સામાન્ય રીતે સ્ત્રીઓ માને છે કે માત્ર લગ્ન સમયે જ ત્વચાની સંભાળ માટે ઉપટનનો ઉપયોગ થાય છે, પરંતુ હકીકતમાં તો ઉબટનનો ઉપયોગ બારે માસ કરીને ત્વચાને નિખાર આપી શકાય છે. અહીં ઉબટન બનાવવાની કેટલીક દેશી રીત આપી છે. સ્કિન કેર માટે ઉબટનનો પ્રયોગ પ્રાચીન કાળથી જ કરવામાં આવે છે. સોળ શણગારમાં પણ ઉબટનથી સ્નાન મહત્ત્વપૂર્ણ ગણાય છે. ઉબટન ત્વચાની સફાઈ કરે છે. ત્વચાને પોષણ આપે છે. ઉબટનના નિયમિત ઉપયોગથી ત્વચાની વિવિધ સમસ્યાઓ જેવી કે કરચલીઓ અને સ્કિન પરનવા દાગ દૂર થાય છે. કોઈપણ ઉબટનને શરીર પર લગાવીને થોડીવાર રાખ્યા પછી ધીરે ધીરે ઘસીને શરીર પરથી દૂર કરો.
દાળનું ઉબટનઃ અડધો કપ લાલ મસૂરની દાળના પાવડરમાં થોડું સરસિયાનું તેલ, એક0 ચમચી વાટેલી બદામ અને દૂધ નાંખીને તેની પેસ્ટ બનવો. આ મિશ્રણને થોડીવાર શરીર પર રહેવા દો. પછી હલકા હાથે ઘસીને કાઢી નાંખો. તમારી ત્વચા ચમકદાર બની જશે.
રાજસી ઉબટનઃ એક ચમચી કાજુનો પાઉડર, ૧ ચમચી બદામનો ભૂકો, એક ચમચી ચારોળીનો ભૂકો, એક ચમચી અખરોટનો પાવડર અને એક ચમચી મલાઈને સારી રીતે મિક્સ કરીને ચહેરા તથા ગરદન પર લગાવો. થોડીવાર પછી ધીરે ધીરે ઘસીને કાઢી નાંખો. આ ઉબટનનો નિયમિત ઉપયોગ કરવાથી રૂપ નિખરી જાય છે અને ત્વચાની વિવિધ સમસ્યાઓ પણ દૂર થાય છે.
ગુલાબી ઉબટનઃ બે ચમચા જવનો લોટ, એક ટેબલ સ્પૂન ગુલાબના સૂકા પાંદડાનો અર્ક, એક ટેબલસ્પૂન મિલ્ક પાવડરનું મિશ્રણ બનાવો. હવે તેમાં જરૂર મુજબ ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આને શરીર પર થોડીવાર લગાવો. પછી ઘસીને કાઢી નાંખો. આ ઉબટનથી ત્વચા રેશમી, ચમકીલી અને સુગંધિત બને છે.
રૂપસી ઉબટનઃ પા કપ ચણાનો લોટ, જરૂર મુજબ ગુલાબજળ અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. શરીર પર લગાવો. સુકાય એટલે ધીરે ધીરે શરીર પરથી દૂર કરો.
સંતરા ઉબટનઃ પા કપ સંતરાની છાલનો પાવડર, બે ટેબલસ્પૂન ચંદન પાવડર, કેટલાંક ટીપા એસેશિયલ ઓઈલ અને સંતરાનો રસ મિક્સ કરીને ઉબટન તૈયાર કરો. આને ચહેરા અને શરીર પર લગાવો. શરીર પર ઉબટન સુકાય પછી ઘસીને કાઢી નાંખો.