ઊડી ગયેલા બલ્બથી દીપાવો ઘર

Wednesday 06th July 2016 05:47 EDT
 
 

સામાન્ય રીતે જ્યારે મહિલાઓ ઘરની સાફ-સફાઈ કરે ત્યારે એવી ઘણી વસ્તુઓ હાથમાં આવે કે જે સીધી કચરાપેટીમાં પધરાવી દેવાની હોય. ઊડી ગયેલા બલ્બના ગોળાનો પણ એમાં સમાવેશ થાય છે, પણ હાઉસ ડેકોરેટર્સ કહે છે કે ઊડી ગયેલા બલ્બનો થોડું શાણપણ વાપરીને ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકાય.

ઊડી ગયેલા બલ્બનો ઉપયોગ કરીને તમે આગવી રીતે ઘર સજાવશો તો ઘરે આવનારા મહેમાનો પણ આશ્ચર્યમાં મુકાઈ જશે અને તમારી ઘર સજાવટની કળાને બિરદાવ્યા વિના નહીં રહે.

વેસ્ટ બલ્બનો બેસ્ટ ઉપયોગ

ઊડી ગયેલા બલ્બનો સીધેસીધો ઘર સજાવટમાં ઉપયોગ કરવો હોય તો તેમાં પાણી તથા હળવા અને નાના ડેકોરેટિવ સ્ટોન મૂકીને તેને શો કેસમાં મૂકી શકાય. સાદા બલ્બમાં રંગીન પાણી ભરીને વાયરથી ઘરમાં લટકાવશો તો પણ સજાવટ સપ્તરંગી બનશે.

રંગીન બલ્બને તમે સરસ રીતે ગોઠવીને દોરીમાં બાંધીને શેન્ડેલિયરની જેમ પણ લટકાવી શકો છો. ટ્રાન્સપરન્ટ બલ્બને સાફ કરીને તેમાં વાટ ગોઠવીને ફાનસ જેવું તૈયાર કરી શકાય અથવા તો કોર્નર ટેબલ પર તેને વ્યવસ્થિત ગોઠવીને લાઈટિંગની સરસ વ્યવસ્થા ઊભી કરી શકાય. બે કે ત્રણ બલ્બને ગોળ ફરતાં તાર લગાવી બલ્બને તોરણની જેમ લટકતાં રાખીને તેમાં કૃત્રિમ કે તાજાં ફૂલ મૂકીને બાલ્કનીમાં એક અનોખી સજાવટ કરી શકો. જુદા જુદા આકારનાં રંગીન બલ્બ હોય તો તેને આકર્ષક રીતે ગોઠવીને સેન્ટર ઓફ એટ્રેકશન પોઈન્ટ બનાવી શકાય છે. આવા બલ્બને વાયરોમાં સરસ રીતે બાંધીને એવી જગ્યાએ ગોઠવો કે આવનારનું ધ્યાન સીધું ત્યાં જ જશે. આ પ્રકારની સજાવટ સાદા ગોળા કરતાં બંધ પડેલા રંગીન ગોળામાં વધારે દીપી ઊઠશે.

બાળકોનો ક્રિએટિવ ટાઈમપાસ

ઘરમાં જ્યારે પણ બલ્બ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે તે ફૂટી ન જાય તેવી જગ્યાએ સાચવી રાખો. ઘરમાં બાળકો જો બાર તેર વર્ષના હોય તો તેઓ સાચવીને કાચના બલ્બ ઉપર પેઈન્ટિંગ કરી શકે છે. આ માટે બાળકો જ્યારે ફ્રી હોય ત્યારે આ ઊડી ગયેલા બલ્બ અને ઓઈલ પેન્ટ તેમને આપી દો. આ રીતે બાળકો માટે મજાની પ્રવૃત્તિ પણ મળી જશે. બલ્બમાંથી ફ્લાવર વાઝ પણ બનાવી શકાય છે. તે બનાવતાં બાળકોને શીખવો.

બલ્બનું ડેકોરેશન માગશે થોડી સંભાળ

બલ્બનો ડેકોરેશેનમાં ઉપયોગ કરો ત્યારે તેની નિયમિત સફાઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. બલ્બ ઉપર ધૂળ કે રજકણ જામી ગયા હશે તો એ સજાવટ સારી નહીં લાગે. બલ્બની સફાઈ કરતાં બલ્બ તૂટે નહીં અને કાચ વાગે નહીં તેનું ધ્યાન રાખવું. બલ્બ એવી જગ્યાએ મૂકવા જેથી બાળકો કે અન્ય કોઈથી તે ફૂટી ન જાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter