વોશિંગ્ટનઃ અમેરિકાના પેન્સિલ્વેનિયા સ્ટેટના પિટ્સબર્ગમાં રહેતી ૩૭ વર્ષની એમી બ્રૂક્સ નામની યુવતી જન્મી ત્યારે તેના બન્ને હાથ અને પગ વિકસ્યા જ નહોતા. કોન્જેનિટલ ટેટ્રાફોકોમેલિયા નામની જન્મગત બીમારી એ માટે કારણભૂત હતી. તેની હાલત જોઈને ખુદ તેના જન્મદાતાએ તેને તરછોડી દીધી હતી. જોકે અનેક વિટંબણાઓ વચ્ચે પણ સદા હસતી રહેતી એમીને અનાથાશ્રમમાંથી દત્તક લેનારું યુગલ મળી ગયું. આ યુગલે એમીને માત્ર સહારો ન આપ્યો, પણ તેને કોઈનાય સહારાની જરૂર ન પડે એ રીતે સ્વતંત્રપણે જીવન જીવતાં શીખવ્યું.
ઘરમાં ફર્નિચર અને બીજી તમામ વ્યવસ્થાઓ એ પ્રકારની ડિઝાઇન કરી છે કે એમી જાતે પોતાનું બધું જ કામ કરી શકે છે. હાથ ન હોવા છતાં તે નાહવા, બ્રશ કરવા, ખાવા-પીવાનું કામ પણ જાતે જ કરી લે છે. કેટલીક વાનગીઓ તે જાતે જ રાંધી પણ શકે છે અને હાથ કે આંગળીઓ ન હોવા છતાં ફોટોગ્રાફી પણ કરી
લે છે.
હાથ-પગની જગ્યાએ તેના શરીર પર ત્રણ-ચાર ઇંચના અવિકસિત હાડકાં જ છે. એ હાડકાંનો પણ એમી બખૂબી ઉપયોગ કરી લે છે. એ હાડકાંના જોઇન્ટમાં બ્રશ, ચમચી, ડબ્બા-ડબ્બી જેવી કોઈ પણ ચીજ ઊંચકીને તે પોતાનું કામ કરી લે છે. એમીની ‘હાઉ ડઝ શી ડુ ઇટ’ નામની પોતાની યુટ્યુબ ચેનલ છે. એમાં તે અવારનવાર પોતે કઈ રીતે રોજિંદુ કામ કરે છે એનું ડેમોન્સ્ટ્રેશન કરી બતાવે છે.
નવાઈની વાત એ છે કે મોટા ભાગના વીડિયો તે જાતે જ બનાવે છે. ચોક્કસ જગ્યાએ કેમેરા મૂકીને તે પોતાની મૂવમેન્ટ્સ રેકોર્ડ કરી લે છે અને પછી એડિટ કરીને એમાંથી નાના વિડિયો તૈયાર થાય છે. એમી કોઈ પણ કામ કરવા માટે મોં, દાઢી, ખભા અને હાથનાં ટચૂકડાં હાડકાંનો ઉપયોગ કરે છે.
એમીનું કહેવું છે કે, ‘પહેલાં મને કેમેરા સામે આવવામાં ખચકાટ થતો હતો, પણ જ્યારે મને લાગ્યું કે હું કઈ રીતે કામ કરું છું એ બીજા અનેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે ત્યારે મેં એ સંકોચને બાજુએ મૂકી દીધો.’
હાથ ન હોવા છતાં તે ઓટોમેટિક સિલાઈમશીનની મદદથી સિમ્પલ ચીજો સીવી પણ લે છે. બહાર જવાનું હોય ત્યારે પ્રોસ્થેટિક હાથ લગાવીને એનાથી વ્હીલચેર ઓપરેટ કરે છે. નાનામાં નાનું કામ જાતે કરવા માટે એમીને જે જહેમત ઉઠાવવી પડે છે એ જોઈએ તો સમજાય કે હાથ-પગ ધરાવતા લોકોનું જીવન તો કેટલું
બધું સરળ છે. જીવનના ખૂબ આકરા અનુભવો પછી હવે તેણે ઓટોબાયોગ્રાફી લખવાનું શરૂ કર્યું છે અને મોટિવેશનલ સ્પીકર તરીકે પણ તે કામ કરે છે.