ્રમુખપદે મેઘનાદ સાહા, હોમી ભાભા, શાંતિસ્વરૂપ ભટનાગર, રાજા રમન્ના, આર. એ. માશેલકર, સી.એન.આર. રાવ વગેરે જેવા દિગ્ગજ વિજ્ઞાનીઓ રહી ચૂક્યા છે. જોકે અત્યાર સુધીમાં કોઈ મહિલાને આ તક મળી ન હતી.