તહેરાનઃ ઈરાનની કટ્ટરવાદી ઈસ્લામિક સરકાર વિરુદ્ધ દેશભરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તે છે. તેમાં કલાકારો અને લેખકો, લેખિકાઓ તો વિરોધ કરવા ખુલ્લેઆમ આગળ આવી રહી છે. પરસ્તુ નામની આવી જ એક વિખ્યાત સિંગરે વીડિયો સંદેશામાં, ઈસ્લામિક-કટ્ટરવાદી સરકારને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું: ‘હું પરસ્તુ છું, હું તે છોકરી છું જે ચૂપ રહી શકતી નથી. જે પોતાના દેશ માટે ગાવાનું બંધ કરવાનો ઈન્કાર કરે છે.’
જોકે આ ઈરાની સિંગરને ઓનલાઈન કોન્સર્ટમાં હિજાબ પહેર્યા સિવાય પરફોર્મ કરવું ભારે પડી ગયું છે. તેમની ઉપર કેસ કરવામાં આવ્યો છે. અદાલતે કહ્યું હતું કે તેમની ઉપર કઠોર પગલાં લેવાશે. પરસ્તુએ કરેલા પરફોર્મન્સને કોર્ટે કાનુની અને ધાર્મિક માપદંડોના ઉલ્લંઘન સમાન ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઈરાનમાં એક આદેશ જાહેર કરાયો છે કે જાહેરમાં હિજાબ વગર નીકળતી મહિલાને મૃત્યુદંડ જેવી કઠોર સજા કરાશે.
પરસ્તુ અહમદીએ 11 ડિસેમ્બરે મોડી રાત્રે પોતાની યુટયુબ ચેનલ પર કોન્સર્ટ ‘સ્ટ્રીમ’ કર્યું હતું. જેમાં માથાં ઉપર સ્કાર્ફ પણ બાંધ્યા સિવાય એક લાંબો લહેરાતો પોશાક પહેરી પરફોર્મ કર્યું હતું. આ પરફોર્મન્સ દર્શકો વિના જ શૂટ કરાયું હતું. આ કોન્સર્ટ શરૂ કરાયા પહેલો તેઓએ યુટયુબ વીડિયો પર એક સંદેશામાં કહ્યુંઃ ‘હું પરસ્તુ છું. હું તે લડકી છું જે ચૂપ રહી શકતી નથી. જે દેશ માટે જ ગાવાનું બંધ કરવાનો ઈનકાર કરે છે. કાલ્પનિક કોન્સર્ટમાં મારો અવાજ સાંભળો અને એ મુક્ત તથા સુંદર રાષ્ટ્રનું સ્વપનું જુઓ.’
તેના એક ગીતમાં પોલીસ કસ્ટડીમાં મહસા અમીનીના મૃત્યુ પછી દેશભરમાં જાગેલા વિરોધ પ્રદર્શનનો સ્પષ્ટ સંદર્ભ હતો.