કોયડા કે ઉખાણા સર્જનાત્મકતાથી ભરપૂર શક્તિશાળી શૈક્ષણિક સાધન હોઈ શકે છે પરંતુ, ભારતીય સંસ્કૃતિ વિશે શીખવતા હોય તેવા કોયડાઓ દુર્લભ હોય છે. હનુમાન ચાલીસા શીખવાની ભત્રીજીની ધગશમાંથી પ્રેરણા મેળવી ઈશાની કંટારીઆએ આ લક્ષ્ય સાથે ‘108 પઝલ્સ’ની સ્થાપના કરી હતી. યુકેમાં ભારે આદર ધરાવતા દાદા સંત પૂજ્ય રામબાપાની આગેવાની હેઠળ જ્યાં હનુમાન ચાલીસાના નિરંતર પાઠ થતા રહ્યા છે તેવા પરિવારમાંથી આવતાં ઈશાનીએ આ પ્રાર્થનામાંથી તેમને જે શક્તિ પ્રાપ્ત થઈ હતી તે છ વર્ષની ભત્રીજી સમજી શકે તેવા ઈચ્છા રાખી હતી.
હાલમાં જ પ્રકાશનની નોકરી છોડી છે તેવા ઈશાનીએ જિગસો પઝલ સ્વરૂપે હનુમાન ચાલીસાની રચના કરી છે જે આ પ્રકારની પ્રથમ રચના છે. ઈશાનીના સંગ્રહમાં હવે LEGO હનુમાન, રામાયણ પઝલ અને દિવાલી કૂકી કટરનો સમાવેશ થાય છે જેનાથી ભાવિ પેઢીને તેમની સંસ્કૃતિ સાથે સંકળાઈ રહેવામાં મદદ મળે છે. ઈશાનીએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વાતચીતમાં સાંસ્કૃતિક મૂલ્યોને આગળ વધારવામાં કોયડાનો ઉપયોગ, આ માર્ગે આગળ વધતાં સામનો કરવો પડ્યો તેવાં પડકારો સહિતની સમજ પૂરી પાડી હતી.
કોયડાઓ બાળકો અને યુવાઓને હિન્દુ, જૈન, શીખ મૂલ્યો કેવી રીતે શીખવી શકે અને આવા શિક્ષણને આગળ વધારવાનું મહત્ત્વ શું તેવા પ્રશ્નના ઉત્તરમાં ઈશાનીએ જણાવ્યું હતું કે બાળકો માટે રમત, શોધખોળ અને હાથ પરની પ્રવૃત્તિઓ થકી શીખવું તે સ્વાભાવિક છે. બાળકોના જીવનમાં સ્ક્રીન્સ મોટો ભાગ ભજવે છે ત્યારે તેનાથી દૂર લઈ જાય તેવી શૈક્ષણિક પ્રવૃત્તિમાં તેઓ જોડાય તેવી તેમની ઈચ્છા હતી. આવાં કોયડા જાતે અથવા સમૂહમાં પૂરાં કરી શકાય છે. જિગસો પઝલ એવી રીતે તૈયાર કરાયા છે કે બાળકોને તેની સાથે જોડાઈ રહેવું ગમે છે. ગ્રાન્ડપેરન્ટ્સ અને ગ્રાન્ડચિલ્ડ્રન વચ્ચે લાગણીના બંધન બંધાઈ શકે છે. વયસ્કોની વય વધતી જાય છે ત્યારે યાદશક્તિ અને કૌશલ્યને જાળવી રાખવામાં પણ કોયડા મદદરૂપ બને છે.
ઈશાનીએ પઝલ વિકસાવવાની પ્રક્રિયા, વિષયોની પસંદગી તેમજ ‘108 પઝલ્સ’ કઈ રીતે બેનમૂન છે તે પણ સમજાવ્યું હતું. ઈશાની માટે ‘108 પઝલ્સ’ અંગત જોશનો પ્રોજેક્ટ હતો. શોધખોળ કરવી અને પ્રેરણા મળવા સાથે દરેક કોયડો અર્થસભર અને ચોકસાઈપૂર્ણ બની રહે તે માટે તેમના મનમાં આઈડિયાઝ જાણે પ્રવાહિત થતાં હતાં. તેઓ જાણીતી વાર્તાઓ અને વિષયો સાથે શરૂઆત કરે છે, ચિત્રકારો તેને મૂર્તિઓ કે વિચારો સાથે સાંકળે છે. દરેક ડિઝાઈનની સમીક્ષા કરાય છે, જરૂર હોય ત્યાં નિષ્ણાતોનું ઈનપૂટ મૂકાય છે. તેઓ ઉચ્ચ ગુણવત્તા, બાળકો માટે સલામત અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે તેમ સ્થાનિક ઉત્પાદનને પ્રાધાન્ય અપાય છે. સૌપહેલા પઝલ્સને મંદિરમાં ઓફર કર્યા પછી સોશિયલ મીડિયા અને તેમની ઓનલાઈન શોપમાં મૂકાય છે. યુકેમાં આવી પ્રોડક્ટ રજૂ કરવામાં ‘108 પઝલ્સ’ સૌપ્રથમ છે. ઈશાની અનુસાર તેમના ગુરુ, દાદા અને પેરન્ટ્સના આશીર્વાદ થકી ભાવિ પેઢીઓને તેમના વારસા સાથે સાંકળવામાં તેઓ મદદરૂપ બનવાં ઈચ્છે છે.
ઈશાની કંટારીઆને ‘108 પઝલ્સ’ના નિર્માણ અને યોગ્ય કિંમતે ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ આપવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમણે બિઝનેસને વધારવામાં પોતાની સેવિંગ્સની સાથોસાથ નફાનું પણ રોકાણ કર્યું છે. પોપ-અપ ઈવેન્ટ્સમાં તેમની પ્રોડક્ટ્સને નિહાળી બાળકોમાં ઉભરાતાં ઉત્સાહ અને આનંદ નિહાળવાનું ઈશાની માટે ગૌરવપૂર્ણ પળો હોય છે.
ઈશાની ‘108 પઝલ્સ’નાં સર્જન પાછળના પ્રભાવક મૂલ્યો વિશે કહે છે કે ધાર્મિક પરિવાર, આધ્યાત્મિકતા, ભજનો અને સેવાના વાતાવરણમાં ઉછેર તેમના માટે કેન્દ્રવર્તી રહ્યો છે જેનાથી મુશ્કેલ સમયમાં શક્તિ સાંપડી છે. ભાવિ પેઢીઓને આપણા સમૃદ્ધ વારસાને સોંપી જવો જરૂરી છે જેથી તેઓ આપણા તહેવારો અને પરંપરાઓને સમજે, તેમની સાથે શું સુસંગત છે તેની પસંદગી કરી શકે તે મહત્ત્વનું છે. તેઓ તેમની વેબસાઈટ પર ભજનોનો નિઃશુલ્ક અનુવાદ કરે છે. જેથી લોકો શબ્દો પાછળના અર્થ અને ભાવનાને સમજી શકે. તેમણે આ વર્ષે બિનધાર્મિક દિવાળી પઝલ્સ બનાવ્યાં છે જે સ્કૂલ્સમાં બાળકોને મનોરંજન આપી શકે.
‘108 પઝલ્સ’ની ભાવિ યોજનાઓ વિશે ઈશાની કહે છે કે દર વર્ષે તેઓ બિઝનેસમાં વધુ સમય અને શક્તિનું રોકાણ કરે છે. આ વર્ષે જ તેમણે,લક્ષ્મીજી, ગણેશ, જલારામ બાપા, મહાવીર ભગવાન સહિત નવી 10 પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. દરેક પઝલની પાછળ મૂર્તિની સાથોસાથ કોયડો કોના વિશે છે તેનું સંક્ષિપ્ત વિવરણ હોય છે, ભજન અથવા મંત્ર વિશે લિન્ક આપે છે જેથી બાળકોને વધુ શીખવાનો ઉત્સાહ જાગે. તેમણે બર્થડે પાર્ટી, દિવાળી વગેરે માટે બિનધાર્મિક અને રંગીન જિગસો પઝલ્સ પણ ઉમેર્યાં છે. તેમની પાસે નવા આઈડિયાઝ છે અને આગામી વર્ષે તેને કેવી રીતે મૂર્તિમંત બનાવવાં તેનો વિચાર પણ કરે છે. વયસ્કો માટે મોટા અને વધુ મુશ્કેલ પઝલ્સ બનાવવા અને નવી દિવાળી પ્રવૃત્તિઓની વિનંતી પણ આવી છે જેના પર કામ કરી શકાશે.