કોલ્હાપુરઃ ‘માત્ર ૨૭ વર્ષની વયે આ દુનિયામાંથી પતિની વિદાય મારા માટે કોઇ ત્રાસદીથી ઓછું નથી. પરંતુ આ અનહોનીમાં મારો શું વાંક? મારું દુ:ખ અસીમ છે, પરંતુ હેરવાડ પંચાયતના ચુકાદાથી મારા મનમાં સંતોષ છે કે હવે આટલા મોટા દુ:ખ સાથે અમારા રાજ્યની મહિલાઓને તેમની ઓળખ અને સન્માન ગુમાવવાની પીડા વેઠવી પડશે નહીં.’ આટલા શબ્દો બોલતાં હેરવાડ ગામની સુનીતા બરગાલેની આંખો ભરાઇ આવે છે.
મહારાષ્ટ્રના આ નાનકડા ગામમાં વિધવાઓએ ચાંદલો ન કરવો, ચૂડી ન પહેરવી સહિત શૃંગાર નહીં કરવાની પ્રથા હવે રદ કરી દેવાઇ છે. આ ચુકાદાને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાનો મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે. વાસ્તવમાં આના માટે કોરોનાકાળથી પ્રયાસો ચાલી રહ્યા હતા. એક વ્યકિતની જીદે વિધવાઓ પ્રત્યેની લોકોની વિચારધારા બદલી નાંખી છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાના મામલા તો આવી જ રહ્યા હતા. ત્યાં કોરોનાકાળ દરમિયાન પરિવારોના મોભીઓના મોતની ઘટના પણ બનવા લાગી. પરિણામે ઘણી મહિલાઓ વિધવા બની છે.
આવી સ્થિતિમાં અહીંના સામાજિક કાર્યકર અને મહાત્મા ફૂલે સામાજિક સંસ્થાના સભ્ય પ્રમોદ ઝિંજુર્ડેએ પતિના નિધન બાદ મહિલાઓ માટે લાગુ થતી આ કુપ્રથાને રોકવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. શરૂઆતમાં તેમને વિરોધનો સામનો પણ કરવો પડ્યો પરંતુ પછી લોકોને સમજાયું અને ગ્રામ પંચાયતે આ પ્રથા રદ કરવાનો નિર્ણય લીધો. જેની અસરથી સમગ્ર મહારાષ્ટ્ર જાગી ગયું છે.
નજીકના ગામોને આંદોલનમાં જોડવાનો પ્રયાસ
હેરવાડ ગામમાં બદલાવ પછી આ આંદોલન અટક્યું નથી. હવે નજીકના ગામોને પણ તેમાં જોડવાના પ્રયાસો થઇ રહ્યા છે. હેરવાડના ગ્રામીણો આ ગામોમાં જઇ લોકોને સમજાવી રહ્યા છે કે વર્ષોજૂના કુરિવાજોને ખતમ કરીને આગળ વધીએ. આ પહેલ બાદ પોતાના પતિને ગુમાવી ચૂકેલી મહિલાઓને સામાજિક, ધાર્મિક કાર્યક્રમો, માંગલિક પ્રસંગો અને સમારંભોમાં સામેલ કરવામાં આવી રહી છે. તેઓ સામાન્ય મહિલાઓની જેમ વસ્ત્રો, ચૂડી અને મંગળસૂત્ર પહેરીને આ સમારંભોમાં આવી શકે છે.
હેરવાડની જ રહેવાસી શાકીરા જમાદારના પતિ અલ્તાફનું પણ કોરોનામાં નિધન થયું હતું. ત્રણ બાળકો સાથે જીવન વિતાવવાનું તેના માટે બહુ મુશ્કેલ થઇ રહ્યું હતું. જોકે હવે પંચાયતના આ ચુકાદાથી તેનો વિશ્વાસ વધ્યો છે. તેનું કહેવું છે કે મને આશા છે કે આ ચુકાદાથી પ્રેરિત થઇ મારો સમાજ પણ મહિલાઓના સન્માન માટે આગળ આવશે અને સમાજની મહિલાઓના ઉત્કર્ષ માટે જરૂર કામ કરશે.