નવરાત્રી ખૂબ જ નજીક છે. કોરોનાના સંકટ વચ્ચે જાહેર નવરાત્રી આયોજનોમાં તો આ વખતે નવરાત્રી ઉજવી શકાય કે નહીં, પરંતુ ઘરમાં - પરિવારમાં જ પાંચથી દસ બહેનો - દીકરીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માતાજીના ગરબા કરવા વિચારી રહી છે. આ રીતે પારિવારિક ઉજવણીમાં પણ સ્ત્રીઓ તૈયાર થવાનું ચૂકવા માગતી નથી તો આવી મહિલાઓ માટે અહીં એચડી મેકઅપની કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.
એચડી મેકઅપ એ એડવાન્સ ટેકનોલોજી મેકઅપ ગણાય છે. આ મેકઅપમાં મેકઅપની પ્રોડક્ટ્સ બહુ માઇક્રો હાઈ ડેફિનેશનવાળી હોય છે. આ મેકઅપ લગાવ્યા પછી સ્કિનમાં બહુ જલદી ભળી જાય છે. વળી એચડી મેકઅપની સારી વાત એ છે કે આ મેકઅપથી ચહેરાને વધુ ઘાટીલો દર્શાવી શકાય છે અને ચહેરાને યોગ્ય શેપ અપાયેલો દર્શાવી શકાય છે.
કોરોના સંક્રમણની સ્થિતિમાં સોશિયલ મીડિયા લાઈવ કે ઓનલાઈન આયોજનોનું પ્રમાણ વધ્યું છે ત્યારે ફોટો કે વીડિયોમાં સુંદર દેખાવું કોને ન ગમે? એ માટે હાઈ ડેફિનેશન મેકઅપ સારામાં સારી ટ્રીક છે. એચડી મેકઅપ તમારા ચહેરાનો નાનો સરખો ડાઘો હોય તો એ પણ છુપાવી શકે છે. ટૂંકમાં એચડી મેકઅપ ચહેરાની બધી ખામીઓ છુપાવી સ્વચ્છ ત્વચા દર્શાવી શકે છે. આ મેકઅપ સામાન્ય રીતે સિલિકોન અને અન્ય ક્રિસ્ટલ જેવા પાર્ટિકલ્સ સાથે આવે છે. જે લાઈટ્સને ડિફ્યુઝ કરવામાં મદદ કરે છે અને એ રીતે ત્વચાને બ્રાઈટર લૂક આપે છે.
એચડી મેકઅપના ફાયદા
• એચ ડી મેકઅપમાં સારી ક્વોલિટીની રિફ્લેક્ટિવ પ્રોડક્ટ્સ હોવાથી મેકઅપ ક્રેકી લાગતો નથી.
• આ મેકઅપમાં તમે મેકઅપમાંથી ત્વચા જોઈ શકો છો એટલે તમારી નેચરલ બ્યુટી ગુમાવ્યા વિના મેકઓવર કરી શકો છો.
• પ્રોડ્ક્ટ્સમાં મોઈશ્ચરાઈઝિંગ એજન્ટ પણ હોય છે જે ચહેરા પર કોઈ ક્રેક્સ હોય તો કવર કરે છે અને એને એકસરખી બનાવે છે.
• આ મેકઅપ કરવા માટે કોઈ ખાસ સાધનોની જરૂર નથી. તમે ટચઅપ માટે સિમ્પલ એકઅપ બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો.
• આ મેકઅપ તમારા ફીચરને હાઈલાઈટ કરે છે.
મેકઅપ કઈ રીતે કાઢશો?
મેકઅપ ગમે તે હોય એને મેકઅપ રિમૂવરથી જ સાફ કરવો જોઈએ. સાબુથી સાધારણ મેકઅપ કાઢી સકાય છે, પરંતુ એરબ્રશ મેકઅપ નહીં. એ કાઢવા માટે મેકઅપ રિમૂવરનો ઉપયોગ કરો. રિમૂવર ન હોય તો ક્લિનઝીંગ મિલ્કનો ઉપયોગ પણ કરી શકાય.