હરદોઈઃ ઉત્તર પ્રદેશના હરદોઈના રહેવાસી 68 વર્ષીય મહિલાએ કંઈક એવું કરી બતાવ્યું કે, વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. હરદોઈના કુમુદિની દેવીએ 68 વર્ષની ઉંમરે એલએલબીનો અભ્યાસ કર્યા બાદ ઓલ ઈન્ડિયા બાર એસોસિએશનની પરીક્ષા પણ પહેલા જ પ્રયાસે પાસ કરીને તેઓ વિશ્વના સૌથી મોટી વયે એડવોકેટ બની ગયા છે.
હરદોઈની આવાસ વિકાસ કોલોનીમાં રહેતી 70 વર્ષીય કુમુદિની દેવી બેઝિક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં હતાં અને હેડ મિસ્ટ્રેસના પદ પરથી નિવૃત્ત થયાં છે. રિટાયર્ડ થયા બાદ તેમણે એલએલબી કરવા માટે લો કોલેજમાં એડમિશન લીધું અને તેની પરીક્ષામાં સારા નંબરે પાસ પણ થયા. એલએલબી પૂર્ણ કર્યા બાદ તેમણે પ્રથમ પ્રયાસમાં ઓલ ઈન્ડિયા બાર એસોસિએશનની પરીક્ષા પણ પાસ કરીને સૌથી મોટી ઉંમરે એલએલબી કરનાર અને વકીલ બનનાર મહિલા બની ગયા.
કુમુદિની દેવીએ જણાવ્યું કે નોકરીમાંથી નિવૃત્ત થતાંની સાથે તેમણે લો કોલેજમાં એડમિશન લઈને એલએલબીનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. એલએલબી કર્યા બાદ પણ તેઓ અટક્યાં નહીં. તેમણે વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે બાર એસોસિએશનની પરીક્ષા પણ પાસ કરી. એટલું જ નહીં, જેમ-જેમ તેમની ઉંમર વધી રહી છે તેમ-તેમ તેઓ તેમના નામની સાથે ડિગ્રીઓ વધારી રહ્યા છે. હવે તેઓ એલએલએમ કરી રહ્યા છે. તે પૂર્ણ કર્યા બાદ તેઓ પીએચડી કરવાની પણ વાત કરી રહ્યા છે.
કુમુદિની દેવી કહે છે કે, નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ વંચિત અને શોષિત મહિલાઓ અને જેલમાં બંધ નિર્દોષોની મુક્તિ માટે કેસ લડશે અને આ માટે તે કોઈ પણ પ્રકારની ફી નહીં લેશે. તેમણે જણાવ્યું કે, નિવૃત્તિ બાદ તેમને પેન્શન મળી રહ્યું છે જેના કારણે તેઓ તેમની મદદ કરવા માટે સક્ષમ છે.