તહેરાનઃ ઈરાનમાં રૂઢિવાદી શાસકોના અનેક પ્રયાસો છતાં એક વર્ષ પહેલાં શરૂ થયેલો હિજાબ સામેનો વિરોધ ચરમસીમાએ છે. સરકાર કડક કાયદા લાવી રહી છે પરંતુ મહિલાઓ પણ પીછેહઠ કરવાના મૂડમાં નથી. મહિલાઓ અને યુવતીઓએ હિજાબ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. તહેરાનની શેરીઓમાં હિજાબનો વિરોધ હવે સામાન્ય બની ગયો છે. ત્યાં ઘણી સ્ત્રીઓ હિજાબ વગર જોઈ શકાય છે. ઈરાનમાં હિજાબ પહેરવાનો આકરો કાયદો હોવા છતાં ઘણી જગ્યાએ મહિલાઓ હિજાબ ઉતારીને તેનો વિરોધ કરી રહી છે તો બીજી તરફ સરકાર પણ કાર્યવાહીથી ડરી રહી છે. પોલીસની કાર્યવાહી સફળ ન થતાં સરકારે પોતાની વ્યૂહનીતિ બદલી છે. સરકાર હવે કોર્પોરેટ અને ઉદ્યોગપતિઓને નિશાન બનાવી રહી છે. તેમના ૫૨ હિજાબ ન પહેરતી મહિલાઓને નોકરીમાં ન રાખવાનું દબાણ કરે છે. ઉપરાંત, જે મહિલા ગ્રાહકો હિજાબ પહેર્યા વિના આવે તો તેમને સ્ટોરમાં પ્રવેશ નહીં આપવા તાકિદ કર્યું છે.
કોર્ટનું પણ વલણ બદલાયું
હવે ઈરાનની સુપ્રીમ કોર્ટનું વલણ પણ બદલાવા લાગ્યું છે. તાજેતરમાં, કોર્ટે હિજાબ ન પહેરનાર મહિલાની કાર અને લાઈસન્સ જપ્ત કરવાનો સરકારનો નિર્ણય રદ કર્યો હતો. જાણીતા વકીલ મોહમ્મદ અલીઝાદેહ તબતાબેઈનું કહેવું છે કે જો સરકાર બિલ પાસ કરે તો પણ કોઈ અર્થ નથી કારણ કે મોટા ભાગની મહિલાઓ તેને સ્વીકારવા તૈયાર નથી.