અશક્ય એટલે હિંદીમાં નામુમકિન અને નામુમકિન એટલે ગુજરાતીમાં અશક્ય.... પણ આ બે નામ ગુજરાતી સાહિત્યની એક લેખિકાના તખલ્લુસ છે. જાણો છો એ લેખિકાનું નામ ? નકારમાં ઉત્તર વાળતાં પહેલાં આ સાંભળી લ્યો : એ લેખિકા પ્રવાસિની, ચિરપ્રવાસી, વિશ્વપ્રવાસી અને વટેમાર્ગુ તરીકે જાણીતી છે !
હા, વાત છે પ્રીતિ સેનગુપ્તાની... નિરંતર પ્રવાસી તો ખરી જ, પણ ઉત્તર ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા. છોગામાં પૃથ્વી પરના બધા જ ખંડોનો સફળતાથી પ્રવાસ ખેડનાર સાહસિક ગુજરાતી નારી એટલે પ્રીતિ સેનગુપ્તા ! ગુજરાતી સાહિત્યને તેણે તેનાં વીસેક પ્રવાસ પુસ્તકો, કાવ્યસંગ્રહ, લલિત નિબંધો, વાર્તાઓથી રળિયાત કર્યું છે. જન્મે ગુજરાતી, લગ્નથી બંગાળી અને ધર્મથી કોલંબસ એવી પ્રીતિ સેનગુપ્તાએ શાકાહારી રહીને એકલપંડે કરેલા દેશાંતર, અને પછીના અનેક ભૌગોલિક પ્રવાસોમાં, પ્રીતિ માટે કહી શકાય કે એ પ્રવાસી ગુજરાતી છે. પ્રવાસ એનો શોખ નથી, એનો ધર્મ છે !
પ્રીતિને મળો તો ચહેરો હાસ્યથી ફૂલગુલાબી હોયહંમેશાં એમના વાળમાં ડાબી બાજુ ખોસેલું રંગીન ફૂલ હોય. પ્રીતિ એચ.કે.આર્ટ્સ કોલેજમાં અધ્યાપન કરાવતી ત્યારે ઉચ્ચ માર્ક્સથી પાસ થયેલી એક વિદ્યાર્થિનીએ ગુરુવંદના તરીકે સફેદ ફૂલ આપેલું. ત્યારથી પ્રીતિ હંમેશાં પોતાના વાળમાં ફૂલ પરોવે છે. આ ફૂલ એ એનો ‘ટ્રેડ-માર્ક’, એની ઓળખ.
એનું મૂળ નામ પ્રીતિ શાહ. જન્મ અમદાવાદમાં ૧૭ મે ૧૯૪૪ના. માતા કાંતાગૌરી અને પિતા રમણલાલ. શિક્ષણ અમદાવાદમાં. જાણીતી શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાંથી. ૧૯૬૭માં ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાંથી ૧૯૬૧માં અંગ્રેજી વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પસાર કરી. અમદાવાદની ઉચ્ચ શિક્ષણસંસ્થા હરિવલ્લભદાસ કાળીદાસ મહાવિદ્યાલયમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું. પછી અમેરિકા ન્યૂયૉર્ક ખાતેના નિવાસ દરમિયાન ચંદન સેનગુપ્તા નામના બંગાળી યુવાન સાથે પરિચય થયો, જે લગ્નગ્રંથિમાં પરિણમ્યો. ત્યારથી કાયમી નિવાસ અમેરિકામાં. વિશ્વપ્રવાસની શરૂઆત વર્ષ ૧૯૭૫માં. સાથોસાથ સાહિત્યિક અને સામાજિક સંસ્થાઓમાં અવેતન સેવાઓ આપી.
પ્રીતિએ સાહિત્ય સંસ્થાઓમાં કામ કર્યું, પણ પ્રવાસ પ્રત્યે પહેલેથી જ ખેંચાણ. એક મુલાકાતમાં પ્રીતિએ કહેલું કે, ‘એમ કહી શકાય કે પ્રવાસ એ મારી રગોમાં છે. હું જે રીતે પ્રવાસ કરું એમાં એકલાં જ જવાનું અને કોઈ પણ દેશમાં જવાનું, એવું નહીં કે યુરોપ-અમેરિકામાં ઓળખાણો હોય ત્યાં જઈ આવીએ. અને કોઈ લેવા આવશે, મૂકવા આવશે એવું નહીં. દુનિયાના એકસો બાર દેશોમાં ગઈ છું એમાંથી એકસો પાંચ દેશોમાં હું મારી મેળે એકલી ગઈ છું. સૌથી પહેલાં હું અમેરિકામાં ફરી. પહેલા છ મહિના નોકરી કરી, પછી એ છોડી દીધી. બે સુટકેસમાં સામાન હતો તે ક્યાંક મૂકી દીધો અને પછી છ મહિના હું અમેરિકામાં બસમાં ફરી. પ્રવાસને હું મારો શોખ નથી કહેતી, હવે હું એને મારો ધર્મ કહેતી થઈ છું. મારું જીવન, મારી ફિલસૂફી એ બધું પ્રવાસમાં જ છે. પ્રવાસને હું બહુ ઊંડા અર્થમાં લઉં છું. પ્રવાસ એટલે એવું નથી કે આપણે બધે ફરી આવ્યાં, બધું જોઈ આવ્યાં.’
બાળપણમાં પ્રીતિએ માર્કો પોલો, કોલંબસ, વાસ્કો દ ગામા જેવા વિશ્વપ્રવાસીઓનું વિસ્તૃત અધ્યયન કર્યું હતું; જેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી અને પ્રવાસનક્ષેત્રે સક્રિય રીતે ઝંપલાવવાનો નિર્ધાર કર્યો. વર્ષ ૨૦૦૫ સુધી તેણે વિશ્વના ૧૦૪ દેશોનો પ્રવાસ ખેડ્યો હતો, જેમાંથી મોટાભાગના દેશોનો પ્રવાસ તેણે એકલા જ કર્યો છે. તેમાં દક્ષિણ અને ઉત્તર ધ્રુવના પ્રવાસનો પણ સમાવેશ થાય છે. ૧૯૯૨માં ઉત્તર
ધ્રુવનો પ્રવાસ ખેડનાર પ્રીતિ પ્રથમ ભારતીય મહિલા છે. સારામાઠા અનુભવ વચ્ચે પ્રીતિનો પ્રવાસનો શોખ લીલોછમ ને તરોતાજા રહ્યો એનો યશ એ પતિ ચંદનને આપે છે. પ્રેમાળ પતિના ટેકાથી પ્રીતિ ચિરપ્રવાસી અને વિશ્વપ્રવાસી બની. આ પ્રવાસે એને નવો પરિચય આપ્યો. પોતાની એ ઓળખ અંગે પ્રીતિ કહે છે,
વતન અમદાવાદ, વસવાટ ન્યૂયોર્ક અને વ્યવહાર સારી દુનિયા સાથે.
આચાર પોર્વાત્ય, વિચાર આધુનિક અને વર્તમાન વટેમાર્ગુ જેવું.
કર્મે લેખક, ધર્મે મુસાફર !