ફેશનવર્લ્ડમાં જો તમારાં આઉટફિટ અન્યોથી અલગ રીતે ડિઝાઈન થયેલાં હશે તો તે ફેશન ક્યારેય જૂની જ નહીં થાય કારણ કે તમારાં આઉટફિટ યુનિક હશે. આવા અનોખા આઉટફિટને લીધે તમે પણ ભીડમાં અલગ તરી આવશો. ફેશન એક્સપર્ટ્સના મત પ્રમાણે પરંપરાગત તથા વેસ્ટર્ન અને ઈન્ડિયન અથવા ઈન્ડોવેસ્ટર્ન આઉટફિટ્સમાં ચાલે તેવી કેટલીય પ્રકારની ડિઝાઈન ટોપમાં બને છે. આ ટોપ તમે કોઈ પણ બોટમ વેર સાથે પહેરી શકો છો. જેમ કે સ્કર્ટ, પલાઝો, જીન્સ, ચણિયા, ધોતી, લેગિંન્સ, પાયજામા, ચૂડીદાર, પેન્ટ્સ, પટિયાલા વગેરે વગેરે બોટમ વેર સાથે ટોપને કેરી કરી શકાય.
અનારકલી ટોપ
વર્ષોથી ઈન્ડિન કે વેસ્ટર્ન આઉટફિટમાં ચીણવાળી અનારકલી ડિઝાઈન ઈન ટ્રેન્ડ છે. અનારકલી ટોપની ખાસિયત એ છે કે એની લંબાઈ તમે ઈચ્છો એ રાખી શકો. કોઠાવાળા કે કોઠા વગરના અનારકલી ટોપનો ઈન્ડિયન લૂક જોઈતો હોય તો તમે બનારસી સિલ્ક, બાંધણી, બ્રાસો, બ્રોકેડ, કલકત્તી, પટોળા, સાઉથ ઈન્ડિયન, પૈઠ્ઠણી મટીરિયલમાંથી અનારકલી ટોપ તૈયાર કરાવી શકો. માર્કેટમાં પણ આ પ્રકારના અનારકલી ટોપ મળે જ છે એ ખરીદી શકો. જો ટોપને વધુ હેવિ બનાવવું હોય તો તેની પર જાણીતા ઈન્ડિયન વર્ક કરાવી શકો. આ પ્રકારના વર્કમાં મિરર, ગોટાવર્ક, સળી - મોતી, જરદોશી જેવા વર્ક થઈ શકે. જો તમારે માત્ર વર્કને પ્રાધાન્ય આપવું હોય તો સિલ્ક અથવા જ્યોર્જેટ મટીરિયલ પર પણ તમે હેવિ વર્ક કરાવી શકો. જો તમારે વેસ્ટર્ન લૂક આપે એવું ટોપ જોઈતું હોય તો તે માટે વેલ્વેટ, જ્યોર્જેટ, શિફોન મટીરિયલ પસંદ કરવું જોઈએ. તેના પર પારસી વર્ક કે કટવર્કની લેસ મુકાવી શકાય. માત્ર ગળાના ભાગે અને બાંયના છેડે હળવું રંગીન સળી મોતીનું કે જરદોશી વર્ક કરાવી શકાય. જો ટોપમાં ઈન્ડોવેસ્ટર્ન લૂક જોઈતો હોય તો સ્ટોલ કે દુપટ્ટો અને બોટમ વેર ઈન્ડિયન મટીરિયલ અને સ્ટાઈલના પસંદ કરવા. ટોપના મટીરિયલ અને વર્કની પસંદગી સાથે સાથે થોડી ચીણ અને કટમાં પણ ડિઝાઈન એવી પસંદ કરવી જે ઈન્ડો - વેસ્ટર્ન લૂક આપે.
ગાઉન ટોપ
લોંગ ગાઉન ટોપ પ્રોફેશનલ પાર્ટીઝથી લઈને વારે તહેવારે, પ્રસંગે પહેરી શકાય. ગાઉન ટોપમાં એ લાઈન ગાઉનની લંબાઈ ઈચ્છો તેટલી રાખી શકો. ફ્રીલવાળા ગાઉન ટોપ એડીથી સહેજ ઉપર હોય તો તે સારો લૂક આપે છે. શરીરને ચુસ્ત ગાઉન ટોપમાં કટ વધુ મહત્ત્વના હોય છે. બંને સાઈડમાં કટવાળું ગાઉન ટોપ પહેરવામાં કમ્ફર્ટેબલ રહે છે. આ ઉપરાંત શરીરને ચુસ્ત ગાઉન ટોપમાં આગળની તથા પાછળની બોટમમાં એકાદથી દોઢ ઈંચ કટ કરાવી શકાય. સિલ્ક, વેલ્વેટ, જ્યોર્જેટ, જીન્સના મટીરિયલમાંથી ચુસ્ત ગાઉન ટોપ બનાવીને તેને કોઈ પણ વર્કથી સજાવીને યુનિક બનાવી શકાય. ટાઈટ ગાઉન ટોપની નીચે નેટવાળી લેગિંન્સથી લઈને સિલ્ક ટાઈટ્સ સુંદર લાગે છે. ટાઈટ કે ફ્રીલવાળા બંને ગાઉન ટોપ પર મેચિંગ ઈન્ડિયન વર્કવાળું જેકેટ સુંદર લાગે છે.
ક્રોપ ટોપ
આજકાલ ક્રોપ ટોપની લોકપ્રિયતા એટલા માટે છે કે દરેક કોઈ પણ પ્રકારનું શરીર સૌષ્ઠવ ધરાવતી સ્ત્રીઓને આ આઉટફિટ્સ શોભે છે. ક્રોપ ટોપ પરફેક્ટ અપર બોડી આઉટફિટ જ છે. તેની વધુમાં વધુ લંબાઈ કમર સુધીની પસંદ કરી શકો છો. જોકે હવે ઘણા આઉટફિટમાં ક્રોપ ટોપને બોટમ વેર સાથે સ્ટીચ પણ કરી દેવામાં આવે છે. નીચે કળીદાર બોટમ ધરાવતું ક્રોપ ટોપ સુંદર લાગે છે. જોકે એકલા ક્રોપ ટોપ સાથે મેચિંગ થાય એવું કોઈ પણ બોટમ વેર જચે છે. જો ઈન્ડોવેસ્ટર્ન લૂક જોઈતો હોય તો ક્રોપ ટોપ વેસ્ટર્ન લૂક આપે એવું પસંદ કરો અને બોટમ વેરમાં સ્કર્ટ કે ચણિયાની પસંદગી કરી શકો છો. ચેસ્ટ કે કમર સુધીની લંબાઈ ધરાવતાં ટ્રેડિશનલ ક્રોપ ટોપની ફેશન અત્યારે ક્લોથ માર્કેટમાં ઈન ટ્રેન્ડ છે તેથી બોટમ વેરમાં પલાઝો કે પેન્ટ્સ જેવું આઉટફિટ પસંદ કરો તો આસાનીથી ઈન્ડોવેસ્ટર્ન લૂક મળી રહે. કોઈ પણ વારે તહેવારે કે પ્રસંગે ક્રોપ ટોપને કમ્ફર્ટેબલ અને કુલ આઉટફિટ ગણાય છે. સાડી સાથે પણ બ્લાઉઝની અલગ પેટર્ન ગમતી હોય તો ટિપિકલ બ્લાઉઝની જગ્યાએ તમે ક્રોપ ટોપ જેવો બ્લાઉઝ સિવડાવી શકો છો.
કુર્તા ટોપ
કોટન, સિન્થેટિક, સિલ્ક, બ્રોકેડ, ક્ર્શ, સિલ્ક જેવા ભારે તથા હળવા મટીરિયલમાં કુર્તા ટોપ માર્કેટમાં અવેલેબલ છે. આ પ્રકારનો પોશાક તમે બનાવડાવી પણ શકો છો તેમજ કુર્તા ટોપ તૈયાર પણ ખરીદી શકાય છે. આ ટોપ ફુલ સ્લિવ, સ્લિવ લેસ, સ્પગેટી ટાઇપ, સ્ટ્રીપ્સવાળી થ્રી ફોર્થ સ્લિવમાં અને હાફ સ્લિવમાં એમ બધા પ્રકારની સ્લિવના વિકલ્પ ઉપલબ્ધ છે. ટ્રેડિશનલ કુર્તા ટોપ તમે દિવાળીના તહેવારની સાથે સાથે લગ્નની સિઝનમાં પણ પહેરી શકો છો.
સેલિબ્રિટીઝ પણ આજકાલ કુર્તા ટોપ પલાઝો, સ્કર્ટ, ટાઈટસ, શોર્ટસ, પેન્ટસ કે પ્રિન્ટેડ પેન્ટસ સાથે પહેરવાનું વધુ પસંદ કરે છે. આ ટોપ પર સાડી પહેરવાની પણ ફેશન હાલમાં ઈન ટ્રેન્ડ છે. બ્લાઉઝની જગ્યાએ વર્ક કરેલા કુર્તા ટોપ સાડી સાથે પહેરાતાં સુંદર પણ લાગે છે.
ટ્યુનિક ટોપ
ટ્યુનિક ટોપની લંબાઈ સામાન્ય રીતે કમરથી નીચે અને ઘૂંટણથી ઉપરની હોય છે. જોકે હવે ટ્યુનિકની લંબાઈ પણ પહેરનારની પસંદગી પ્રમાણે અને ધારણ કરનારને કમ્ફર્ટેબલ હોય એ રીતે મળી રહે છે. લેયર્ડ ટ્યુનિક ટોપની ફેશન અત્યારે ઈનટ્રેન્ડ છે. એક જ પ્રકારના મટીરિયલમાંથી અસ્તર ઉપરના લેયરથી સહેજ લાંબુ અથવા ટૂંકુ અને એ જ મટીરિયલમાંથી ઉપરનું લેયર હાફ સ્ટીફ કે ફુલ સ્ટીચ કરીને બનાવેલું ટ્યુનિક ખૂબ જ સુંદર લાગે છે. ટ્યુનિકની ખાસિયત એ છે કે કોઈ પણ મટીરિયલમાંથી બનેલું ટ્યુનિક સુંદર જ લાગે છે. જોકે તમારે ટ્યુનિકથી ઈન્ડિયન લૂક મેળવવો હોય તો ઈન્ડિયન ટ્રેડિશનલ મટીરિયલ પસંદ કરવું અને બોટમ વેરમાં ઈન્ડિયન ટ્રેડિશનલ મટીરિયલમાંથી જ બનેલા પલાઝો કે પેન્ટ પસંદ કરવા. તમે ઈન્ડિયન મટીરિયલમાંથી બનેલા ટ્યુનિક પર સ્ટોલ નાંખી શકો. હવે ટ્રેડિશનલ ટ્યુનિક બને છે અને માર્કેટમાં સરળતાથી મળે પણ છે ત્યારે ત્યારે તેની લંબાઈ બે રીતે રાખવામાં આવે છે. ખાસ કરીને પ્રસંગે પહેરવામાં આવતા ટ્યુનિક ટોપ ચણિયા, વર્કવાળા કે સિલ્કના સ્કર્ટ સાથે પહેરવામાં આવે છે ત્યારે તેની લંબાઈ કમર સુધીની પણ રખાય છે.