ચેન્નઈઃ ભારતમાં એચઆઈવી સારવારના પ્રણેતા ડો. સુનીતિ સોલોમનનું ૭૫ વર્ષની વયે અવસાન થયું છે. દેશમાં એચઆઈવીની સારવાર ક્ષેત્રે તેમનું પ્રદાન ઘણું મહત્ત્વનું હોવા છતાં તેઓ ખાસ જાણીતા નહોતા કેમ કે તેમણે હંમેશા પ્રસિદ્ધિથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.
૧૯૮૬માં તેઓ ચેન્નઈની મદ્રાસ મેડિકલ કોલેજમાં માઈક્રોબાયોલોજીના પ્રોફેસર તરીકે કાર્યરત હતા. આ દરમિયાન તેમણે પોતાના એક પીએચ.ડી. વિદ્યાર્થી થકી છ સેક્સ વર્કરના લોહીના છ નમૂનામાં હ્યુમન ઈમ્યુનોડેફિસિયન્સી વાયરસ (એચઆઈવી) શોધ્યા હતા.
એ વર્ષોમાં એચઆઈવી ટેસ્ટની હાઈટેક સુવિધા વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ જેવી અમુક હોસ્પિટલોમાં જ હતી. આ માટે લોહીના નમૂનાને અમેરિકાના મેરિલેન્ડની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યા હતા. ડો. સોલોમને લેબોરેટરી ટેસ્ટીંગ કરીને લોહીમાં એચઆઈવી શોધ્યા હોવાનું માલુમ પડતાં જ તેઓ મેડિકલ વિશ્વમાં જાણીતા થઈ ગયા હતા.
સેક્સ વર્કરમાં એચઆઈવી શોધ્યા પછી તેનો ભોગ બનેલી મહિલા સેક્સ વર્કરની દર્દનાક કહાની પણ દુનિયાની સામે આવી હતી. તેમણે લીધેલા લોહીના નમૂનામાં ૧૩ વર્ષીય બાળકીનો પણ સમાવેશ થતો હતો. આ કિશોરીને અપહરણ કરીને બળજબરીથી આ વ્યવસાયમાં ધકેલી દેવામાં આવી હતી. આ ઘટના પછી તેમનું જીવન બદલાઈ ગયું હતું.
આ ઘટના પછી ડો. સુનીતિ સોલોમને મદ્રાસ મેડિકલ કોલેજમાં દેશનું પહેલું એચઆઈવી વોલન્ટરી કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ સેન્ટર શરૂ કર્યું હતું. વર્ષ ૧૯૯૩માં તેમણે એચઆઈવી મુદ્દે કોઈ જાગૃતિ નહોતી ત્યારે વાય. આર. ગાયતોંડે સેન્ટર ફોર એઈડ્સ રિસર્ચ એન્ડ એજ્યુકેશનની સ્થાપના કરી હતી.